સર્વકર્તા પરમાત્મા

688

મનુષ્યજીવન એટલે સમસ્યાઓની શૃંખલા. એક સમસ્યાનો નિવેડો ન આવે ત્યાં બીજી રાહ જોઈને ઊભી હોય. ‘રાજા ભી દુખિયા રંક ભી દુખિયા’ જેવી જીવનની ઘટમાળમાં અંતરે અખંડ શાંતિ રહે એ શક્ય છે? આ કાલાતીત પ્રશ્નનો ઉકેલ આપણાં શાસ્ત્રોએ આપ્યો છે.

ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે, એમાં પણ શાંત અને સ્થિર રહી શકાય છે, જો આપણી પાસે આધ્યાત્મિક સમજણ આવે તો! આ સમજણ છે – ભગવાન અને સંતની ઈચ્છા. તેમની ઈચ્છા વિના કાંઈ પણ શક્ય નથી ભગવાન અને સંતમાં વિશ્વાસ હોય તો ગમે તેવી મુશ્કેલીમાંથી તેઓ આપણને ઉગારી લે છે.

મારું શું થશે ? કેમ થશે ? એવી ચિંતાની ચિતામાં માણસ બળી મરે છે, પરંતુ ભગવાન જે કરશે તે  સારા માટે  જ કરશે, એવો વિશ્વાસ જેને હોય તેના અંતરમાં હંમેશા ટાઢું જ રહે.

ગોરિયાદ ગામના રણછોડભાઈ ભગવાનના સંનિષ્ઠ ભક્ત હતા. ગુરુ શાસ્ત્રીજી મહારાજને વિશે તેમને અસીમ શ્રદ્ધા. એકવાર કેટલાક જૂના દુશ્મનોએ ઘાયજ ગામને પાદરે તેમને પકડ્યા. આજુબાજુ કોઈ હતું નહીં. શત્રુઓએ જૂના જમાનાનો સાત બારનો તમંચો (બંદુક) તાક્યો અને કહે, ‘આજે તને પૂરો કરી દઉં.’ રણછોડભાઈ હળવાશથી કહે, ‘તારે કરવા હોય એટલા ભડાકા કર ! મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા વિના સૂકું પાદડું પણ હલતું નથી ! તેમની ઈચ્છાથી હું મરી જઈશ તોય અક્ષરધામમાં જઈશ ! અને નહીં મરું તો એમનાં દર્શન થશે. મારે તો જે થશે તે સારા માટે જ થશે !’ અને આશ્ચર્ય એ થયું કે પેલાએ બહુ જ પ્રયત્ન કર્યા પણ તમંચામાંથી એક પણ ગોળી છૂટી નહિ ! રણછોડભાઈ તો ત્યાંથી ચાલી નીકળ્યા જેવા રણછોડભાઈ ગયા કે એને મેળે તમંચામાંથી સાતે સાત ગોળી ધડાકાભેર છૂટી ! આમ, રણછોડભાઈની રક્ષા થઈ. આ વાતની પુષ્ટિ શ્રીમદ્ભાગવત પુરાણના આ પ્રસંગથી પણ થાય છે.

ભગવાનનો પરમભક્ત પ્રહ્લાદ. તે ભગવાનનું નામ લે, પણ તેના પિતા હિરણ્યકશિપુને આ ગમતું ન હતું. પ્રહ્લાદના પિતાએ તેને ખૂબ દુઃખો આપ્યાં. મારી નાખવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રહ્લાદ ભગવાનની ઈચ્છાથી દર વખતે બચી જતો હતો. જ્યારે અસુરોનો ત્રાસ વધતો દેખાય ત્યારે ભક્તને પણ મનમાં એમ થાય કે ભગવાન કેમ કંઈ કરતા નથી! પરંતુ જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી અસુરોનું ચાલશે. હિરણ્યકશિપુનું પણ ચાલવા દીધું ત્યાં સુધી ચાલ્યું અને જ્યારે તેનું વર્તન ભગવાનના ગમતા બહાર ગયું એટલે ભગવાને નૃસિંહ અવતાર લઈ તેનો વધ કર્યો.

જ્યારે કંસને ખબર પડી કે મારો કાળ ગોકુળમાં જન્મી ચૂક્યો છે. ત્યારે તેણે ભગવાન કૃષ્ણને મારવા માટે ઘણા અસુરો મોકલ્યા. પરંતુ કૃષ્ણ ભગવાને તે સર્વેનો વધ કર્યો. પરંતુ હવે કંસનુ પણ ચાલવા દેવું નથી એવી ઈચ્છા ભગવાને કરી ત્યારે મથુરા જઈને કંસનો વધ કરી નાખ્યો.

પહેલાનાં સમયમાં જે કાંઈ પણ થઈ ગયું. અત્યારના સમયમાં જે કાંઈ પણ થાય છે અને ભવિષ્યમાં  પણ જે કાંઈ પણ થાશે તે બધું જ પરમેશ્વરની ઈચ્છાથી થાય છે પણ તેમની મરજી વિના કોઈનું હલાવ્યું સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. આવી ભક્તની સમજણ હોય ત્યારે તે ગમે તેવી પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે. પછી ભલેને આરંભમાં તેને ઘણાં દુઃખ પડતા હોય !

આજ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા મધ્ય ક્ક૨૧ માં કહી છે કે, “દેશ, કાળ, કર્મ, માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે પણ પરમેશ્વરના ગમતા બહાર અણુ પણ ન ચાલે માટે સર્વકર્તા તે પરમેશ્વર જ છે.” આમ, આ વાત ભક્તના જીવનમાં દૃઢ થાય તો તે વિપરીત પરિસ્થિતિમાં પણ સ્થિર રહી શકે.(ક્રમશઃ)

Previous articleરાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત જ
Next articleકાલથી પ્રારંભ થતાં વેશાખ માસનાં શુકલ પક્ષના પખવાડિયાના દિવસોની સંક્ષિપ્ત- સમીક્ષા