અલંગ ખાતે રેડક્રોસ હોસ્પી.માં આંખના વિભાગનો થયેલો પ્રારંભ

575

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા સંચાલિત રેડક્રોસ સોસાયટી હોસ્પીટલ અલંગ ખાતે ૧૯૮૩ થી કાર્યરત છે. રેડક્રોસ સોસાયટી દ્વારા અલંગમાં કામ કરતા મજુરો તથા આસપાસના ગામડાના લોકોને સારી અને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે પ્રયત્નશીલ છે, રેડક્રોસ હોસ્પીટલ અલંગ ખાતે ઓપીડી દર્દીઓને દાખલ કરવાની સુવિધા, એક્ષ-રે , લેબોરેટરી, ઇસીજી, દવા, સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો, ઓર્થોપેડીક વોર્ડ, બર્ન્સ વોર્ડ, જનરલ વોર્ડ, ગુજરાત સરકારનું આઇસીટીસી સેન્ટર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પીટલમાં ૨૪ કલાક ઇમરજન્સી સેવાઓ મળી રહે તે માટેની વ્યવસ્થા કરેલ છે. જેનો બહોલી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે. રેડક્રોસ સોસાયટી દ્વારા સમયાંતરે મેગા મેડિકલ કેમ્પો પણ યોજવામાં આવે છે. તેમજ વ્યસનમુક્તિના કાર્યક્રમો, વિવિધ દિવસોની ઉજવણી, ડીઝાસ્ટર અને ફર્સ્ટ એઇડની તાલીમો આપવાની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

અલંગ તેમજ આસપાસના વિસ્તારોમાં લોકોને આંખના રોગની સારવાર તથા ઓપરેશન માટે ખુબ જ દુર જવુ પડતું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને રેડક્રોસ સોસાયટી ભાવનગર તથા વસંત જે. શેઠ મેમોરીયલ ફાઉન્ડેશન મુંબઇના સહકારથી રેડક્રોસ હોસ્પીટલ અલંગ ખાતે આંખોનો વિભાગ શરૂ કરવામાં આવેલ છે. આ વિભાગનું ઉદ્દઘાટન જીવરાજભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડા.મિલનભાઇ દવે, વાઇસ ચેરમેન સુમિતભાઇ ઠક્કર તથા રેડક્રોસ ડોકટરોની ટીમ અને શુભેચ્છકો હાજર રહ્યા હતા. જીવરાજભાઇ પટેલ તથા શીપ રીસાયકલીંગ એસોસીએશનના સભ્યોએ તથા અલંગના પ્લોટ હોલ્ડરઓએ આ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આંખના વિભાગ માટે નિયમિત અઠવાડીયામાં એકવાર દર ગુરૂવારે આંખના વિભાગના સર્જન આવીને નિદાન અને સારવાર કરશે અને જરૂરી દવાઓ પણ આપવામાં આવશે. આ સેવા રેડક્રોસ દ્વારા તદન વિનામૂલ્યે વર્કરોને મળે તેવું ખઆસ આયોજન કરવામાં આવ્યું છે.

Previous articleમોટાજીંજુડા નજીક આર્મીમેન સહિત ૪ ઉપર ૧૫ શખ્સોનો જીવલેણ હુમલો
Next articleલાઠીનાં છેવાડાનાં ગામોમાં ખનીજ માફીયાઓ બેફામ