બાળકોમાં થતો ઝાડાનો રોગ

808

બાળકોને ઝાડા થવાથી તેના શરીરમાંનું પાણી ઓછું થઇ જાય છે. દર વર્ષે આ રોગથી આશરે ૩૫ લાખ બાળકોમાં મૃત્યુ થાય છે. બાળકોને થતાં ઝાડા માટે કુપોષણ પણ એક અગત્યનું કારણ છે.

આ પ્રકરણમાં સૂચવેલા સાત આરોગ્ય સંદેશ અમલમાં મુકાય તો કુટુંબ અને સમાજ બાળકોનાં અકાળ મૃત્યુઓને અટકાવી શકે તેમજ ઝાડાને કારણે થતું કુપોષણ પણ નિવારી શકે.

ઝાડા થવાનું મુખ્ય કારણ છે વ્યક્તિગત સ્વચ્છતાનો અને પીવાના શુદ્ધ પાણીનો અભાવ. સમાજની આ મૂળભૂત મુશ્કેલીઓ નિવેડો લાવવા માટે આમાં સરકાર અને રાજ્ય વ્યવસ્થાના ટેકાની જરૂર છે.

બાળકોને થતો ઝાડાના રોગમાં :

૧. ઝાડા થાય ત્યારે શરીરમાંથી પુષ્કળ શરીરમાંથી પુષ્કળ પાણી વહી જતાં મૃત્ય થઇ શકે છે. તેથી જ બાળકોને ઝાડા થાય ત્યારે તેને પીવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી આપવું જરૂરી છે. ઝાડા થવા એ ભયજનક છે. ઝાડા થયા હોય તેવા દર ૨૦૦ બાળકો દીઠ એક બાળકનું ઝાડાને કારણે મૃત્યુ થાય છે. ઝાડા થતાં શરીરમાંથી પુષ્કળ પાણી વહી જતું હોવાથી મોટાભાગે મૃત્યુ થાય છે. તેથી જ બાળકને ઝાડા શરૂ થાય કે તરત જ તેના શરીરમાંથી ઓછા થયેલા પાણીની પૂર્તિ માટે વધારાનું પ્રવાહી આપવાની જરૂર પડે છે.

ઝાડા વાટે શરીરમાંથી વધુ પાણી વહી જતુ અટકાવવા માટે બાળકને પ્રવાહી તરીકે ધાવણ, રાબ-કાંજી, ફળો-શાકભાજીના રસ તથા ભાતનું ઓસામણ આપી શકાય. દરેક દેશમાં દવાખાનાઓમાં, દવાની દુકાનોમાં કે અન્ય જગ્યાએ ઝાડા થાય ત્યારે આપી શકાય તેવા ખાસ પાવડર ઉપલબ્ધ છે. સામાન્ય રીતે આ ઝાડા માટે ખાસ બનાવેલું મિશ્રણ ખાંડ મીઠાના પાવડરના રૂમમાં મળે છે. તે પાવડર પીવાના સ્વચ્છ પાણીમાં ભેળવીને બાળકને પીવરાવી શકાય છે. જો કે આ ક્ષાર પાવડર ઝાડામાં પાણી વહી ગયું હોય તેની સારવાર માટે બનાવેલ છે. છતાં તેનો ઉપયોગ બાળકના શરીરમાંથી પાણી વહી જતું અટકાવવા માટે પણ કરી શકાય છે. આ પાવડર દૂધ, શાકભાજી કે ફળોના રસ અથવા અન્ય પીણાં સાથે ભેળવીને આપી શકાય નહીં. માત્ર પાણીમાં ભેળવીને જ આપવું. એક લીટર પીવાના સ્વચ્છ પાણીમાં આઠ ચમચી ખાંડ અને એક ચમચી મીઠું ભેળવેલું પ્રવાહી બાળકને પાવા માટેનું અસરકારક પ્રવાહી છે. જ્યારે આ પ્રકારનું પ્રવાહી ન મળે ત્યારે ફળનો રસ, ઓછી કડક ચા તથા લીલા નાળીયેરનું પાણી પણ આપી શકાય. જ્યારે અન્ય કોઇ પ્રવાહી મળી શકે તેમ ન હોય ત્યારે શક્ય તેટલું પીવાનું સ્વચ્છ પાણી આપવું. (ઉકાળીને ઠંડુ કરેલું પાણી). બાળકના શરીરમાંથી વધુ પડતું પાણી નીકળી જતું રોકવા માટે તેને ઉપર સૂચવેલ પ્રવાહીમાંથી કોઇપણ એક પ્રવાહી બાળક જ્યારે જ્યારે ઝાડો કરે કે તરત જ આપવું. બાળક બે વર્ષથી નાનું હોય તો તેને પા થી અર્ધા પ્યાલા જેટલું પ્રવાહી આપવું. બે વર્ષથી મોટા બાળકને મોટો અર્ધો કે આખો પ્યાલો પ્રવાહી આપવું. બાળકને પ્રવાહી ચમચીથી પીવડાવવું (બાટલી કે શીશીની સ્વચ્છતા જાળવવી અઘરી પડે છે.) બાળકને જો ઉલટી થાય તો દસેક મિનિટ રાહ જોયા બાદ ફરીથી થોડું થોડું પ્રવાહી આપવાનું શરૂ કરવું. ઝાડા બંધ ન થાય ત્યાં સુધી આમ વધારાનું પ્રવાહી આપવું જોઇએ. સામાન્ય રીતે ઝાડા બંધ થતાં ત્રણથી પાંચ દિવસ લાગે છે.

ઓ.આર.એસ. :

ઓ.આર.એસ. પાવડરનું પેકેટ તૈયાર મળે છે. તેમાંથી ઝાડા થયા હોય તેવા બાળકને પીવડાવવા માટેનું ખાસ પીણું બનાવી શકાય છે. ખાસ કરીને ડાકટર અને આરોગ્ય કર્મચારીઓ ઝાડાના રોગી બાળકને સારવાર રૂપે આ પીણું આપે છે. પરંતુ ઘેર આ પીણું તૈયાર કરી શકાય છે તે બનાવવાની આ રીત આ પ્રમાણે છે.

ઓ.આર.એસ. પાવડરને પેકેટ પર દર્શાવેલ પ્રમાણ મુજબનું પાણી લઇ તેમાં ભેળવો. જણાવેલ પ્રમાણ કરતાં ઓછા પાણીમાંથી બનાવેલ પીણું પીવડાવવાની બાળકને વિપરીત અસર થશે. તેવી જ રીતે પેકેટ પર દર્શાવેલ પ્રમાણ કરતાં વધારે પાણી ભેળવવું પ્રવાહી બહુ જ થોડી અસર કરશે. પાણીમાં ઓઆરએસ ભેળવી, ચમચી વડે બરાબર હલાવીને બાળકને તે પીવડાવવું.

૨. જ્યારે ધાવણ બાળકને ઝાડા થાય ત્યારે ધાવણ ચાલુ રાખવું અગત્યનું છે. ધાવણ બાળકને ઝાડા થાય ત્યારે ચાલુ રાખવું જોઇએ. એટલું જ નહીં બને તો તેનું પ્રમાણ વધારવું જોઇએ. જો બાળક ધાવી શકે નહીં તો માતાના સ્તનમાંથી દૂધ કાઢી તે સ્વચ્છ પ્યાલા વડે બાળકને આપવું જોઇએ.

જો બાળકને ગાયનું કે પાવડરનું દૂધ આપવામાં આવતું હોય તો હંમેશ કરતાં બે ગણું પાણી ઉમેરીને બનાવેલું પાતળું પ્રવાહી આપવું જોઇએ. (બને ત્યાં સુધી પાવડરનું દૂધ ન આપવું આ એક આડવાત છે. છતાં અગત્યની હોવાથી ઉલ્લેખનીય છે.)

૩. બાળકને ઝાડા થયા હોય ત્યારે તેને ખોરાકની જરૂર પડે છે. એવી માન્યતા પ્રચલિત છે કે બાળકને ઝાડા હોય ત્યાં સુધી કોઇ ખોરાક કે પ્રવાહી આપી શકાય નહીં. આ માન્યતા ખોટી છે.ખોરાક ઝાડા બંધ કરવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં ઝાડા દરમ્યાન અને ઝાડા પછી મા બાપ બાળકને આહાર આપવાની વિશેષ સંભાળ ન રાખે તો ઝાડાને કારણે બાળક કુપોષનું ભોગ બને છે. બાળકને ઝાડા હોય ત્યારે સામાન્યરીતે તને આહાર તરફ અરૂચિ જન્મે છે. આ વખતે તેને આહાર આપવાનું શરૂઆતમાં મુશ્કેલ બને છે. પરંતુ બાળકને ભાવતો ખોરાક ટૂકડે ટૂકડે (ઓછા પ્રમાણમાં) વારંવાર આપવાથી આ પ્રશ્ન સરળ બને છે. કડક અને ઘન ખોરાક લઇ શેક તેવી ઉંમરના બાળકને અનાજ, કઠોળ વગેરેમાંથી રાંધીને બનાવેલો કે બાફેલો ખોરાક, શાકભાજી કે રાંધેલા અનાજનો ખોરાક આપતી વખતે તેમાં એક કે બેચમચી ઘી કે તેલ શક્ય હોય તો ઉમેરવા. કેળા, કેરી કે અનાનસ જેવા ફળો અને દહીં પણ આપવા હિતાવહ છે. હંમેશા તાજો રાંધેલો ખોરાક દિવસમાં પાંચ થી છ વખત આપવો જોઇએ.

૪. સામાન્ય કરતાં વધારે ગંભીર ઝાડા હોય ત્યારે તાલીમ પામેલ આરોગ્ય કર્મચારીઓની મદદ જરૂરી છે.

નીચે દર્શાવેલા સંજોગોમાં બાપે તાલીમ પામેલ આરોગ્ય કર્મચારીની મદદ તાત્કાલીક લેવી. જ્યારે બાળકના શરીરમાંથી પાણી ઓછું થઇ ગયું હોય ત્યારે (ડિહાઇડ્રેશન) આંખો ઉંડી ઉતરેલી, સૂકાયેલી લાગે, ખૂબ જ તરસ લાગે. બાળક રડે ત્યારે આંખમાં આંસુ ન આવે. તાવ આવે.

જો બાળકમાં ઉપરોક્ત કોઇપણ લક્ષણો જોવા મળે તો તેને ડોકટરની મદદની જરૂર છે. દાકતર કે આરોગ્ય કર્મચારી ખાસ ઝાડા માટે પીવડાવવાનું પ્રવાહી (ઓઆરએસ) આપશે. પરંતુ ત્યાં સુધીમાં બાળકને અન્ય પ્રવાહીઓ પીવડાવવાનો પ્રયત્ન ચાલુ રાખવો.

૫. ઝાડાની બિમારીમાંથી સાજા થતા બાળકને એક અઠવાડીયા સુધી દરરોજ એક વધારે વખત ભોજનની જરૂર રહે છે.  સંપૂર્ણ સાજા થવા માટે ઝાડા થયા પછીના દિવસોમાં વધારાના ખોરાકની જરૂરત રહે છે. આ વખતે બાળકની ભૂખ ઉઘડી હોવાથી તે એકાદ અઠવાડિયા સુધી દરરોજ એકવાર વધારાનો આહાર લઇ શકે છે. આ રીતે બાળક બિમારી દરમ્યાન ગુમાવેલ આહાર અને અરૂચિનું સાટુ વાળી લે છે. બિમારીની શરૂઆત પહેલાં બાળકનું જે વજન હતું. તેટલું જ વજન ફરીથી ન થઇ જાય ત્યાં સુધી બાળક સંપૂર્ણ સાજું થયું ન ગણાય. સામાન્ય કરતાં વધારે વખત ધાવણ આપવાની પણ બાળક વધારે જલદી સાજું થાય છે.

૬. તબીબી સલાહ વગર ઝાડાની સારવાર માટે દવાઓ ન અપાય.

ઝાડામાં અપાતી મોટાભાગની દવાઓ નકામી અને નુકશાનકારક છે. સામાન્ય રીતે ઝાડા થોડા દિવસોમાં આપમેળે જ મટી જાય છે. ખતરો ઝાડાથી નથી ખતરો ઝાડાથી વહી જતાં પાણીને કારણે છે. તાલીમ પામેલ આરોગ્ય કર્મચારીએ આપેલી ન હોય તેવી કોઇ દવા કે ગોળી બાળકને આપો નહીં.

૭. બાળકને ધાવણ આપવાથી, ઓરી વિરોધી રસી મુકવવાથી, યોગ્ય જાજરૂના ઉપયોગથી, ખોરાક, પાણી સ્વચ્છ રાખવાથી અને ખોરાકને અડતાં પહેલાં હાથ ધોવાથી બાળકોને થતા ઝાડા અટકાવી શકાય છે.

મળમાં રહેલ ઝાડાના સૂક્ષ્મ જીવાણુઓ મોં દ્વારા પેટમાં જવાથી ઝાડાનો રોગ થાય છે. આ રોગના જીવાણુંઓ પાણીમાં, ખોરાકમાં, હાથ પર નખની નીચે આગળીઓમા, ખાવા પીવાના વાસણો દ્વારા અને માખી દ્વારા ફેલાઇ શકે છે. બાળકના મોંમાં જતા આ જીવાણુંઓને અટકાવવાથી બાળકને થતા ઝાડા અટકાવી શકાય છે. ગરીબાઇ તેમજ પીવાના સ્વચ્છ પાણીના અભાવેને કારણે ઘણાં કુટુબોના બાળકોમાં થતો ઝાડાનો રોગ અટકાવવો મુશ્કેલ બને છે. આમ છતાં કેટલાક ખાસ અસરકારક ઉપાયો આ પ્રમાણે છે :

બાળકને પ્રથમ ચારમાસથી છ માસ સુધી માત્ર ધાવણ જ આપો (ધાવણ ઝાડા અને અન્ય ચેપી રોગો સામે બાળકને રક્ષણ આપે છે) બાળકને ચારથી છ માસની ઉંમરે સ્વચ્છ, પૌષ્ટીક, બરાબર રાંધેલો, ઢીલો આહાર આપવાનું શરૂ કરો. ધાવણ આપવાનું પણ ચાલુ રાખો. જો બાળકને ગાયનું દૂધ કે પાવડરનું દૂધ આપવું પડે તો સ્વચ્છ પ્યાલા ચમચીથી આપો. શીશી કે બાટલી વડે નહીં. પીવાનું પાણી સૌથી સ્વચ્છ રાખો. (નદી, તળાવ, કુવા કે ઝરણાનું પાણી ઉકાળ્યા બાદ ઠંડુ પાડીને પીવાના ઉપયોગમાં લેવું.) મળત્યાગ માટે જાજરૂમાં જ કરો. (બાળકનો મળ મોટેરાઓના મળથી પણ વધુ જોખમી છે.) મળત્યાગ પછી અને ખોરાક રાંધતા ખાતાં અને ખવડાવતાં પહેલાં બંને હાથ સાબુ વડે ધોવા. ખોરાક અને પાણી ઢાંકેલા રાખવા. ખોરાક તાજો રાંધેલો જ ખાવો જોઇએ. વાસી ખોરાક્માં સૂક્ષ્મ જીવાણુંઓ થાય છે. ઘરનો કચરો બાળી નાખો કે તેને જમીનમાં દાટી દો. જેથી માખીના ઉપદ્રવ દ્વારા ઝાડાનો રોગ ફેલાઇ શકે નહીં.

Previous articleબળાત્કાર કેસમાં નારાયણ સાંઇને આજીવન કેદ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે