સિસ્ટમ અને શિસ્તથી ચાલતું કિગાલી શહેર ૨૧મી સદીનાં ઔદ્યોગિક આભડછેટ વિહોણું

710

બ્રહ્મમુહૂર્ત નો સમય ,સુરજદાદો આળસ મરડીને બેઠો થવાની વેતરણમાં છે.અમારું હવાઈ જહાજ લેન્ડ થઈ રહ્યું છે, તેવી જાહેરાત થઈ.જહાજની બારીમાંથી મેં નજર કરી, ટેકરીઓ દેખાઈ અને તેમાં અત્યંત સુંદર મજાની લાઈટો પણ જોઈ શકાઈ. રંગબેરંગી લાઇટો જોઈને મને થોડાં સમય પહેલા જોયેલાં હિમાલયના અલમોડા શહેરની સ્મૃતિ થઈ આવી. પરંતુ આ શહેર હતું આફ્રિકા ખંડના રવાન્ડા દેશનું કેપિટલ કિગાલી.

અમારી એરબસ હવે સડસડાટ ભોભીંતર થવા નીચે સરકી રહી હતી. એરપોર્ટ નાનું છે, પરંતુ એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગણાય.જોકે આ દેશમાં એકમાત્ર એરપોર્ટ છે માટે તે આંતરરાષ્ટ્રીય હોય,તે સ્વાભાવિક છે. કારણ કે આ દેશની સીમાઓ દોઢ સો ચોરસ કિલોમીટરથી વધુ ના હતી.અમારા વીઝા, ઇમિગ્રેશનનું કામ ખૂબ ઝડપથી પત્યું.અમને આવકારવા શ્રી હેતલભાઈ શાહ ત્યાં ઉપસ્થિત હતા. એ આયોજનના એક્કો છે,તે અનુભવ મને અબુધાબીમાં થયો હતો.

બસની રાઈડ કરી અમે કિગાલી કન્વેશન સેન્ટરની બાજુમાં જ આવેલી પંચતારક હોટેલ રેડિસન બ્લૂ પહોંચ્યા. બેગેજ ઉતારીને થોડા હળવા થયા.ત્યાં કવિ મિત્ર હરદ્વાર ગોસ્વામીનો ભેટો થયો. અમારી રૂમ મેળવવાની વિધિ પૂર્ણ થઈ.મિત્રએ ચા-નાસ્તાનુ સરનામું દેખાડ્યું, તે માટે ગયા.અમદાવાદ થી દુબઇ અને દુબઈથી કિગાલીની આખી રાતની સફર, ઉજાગરો, થાક અહકનું કારણ હતું. રુમમાં આડે પડખે થઈ દિવસ પુરો કર્યો.

રવિવારે અમે કીગાલી શહેર માં ફરવા નીકળ્યા.હોટેલના રીસેપ્શનીસ્ટે ટેક્ષીવાળાને બોલાવી તો દીધો.પરંતુ એના ભાવતાલ વગેરે નક્કી કરવાનું ખૂબ અઘરું હતુ.કારણ કે અમે તેની ભાષા ન જાણીએ અને તે અમારી જાણે નહિ. પરંતુ હોટલના એક વેઈટરની મદદથી એ અમારી આવવા-જવાની ટૂરના ૪૦ અમેરિકન ડોલર કહે છે એવું જાણ્યું.પણ પછીથી અમે તેને ૩૦ ડોલરમાં નક્કી કર્યો. તે માની પણ ગયો એ અમારું રવાન્ડા દેશનું પહેલું વ્યવહાર વાણુ હતું.અહીં પણ ભાવતાલ કરવાની જરૂરિયાત લાગી. નહિતર છેતરાવાનો ભય અહીં પણ આગળ દોડતો જણાયો.

બજાર લગભગ આપણી જેવી છે.આજે રવિવાર છે તેથી કોઈક દુકાન બંધ છે.નાના-મોટા થડા લઈને નાની નાની ચીજ-વસ્તુ વેચનારા હતા. અમે માત્ર લટાર મારી લગભગ તમામ ચીજ- વસ્તુઓનો ભાવ ભારતથી બે-ત્રણ ગણો વધુ જોવા મળ્યો. ત્યાંના ચલણને બદલવા અમને ટેક્સીવાળો દુકાનમાં લઈ ગયો,તે કરન્સી એક્સચેન્જની શોપ હતી.

રસ્તા સુંદર મજાના છે, ડિવાઇડરમાં ફૂલ, અને નાળિયેરીના વૃક્ષો સુશોભિત લાગે છે.સ્વચ્છતા માટે આ શહેરને ભારતમાં ક્યાંય ન જોયેલા નગર તરીકે પ્રથમ ક્રમે મૂકવું પડે. પ્લાસ્ટિક કે કચરો ક્યાંય નથી. જો કે આખા દેશમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ છે, એ બાબત આવકાર્ય છે. મોટર સાયકલ ધારકો માટે હેલ્મેટ ફરજીયાત છે.અહીં મોટરસાયકલ ટેક્સી પણ છે, કોઈપણ વ્યક્તિ રસ્તામાં કે પાર્કિંગમા ઉભેલા ચાલકની સાથે મોટર સાયકલનું ભાડું નિયત કરી જ્યાં જવું હોય ત્યાં તેની પાછળ બેસીને જઈ શકે છે. તેમની પાસે એક્સ્ટ્રા હેલમેટ હોય છે.તે તમને પહેરવા આપે છે. સ્ત્રી-પુરુષોના લિંગભેદ બહુ જોવા ન મળે.મોટાભાગના મોટરસાયકલ ચાલકો પુરુષો હતાં. પણ સ્ત્રીઓ તેની પાછળ સવારી કરતી જોવા મળે.મકાનો બહુમાળી છે, કેટલાક સિમેન્ટ કોન્ક્રીટના છે બાકીના ઘણાં બધાં મકાનોની છત પતરાની છે.તે એક મજલાના છે. હેન્ડીક્રાફ્ટ નું એક નાનકડું માર્કેટ જોયું, દોરા,કાપડમાંથી બનાવેલું કલાત્મક હેન્ડીક્રાફ્ટ છે .પરંતુ તે ખુબ મોંઘુ, છે બધા લટાર મારે ખરા પણ ખરીદવાનું ભાગ્યે જ પસંદ કરે.

અમો એક દિવસના અંતરાલ પછી બધા કિગાલી શહેરની વિધિવત મુલાકાતે ગયા.ત્યારે સૌપ્રથમ સ્થળ હતું, જેનોસાઈડ મેમોરિયલ.જેનોસાઈડનો અર્થ છે,જાતિસંહાર. ૧૯૯૪માં અહીં થયેલો બર્બર જાતીસંહારની સ્મૃતિઓ આજે પણ રડતી સંભળાઈ રહી છે.આ એવું શહેર હતું જ્યાં અઢી લાખ લોકોની કતલ કરવામાં આવી હતી. તેના દ્રશ્યો ફોટોગ્રાફીમાં પણ કમકમા ઉપજાવે તેવા હતા. મોટા મોટા ઓટા જેવા સ્મૃતિ સ્મારકો બનાવેલા છે. બધા લોકો આવી પોતાના સ્વજનને યાદ કરી તેમના માટે ફૂલોની સુગંધ છોડતાં જાય છે. અને ઘડીભર પોતાની સ્મૃત્તિઓને વાગોળે છે.પુષ્પોની આવી ટોકરી લઈને આવેલી એક સ્ત્રીને ચોધાર આંસુએ રડતી જોઈને ૨૫ વર્ષ પહેલાં બનેલી ઘટના હજુ ગઈકાલની હોય તેવી અનુભવાય.

આખો દેશ યુરોપના કબજામાં હતો. તેથી અહીં ખ્રિસ્તી ધર્મજ મહત્વનો હોય.જ્યારે ધર્મના નામે શૂન્યાવકાશ હતો ત્યારે યુરોપની પ્રજાએ  ત્યાં ખ્રિસ્તીધર્મના બીજ વાવ્યા. તેથી બધા લોકોનો ધર્મ ખ્રિસ્તી છે.હિન્દુ ધર્મનું આ ૧૨ લાખની વસ્તીવાળા શહેરમાં આ એકમાત્ર મંદિર છે જેનું નામ છે સનાતન હિન્દુમંદિર. આ મંદિરમાં હિન્દુ ધર્મના તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. સંભવતઃ પંદરેક દિવસે તમામ ભારતીયો આ સ્થળને ’ગેટ ટુ ગેધર’ ના કાર્યક્રમ તરીકે પ્રયોજે છે. અમે આ મંદિરની મુલાકાતે ગયા. સરસ સભાખંડ,એવો જ બીજો હોલ જેમાં તમામ મૂર્તિઓ સ્થાપિત છે.

કિગાલી શહેરમાં ફરતા ફરતા ગાઇડે પ્રેસિડેન્ટ હાઉસ, વિવિધ યુનિવર્સિટીઓ,સ્લમ્સ વિસ્તારો વગેરે પણ બતાવ્યા.તેમાં યુનિવર્સિટીઓ નાના મકાનોમાં ચાલતી હોવાથી આપણી કોલેજો પણ તેનાથી મોટી લાગે.ઝુપડપટ્ટીઓની સ્વચ્છતા આપણાં ’પોશ’ વિસ્તારોને પાછળ છોડી દે તેવી છે.

સિસ્ટમ અને શિસ્તથી ચાલતુ શહેર ૨૧મી સદીના ઉદ્યોગિક આભડછેટ વિહોણું,તંદુરસ્ત બાળક જેવું અનુભવવા મળ્યું.

Previous articleઆણંદમાં ગમખ્વાર અકસ્માત : ૧૧ના મૃત્યુથી ચકચાર
Next articleપિતાશયની કોથળીમાં પથરી (ગોલ સ્ટોન)