ભાવનગર મહાપાલિકામાં ૫૦ ઉપરાંત એસી મશીનો ચાલુ છે
મહાનગર સેવાસદનમાં બોર્ડ સભાગ્રહ, પદાધિકારીઓ અને ચેરમેનોના ચેમ્બરોમાં મળીને કુલ ૫૦ ઉપરાંત એસી ચાલુ છે. આવા એસીઓ અધિકારીઓના ચેમ્બરોમાં પણ છે. જે અધિકારીઓના ચેમ્બરોમાં એસી નથી ત્યાં નવા એસી મુકાશે પણ આચાર સંહિતા ઉઠી ગયા પછી. ઘણી ચેમ્બરો અને વિભાગીય કચેરીઓના બંધ પંખાઓ પણ ચાલુ કરવાની પ્રક્રિયા ચાલુ છે. સેવા સદનમાં એસીનું બીલ ઠીક ઠીક પ્રમાણમાં આવે છે. ઘણાં ચેરમેનોના એસી ધીમા ચાલે છે. કારણ પૂછો ચેરમેનોને..
આરોગ્ય કમિટી ચેરમેન રાબડીયા સક્રિય બને છે : પત્રો લખવાની શરૂઆત
મહાનગર સેવાસદન આરોગ્ય કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા લાંબા સમય પછી સક્રિય થવાનું જાણવા મળે છે. આજે તેઓ પોતાના વોર્ડના પ્રશ્નો માટે તંત્રને પત્રો લખવાની શરૂઆત કરી છે. ભાજપના ૩૪ નગર સેવકોમાં રાજુભાઇના પત્રો તંત્રને વધુ લખાતા હોય છે. આરોગ્ય તંત્ર નાગરિકોને ઉનાળાના દિવસોમાં પાણી જન્ય રોગોથી બચવા નાગરિકોને અપિલ કરતી પત્રિકા બહાર પાડવામાં આવી તેની વાત જણાવી હતી. રાજુભાઇ પક્ષો લખવા માટે ખૂબ જાગૃતિ ધરાવે છે.
જર્જરીત મટન માર્કેટ રીપેર કરવા ઇકબાલભાઇની માંગ
કરચલીયા પરા વોર્ડના કોંગ્રેસના જાગૃત નગરસેવક ઇકબાલભાઇ આરબે મેયર, ચેરમેન અને કમિશ્નરને પત્ર લખી જમનાકુંડ વિસ્તારમાં આવેલ મટન માર્કેટ નવી બનાવવા અથવા રીપેર કરવાની માંગણી કરી છે. આ માર્કેટ લાંબા સમયથી જર્જરીત બની છે. કોઇ મોટો અકસ્માત સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી છે. તંત્ર પાસે તેઓની લાંબા સમયની રજૂઆત છતાં તંત્ર બેધ્યાન અને સેવકોમાં ચર્ચા.
બાંધકામ કમિટી ચેરપર્સન ઉર્મિલાબેન ભાલ ચેમ્બર ખોલી સક્રિય બન્યા
ભાવનગર મહાપાલિકા બાંધકામ કમિટીના ચેરપર્સન ઉર્મિલાબેન ભાલ પણ લાંબા સમય પછી સેવાસદને આવવાની શરૂઆત કરી લોક પ્રશ્નો માટે સક્રિય બની રહ્યાની સેવાસદન વર્તુળ દ્વારા જાણવા મળે છે. તેઓ દૂર રહેતા હોવાથી નિયમિત આવવાનું ટાળે છે.
સેવાસદનમાં કોંગી સેવકોની પાંખી હાજરી : લોકોમાં ચર્ચા
ભાવનગર મહાપાલિકામાં કોંગ્રેસ પાર્ટીના ૧૮ નગર સેવકો છે. તે પૂરા નગરસેવકો ઓછા દેખાય છે. નેતા જયદિપસિંહ ગોહિલ આવે અને લોકોને સાંભળે પ્રશ્નો ઉકેલાય તેવા પ્રયાસો કરે છે. પણ કોંગ્રેસના બધા સેવકોને નિયમિત આવવા ફોર્સ પાડતા નથી. આ વાતની સેવકો જ ચર્ચા કરે છે. કોંગ્રેસ જેના પર પાયાના પ્રશ્નોની રજુઆત તંત્રમાં કરે અને તેના પડઘા પડે તેવા અનુભવી નગર સેવક રહિમભાઇ કુરેશી સેવાસદને નિયમિત આવે છે. મોડે સુધી વિવિધ વિભાગોમાં દેખાય છે. પણ લોકપ્રશ્નોની રજુઆતમાં ધીમા દેખાય છે. કોંગીના સેવકો એવી વાત કરે છે કે રહિમભાઇ હવે પછીના બોર્ડ બેઠકની રાહ જોવે છે. હાલ તેઓ વિગતો એકત્ર કરવામાં વ્યસ્ત દેખાય છે.
















