માઈક્રો સ્ટોરી શણગારની માઈક્રો રચનાઓ

975

નમસ્કાર મિત્રો, દર ગુરુવારે લોકસંસારના પાના પર માઈક્રોફિક્શન વાર્તાઓ પોતાનો મૌલિક સંસાર લઈ આપની સમક્ષ આવે છે. માઈક્રોફિક્શન વાર્તાઓને પોકેટ ડાયરી પણ કહી શકીએ કારણ એ વાંચવામાં ખૂબ ટુંકી પણ રસપ્રદ હોય છે.માઈક્રો વાર્તા વાચકને આરંભથી અંત લગી ખેંચી રાખે છે.ગદ્ય સાહિત્યનો આ ટૂંકો પ્રકાર રચવામાં ’માઈક્રો સ્ટોરી શણગાર પરિવારના લોકો પ્રયત્ન કરે છે.વાચકો, સ્ટોરી શણગારના સદસ્યો દ્વારા રચાયેલી આ વાર્તાઓ વાંચી પ્રતિભાવ મોકલશો.

 

સટ્ટાક

અચાનક હંસા રૂમમાં ધસી આવી. સટ્ટાક…એક તમાચાનો અવાજ આખા ક્લાસરૂમમાં ગૂંજી ઉઠ્યો. થોડી વાર માટે આખો ક્લાસરૂમ સ્તબ્ધ. પ્રોફેસર શીલવંતરાય પોતાનો ગાલ પંપાળતા એકબાજુ ઉભા હતા.હંસાએ એક પુસ્તક વચ્ચેથી કાગળની થોડી ચબરખીઓ કાઢી અને ક્લાસરૂમની વચ્ચે ઉડાડી અને જોરથી બોલી, એક પ્રોફેસર થઈને આવી હરકત કરતાં તમને શરમ નથી આવતી.’ ત્યાં તો ન જાણે ક્યાંથી હમણાં જ કોલેજમાં જોડાયેલા યંગ અને હેન્ડસમ પ્રોફેસર હરેન ત્યાં આવી પહોંચ્યા.એણે હંસાને પકડીને હચમચાવી નાખી અને હાથમાં રહેલું એક પુસ્તક ઉંચુ કર્યું.એ પુસ્તકમાંથી પણ થોડીક ચિઠ્ઠીઓ બહાર દેખાતી હતી. હંસાના ગાલ પર પણ જાણે એક જબરદસ્ત તમાચો પડ્યો.એ ચૂપચાપ કલાસરૂમની બહાર નીકળી ગઈ.

– ડૉ.કિશોર એન.ઠક્કર. ગાંધીધામ,કચ્છ.

પ્રયાણ

આખરે  સભા વિખેરાઈ ગઈ. કદાચ ગામલોકો થાકી ગયા! તેમના શરીર સાથે મન પર પણ તમાચા જડાયા હતા. એ બે અશક્ત ,ઘવાયેલ તન પાદરમાં પડ્યાં હતા. ગુસ્સાથી લાલ આંખો, વિખરાયેલાં વાળ, કાળા મોઢાં, અર્ધનગ્ન શરીર પર પથ્થરના ઘા સાથે એ બંને ઉભા થયા. બે હૈયાઓએ પ્રેમ કર્યો એની સજા શરીરને મળી હતી. સાથે સાથે આત્મા પણ ઘવાયો હતો. ભુલ તો કરી જ હતી ને! સમાજના નિયમો વિરુદ્ધ જઈને પ્રેમ કર્યો હતો. સમાજના રખેવાળોને આ કેમ પોસાય? બંનેની આંખ સમક્ષ આગળ બે વાર તો આવા યુગલોએ સમાજ સામે હારીને આત્મહત્યા કરી હતી , એ દ્રશ્ય તરવરવા લાગ્યું પણ…” બસ હવે બહુ થયું. સમય આવી ગયો છે સમાજરૂપી દેડકાને કુવામાંથી બહાર કાઢવાનો.” મનોમન વિચારી, એક દ્રઢ નિશ્ચય સાથે બંનેએ ગામ તરફ પ્રયાણ કર્યું. એક તમાચો હવે સમાજને .

– પલ્લવી ગોહિલ ’પલ’

બજારની ચીજ

બહારથી બંધ ઓરડાની બારી બજારમાં ખુલતી હતી. એ ઓરડામાં બંધ જીવની ચીસો ધીમી પડી, તેના શરીર પરનો ભાર તેના મન પર ભાર મૂકી ચાલતો થયો . ઓરડો ફરી બહારથી  બંધ થયો. એ બે દિવસથી ભૂખી હતી . હોજરીમાં ખટાશ ભરાઈ હતી, એ પરાણે ઉભી થઇ અને તેણે બારી ખોલી બજારની રોશની તેના મનના ઉજાસને ભરખી ગઈ. ફૂલવાળાની દુકાનમાં વેચાતી ફૂલોની વેણીની ફોરમ સૂગ ઉપજાવતી હતી .તેની હોજરીની ખટાશ મ્હોં સુધી આવી ગઈ, બજારમાં ફરતા લોલૂપ પુરુષોની કમરમાં હાથ નાખી ચાલતી સ્ત્રીઓના ગાલ પર બ્લશરની રતાશમાં છુપાયેલ ઘાવ, અને ઊંડી ઉતરેલી કાજળ કાળી આંખો એ તેને હચમચાવી મુકી. ફરી એક તમાચો  પડ્યો , ગાલ ઉપર અને મન ઉપર પણ ! ને ફરી એક ભાર શરીરને ચૂંથી રહ્યો પણ આ વખતે શરીરે શરણાગતિ કરી લીધી અને  તેની ચીસો શમી ગઈ ને ગરમ ઊંહકારાઓ ઓરડાને હચમચાવી રહયાં.

– ચિંતલ જોષી

શરણાગતિ

દારૂડિયો બાપ,લાચાર માં,નાના ભાઈ બહેનો,સતત ઘરમાં થતી મારઝૂડ,ગંદી ગટર પાસે આવેલું તૂટેલું ઝૂંપડું,અસભ્ય કહી શકાય તેવો સમાજ.જિંદગી તમાચા પર તમાચા મારી રહી હતી અને જિંદગી બેહાલ થઈ ગઈ. સપનાઓને બાળી તેમાંથી બે પૈસાની કમાણી કરતો હતો એક ચાની લારી પર.તેનું મૂળ નામ ભુલાઈ ગયું અને છોટુ થઈ ગયો.ત્યાં પણ હાલત બદતર હતી. માલિક જોહુકમી ચલાવતો અને અસભ્ય વર્તન કરતો. બાજુમાંથી એક ધમધોકાર સડક પસાર થતી અને છોટુના મનમાં સતત ઘમાસાણ ચાલતું. ઘણી વાર તેને મન થઈ જતું શરણાગતિ સ્વીકારી લેવાની. ને પછી એક દિવસ….

– શ્રેયસ ત્રિવેદી

પ્યાલો

મોટી કંપનીના સિનિયર અધિકારી માફક કાળો કોટ,ઝૂલતી ટાઈ,શાઈનીંગ વાળા બૂટ અને અપેક્ષાઓનું અત્તર છાંટી એ તૈયાર થયો ને પથારીવશ બાના આશીર્વાદ લેવા એણે આંગણામાં નાખેલ ખાટલા તરફ પગ માંડ્યા.  ’બા આજ ઈંટરવ્યૂહ સેં !’  બાને એકે’ય દાંત નહીં પણ ઈશારો કરી મંજુને બોલાવી દહીંનો કટોરો લાવવા કહ્યું.આંખમાં ઝળહળિયાંઓ સાથે દહીંની ચમચી ભરે એ પહેલા એ બબડતો ચાલવા લાગ્યો, ’’ હાલશે બા…..રે’વા દે આમે’ય ખાટ્ટાશ મોં બગાડસેં ! ’’ ટોપ રેટેડ કંપનીની ઓફિસની ગોળ ફરતી ખુરશી,કાળઝાળ ગરમી વચ્ચે પોતાને વાતાનુકુલિત રુમમાં જોઈ એના આનંદનો પાર ન રહ્યો.મિ.ડેનિશે એની ફાઈલ પરત કરતા કહ્યું, ’’નાઈસ ટુ મીટ યુ….અમે જણાવીશું.બહાર ઠંડાપીણાની વ્યવસ્થા છે.’’ બહાર પ્યાલામાં રહેલ સફેદ પ્રવાહી જોઈ એને જાણે તમાચો પડ્યો હોય એમ ઉભા ઉભા તમ્મર આવવા લાગ્યાં.

– ધાર્મિક પરમાર ’ધર્મદ’

તમાચો..

” હાશ !!  આવી રાત તો ક્યારેય નહીં જોઈ હોઈને સાહેબ કા !!!” હાથમાંથી ચૂંટણીની કામગીરીના કાગળિયા ભરેલી વજનદાર બેગને નીચે મૂકતા રામભાઈ.. માસ્તર, તેડાગાર, પટાવાળા કે એક ભારતીય નાગરિક બોલ્યા.. ” હાં !! ભાઈ આ સરકારી હુકમ તેથી ગામડાંના અંતરિયાળ વિસ્તારમાં પણ ફરજ નિભાવી પડે..” કહેતા એક બેંકર અને સામાન્ય નાગરિક મી.શાહ સીન્દ્રીના ખાટલામાં ડીલ લંબાવતા બોલ્યા.. ” કાલે કેટલા આવશેને ! કોણ જીતશે તે તો ભગવાન જાણે ?” ” હા !! ભાઈ, ચાલ હવે સુવાની તૈયારી કરો સવાર સવારમાં ઉઠીને જલ્દી ફરજ પર હાજર થઈ જવાનું છે ”  “સાહેબ આ એક દિવસનું કામ અને તૈયારી વર્ષોની નઈ !! ”  ” હા એતો બધું ઠીક , પણ કોઈ સારો પ્રતિનિધિ આવે તો સારું બાકી ઓલા સિડી વાળા લોકો જેવા જૂઆવિયા કે લંપટ આવે તો !! આ પંથકનું શુ થાય..” ” એક ભલાભોળા ગામડાં ની વ્યક્તિને ક્યાંથી ખબર કે લોકશાહીના નામે શું નું શું ચાલે છે ! ” મી.શાહ વિચારવા લાગ્યા. અને હાથ પર બેસેલ મચ્છરને બીજા હાથના પંજાથી તમાચો મારે તેમ મારતાં તેનો આક્રોશ છતો કરવા ગયા પણ… ”   ” અરે !! સાહેબ કેટલાને આમ મારશો અહીં તો રાતનાં બહુ આવે…” રામભાઈ બોલ્યા” શું ?”

– અલ્પા પંડયા દેસાઈ

દહેજ

વસંતપંચમીના  મીરા અને મોહનના લગ્ન નક્કી કરવામાં આવ્યા. બન્નેના  એરેંજમેરેજ હતા. રમેશભાઈ ની પરિસ્થિતિ સાધારણ હતી. વેવાઈએ દહેજ લેવાની ના પાડી હતી. વસંતપંચમી નો  દિવસ આવી પહોંચ્યો.મીરા લગ્નમંડપમાં જવા માટે તૈયાર થઈ રહી હતી,અચાનક બાજુના રૂમમાં કંઇક કામ યાદ આવતાં એ ત્યાં જવા ગઇ ત્યાં એના પગ ઓરડાની બહાર થંભી ગયાં.રમેશભાઈ વેવાઈ ના પગમાં પડી ૧ મહિનાની મુદત માંગતા હતા. મોહન અને તેના પિતાજીએ દહેજ માં ૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી,અને જો એ પૂરી ના થઈ તો જાન પાછી જાસે એવું દબાણ કરતા હતા.અંતે ૧૫ દિવસ ના વાયદા સાથે સમજૂતી કરી.રમેશભાઈ મીરા ની ખુશી માટે બધું કરવા તૈયાર હતા.કોઈને ખબર ના પડે એમ પોતે નીચે આવી ગયા. મીરા આ બધું સાંભળી ખૂબ લાલ પીળી થઇ ગઇ.એને લગ્નમંડપ માં બોલવામાં આવી.ગોરબાપા વિધિ શરૂ કરી ત્યાંતો મીરા દુર્ગા નું રૂપ ધારણ કર્યું અને જોરથી મોહનના ગાલ પર એક તમાચો પડયો.

– હિમા લાડાણી

તમાચો

ધોરણ બારમાં ભણતા વિદ્યાર્થીઓના વિદાય સમારંભનુ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેજ પરથી જય સરના નામની બૂમો પડી. જય સર સ્ટેજ પર ગયા એટલે એક વિધાર્થીએ સવાલ પૂછ્યો કે સર તમારી આ સફળતાનું રહસ્ય કહેશો. જય સરે કહ્યું કે અમે અમારા માસ્તરના હાથનો તમાચો સહી લેતાં હતાં…અમારા પેરેન્ટ્‌સ અમારી ફરિયાદ લઇને આવતા ન હતા અને અમારા માસ્તર પાસે માફીનામું લખાવતા ન હતા…અને ત્યાં બેઠેલા બધાના હાથ જાણે પોતપોતાના ગાલ પંપાળવા લાગ્યા !!!

– ભાવના ભટ્ટ

તમાચાની લાલી

સોસાયટીમાં નવી નવી, સાવ એકલી જ રહેવા આવેલી સીમ્મીને સુંદર તૈયાર થઈને, વેળા કવેળાએ જતાં- આવતા જોઈને આબાલવૃદ્ધ સૌ વળી વળીને જોતા. સાંજે પાનના બાંકડે પણ પુરુષોની વાતોના કેન્દ્રમાં રાજકરણ અને ક્રીકેટ કરતા વધુ સીમ્મી જ રહેતી. મહિલા વર્ગથી પણ આ વાત છાની તો ન જ હતી. સીમ્મીને લઈને બધાના મનમાં ઘણા સવાલ હતા. કોઈ સાથે જાજી વાત ન કરતી સીમ્મીને સામેથી પૂછવું પણ કેમ?  થોડા જ દિવસમાં નવરાત્રી આવી. સોસાયટીની સાર્વજનિક આરતીમાં સીમ્મી પણ ગઈ.  “ સીમ્મીબેન, તમે ખરીદી ક્યાંથી કરો છો? બહુ સરસ હોય છે તમારા કપડાં.” બટકબોલી બીનાએ પૂછ્યું.  “ સીમ્મીબેન, તમારી ઉંમર રજિસ્ટરમાં લખી છે ચાલીસ વર્ષ, પણ તમે પચ્ચીસીના માંડ લાગો છો. શું કરો છો તમે? “ સેક્રેટરીના પત્નિ સપનાબેન બોલ્યા.  “ બસ, તમાચો મારી ગાલ લાલ રાખું છું.” સુક્કુ હસી, ટૂંકાણમાં પતાવી સીમ્મી ત્યાંથી નિકળી ગઈ.

– અલ્પા વસા

મૂંગો તમાચો

“તારામાં તાકાત હોય તો બાળક જણ… “- આગળનો શબ્દ તો નિયતિના સ્ત્રીત્વ સામે તમાચા સમાન હતો, પરંતુ સાસુમાનો કાયમી ઝેરીલો ઓડકાર પોતાનામાં ખામી નથી તે જાણતી હોવા છતાં નિયતિ લગ્નના ચાર વર્ષ સુધી નતમસ્તક ગળતી રહી. નણંદને સારા દિવસો છે એ સાંભળી ખુશ થયેલી નિયતિએ આજે સાસુમાએ કરેલા ૈંફહ્લ માટેના હુકમ સામે શરણાગતિ સ્વીકારી.  કુદરતનું કરવું ને નણંદ-ભાભીની ડિલીવરી માટે એક જ દિવસ નક્કી થયો. એ દિવસે એકબાજુ શોકનો માહોલ બન્યો તો બીજીબાજુ ખુશીનો.

નણંદે ભાનમાં આવતાં બાળગોપાલને ઘોડિયામાં નિહાળ્યો અને સાસુમા મૂંગો તમાચો સહન કરતાં નિયતિ સામે જોઇ રહ્યા.

– શ્રદ્ધા  ભાવસાર(અમીન)

ઈચ્છા

ઈચ્છા…મુક્ત વિચાર સાથે મુક્ત ગગનમાં વિહરવાના સપના જોનારી , હંમેશા સાચું બોલનારી. ખોટું કે અન્યાય સહેજ પણ સહન થાય નહિ. પોતે તો ન જ કરે પણ જો કોઈની સાથે થાય તો ત્યાં પણ ચૂપ ન રહે. એકવાર કોલેજમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીને સિનિયર વિદ્યાર્થીઓ ગંદી રીતે હેરાન કરી રહ્યા હતા. ટેવ મુજબ તેનાથી રહેવાયું નહિ અને ૧૮૧ પર ફોન કરી દીધો. ત્યારથી કોલેજમાં બ્રેવરી એવોર્ડ આપવાની શરૂઆત થઇ.   લગ્ન કરી સાસરે ગઈ. શરૂઆતમાં તો બધું સારું ચાલ્યું પણ ધીરે ધીરે માનસિક ત્રાસ શરુ થયો. મમ્મીને આપેલા વચનથી બંધાયેલી હતી એટલે સહન કર્યે જતી હતી. પરંતુ એકદિવસ હદ આવી જતાં તેણે પણ સામો જવાબ આપી દીધો. એના જવાબથી ગુસ્સે થઇ પતિએ તમાચો માર્યો જે એના આત્મસન્માન પર વાગ્યો. ચક્કર આવવાથી બેભાન થઇને ઢળી પડી. હોસ્પિટલમાં ભાનમાં આવી ત્યારે સાસરીવાળાને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો જ કે એનું મ્હોં મીઠું કરાવવામાં આવ્યું. ફરી એક ઇચ્છાએ એના આત્મસન્માન અને ઈચ્છાઓને છોડીને સાસરીની શરણાગતિ સ્વીકારી લીધી.

– પલ્લવી ગોહિલ ’પલ’

આગ

આજ સવાર સવારમાં જ  ઝુંપડપટ્ટીમાં હાહાકાર જેવુ વાતાવરણ થઈ ગયુ!  અમરશી ચિક્કાર દારુના નશામાં આવીને તેની પત્ની કાન્તાના પેટ માં પાટુ મારીને બોલ્યો “હજી પીવાની તલપ છે, રુપિયા દે.”  કાન્તા કણસતા કણસતા બોલી “હવે ઘરમાં છે તને આપવા જેવું કાંઈ તો આપુ?” ઝુંપડીની બહાર ઉભેલી રમલી પારેવાની જેમ ફફડી રહી હતી. અમરશીએ એના તરફ જે રીતે જોયું એ કળી ગયેલી કાન્તાએ હિંમત કરી, અમરશીને એક સટ્ટાક કરતા તમાચો ઝીંકી દીધો. નશામાં ધૂત અમરશી પડી ગયો…ઝુંપડીનું બારણું બહારથી બંધ કરીને એ રમલીને લઈને ભાગી છુટી…રાત સુધી પાછી ના આવી…અડધી રાતે ઝુંપડપટ્ટીમાં ગોકીરો બોલી ગયો. કાન્તાની ઝુંપડીને આગ લાગી ગઈ હતી…કાન્તાને એ   આગમાં ઘણું બધું ભુંજાતું દેખાયું…

– સંજય ભટ્ટ (ખુશ)

સપ્તરંગી શ્વેત રંગ

દીપાની ખુશીનો પાર ન હતો. મનગમતો દિવાળીનો ઝગમગતો તહેવાર, અને એ પણ દીપેશ સાથે સાસરે પ્રથમ ઉજવણી. દીપાને રંગબેરંગી વસ્ત્રોનો ખુબજ  શોખ હતો. દીપેશને આ વાતનો ખ્યાલ હોવાથી પ્રથમ ભેટમાં  દીપાને સપ્તરંગી ચુંદડી આપી  હતી. દીપાએ હોંશેહોંશે દિવાળીની ઉજવણીની બધી તૈયારી કરી લીધી. મનગમતી સપ્તરંગી ચુંદડી ઓઢેલી દીપા, દીપેશની આતુરતાથી રાહ જોતી હતી. દીપાની પ્રતીક્ષા કાયમી બની ગઈ. કાળના ઓચિંતા પ્રખર તમાચાએ દીપાના મનગમતા સપ્તરંગને સફેદ રંગમાં વિલીન કરી દીધા. એકલતા, આંસુ, અરમાન, અધુરા સપના, આશા, એષણા, અંધકાર, એકાકાર થઈને બની ગયા..સફેદ રંગ ! અને પછી વૈધવ્યએ સ્વીકારી લીધી શરણાગતિ.

– ચેતના ગણાત્રા ’ચેતુ’

તમાચો

નેતા ગામમાં ચૂંટણી ટાણે ગ્રામ્યવિકાસ,વીજળી, પાણી અને ગામના પ્રશ્નોના ઉકેલ પર ભાષણ આપવા લાગ્યા કાર્યક્રમ પત્યો એટલે ગરીબોને ઘરે જમવાનો કાર્યક્રમ શરૂ થયો. જમ્યા પછી.. નેતાજી એ કહ્યું, “ખૂબ ગરમી છે તરસ લાગી છે,પાણી આપો મગને પત્નીને કહ્યું, સાહેબને પાણી આપો.” પત્નીએ ગ્લાસ આગળ કર્યો નેતાના મોમાં પાણી પડતા જ ચીઢથી બોલ્યા,”આ શું મજાક છે,આટલું ખારું પાણી?” મગન, “સાહેબ અમને ખબર છે,એટલે સાથે અડધું લીંબુ અને બે ચમચી ખાંડ લઈને ઉભો છું ,લાવો પાણીમાં મિલાવી દઉં એટલે મીઠું શરબત ગરમીમાં ઠીક લાગશે.” સાહેબ એક બીજી વાત આ નપાણીયા અને મોટેભાગે ખારા પટ્ટામાં લીંબુએ પરાણે મળે, બાજુના વાણીયા પાસેથી માંગી લાવ્યો છું કારણકે તમારે મુજ  ગરીબને ઘરે ભોજન પાણી કરવાનું હતું… ભાષણથી તદ્દન વિપરીત ગ્રામ્ય પરિસ્થિતિ જોઈ નેતાને ભાષણના શબ્દો તમાચાની પીડા જેવા લાગ્યા. સાહેબે પરાણે શરબત પી મોં ઠાવકુ રાખી ત્યાંથી નીકળી જવાનું મુનાસિબ સમજ્યું.

– મિનલ પંડ્યા

જીત

“હે ભગવાન, શું કરું?” ખરેખર આવા કપરા સમયમાં કોઈ મદદની જરૂર હોય અને એ ન મળે ત્યારે! દુનિયામાં જાણે અંધારું થઈ ગયું હોય એવું લાગે, અરે આવી પળે તો પ્રભુ સાથે પણ ઝઘડો થઈ જાય, કે કેમ એ મદદ કરવા આવતો નથીપ પૂજાપાઠ, વ્રત બધું વ્યર્થ હોય એવું લાગેપ!  “શું કરું? એપ. એપ.મારી નજીક આવવાની કોશિષ પણ ના કરીશપ” “હવે? છુટકો જ નથી કોઈપ”એ રડવા લાગીપ “કર, કર તારે જે કરવું હોય તેપહું શરણાગતિ સ્વીકારી લઉં છું બસ!” અને એ સોફા પર ચડી ગઈ. “ઘરમાં એકલી છું એટલે તું મને ડરાવે છે ને? મારી ખુશી અહીં હોત તો, તારો તો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હોત…શું કરુંપમારી નાખુ? હા, હવે બીજો કોઈ રસ્તો નથીપ પણ, કેવી રીતેપહા, સાબુનું પાણીપહાપ” અને થોડીવાર પછી એણે વિજયનાદ કર્યોપઆજે એક વંદાને મારીને એણે પોતાના ડરને જાણે જીતી લીધોપત્યાં જ એનું ધ્યાન દિવાલ પર ગયું અને એક મોટી ચીસથી જાણે બિલ્ડીંગ ધ્રુજી ગયુંપ

– દક્ષા દવે ’રંજન’

તમાચો

“અલી ઓ રાધા… ક્યાં ગઈ? મને ખાવાનું આપીશ કે ભૂખે મારવાનો ઈરાદો છે ?” રોજના જશુબાના આજ શબ્દો હોય છે એમની વહુ રાધા માટે. રાધાની કુખે દીકરી જન્મી હતી ત્યારથી જ જશુબાનો રાધા પ્રત્યેનો વ્યવહાર બદલાય ગયો હતો. એ કાયમ કહેતા કે “દીકરી એ તો સાપનો ભારો છે.” મારે તો મારો વારસદાર જ જોઈએ. એમની આ ઈચ્છાને લીધે રાધાનો ત્રણ વાર ગર્ભપાત કરાવી ચુક્યા હતા. માં બાપ વિનાની દીકરી રાધા પોતાના અજનમ્યા સંતાનો માટે કઈ જ કરી શકી ન હતી. અને એના પતિનો પણ એને સાથ મળતો ન હતો. રાધા બિચારી મુંગે મોઢે બધું સહન કર્યે રાખતી. એક દિવસ જશુબા આરામ કરતા હતા. ત્યાં જ ફોન રણક્યો. એમની દીકરીના સાસરેથી હતો. “તમારી દીકરીના ઘરે ફરી લક્ષ્મી અવતરી છે અભિનંદન…” એવું દીકરીના સાસુએ જણાવ્યું. ફોન મુક્યા પછી એમનું મોં પડી ગયું અને એમને લાગ્યું કે જાણે ફોનમાંથી કોઈકે જોરદાર તમાચો માર્યો હોય.

– જિજ્ઞાસા પટેલ

વાચકોના અભિપ્રાયો :

ખુબ ખુબ ખુબ આભાર  પરિવારનો.પરિવારના માર્ગદર્શન માટે ખુબ ખુબ આભાર.

– ચેતના ગણાત્રા

બહુ સરસ ગ્રુપમાં જોડી મારી લેખનશક્તિને યોગ્ય પ્લેટફોર્મ આપવા બદલ…મારી ઈસ્ટર એગને સ્થાન આપવા બદલ !

– મિનલ જૈન

ખુબ ખુબ આભાર પરિવારનો..આપના સહકાર માટે. મારી ’હાસ્ય’ માઈક્રોને સ્થાન આપવા માટે

– ચેતના ગણાત્રા

Previous article૬૦ શ્રેષ્ઠીઓ ‘ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ’થી સમ્માનિત
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે