તમિલનાડુનાં ઑલરાઉન્ડર ખેલાડી વિજય શંકર પર વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ફેન્સની નજર રહેશે. રણજી ટ્રૉફી દરમિયાન તમિલનાડુ તરફથી વિજય શંકર સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું હતુ કે વિજય શંકર ટીમથી ડ્રૉપ થઈને બહાર જશે. જો કે કેપ્ટને તેને મુંબઈ સામે એક વધારે મેચમાં રમવાની તક આપી અને અહીં પણ તે ફક્ત ૫ રન મારીને શાર્દુલ ઠાકુરનાં બૉલ પર બૉલ્ડ થઈ ગયો હતો.
વિજય શંકરે કહ્યું કે, “મુંબઈ સામે શાર્દુલ ઠાકુરે મને બૉલ્ડ કરી દીધો, પરંતુ એ બૉલ નો-બૉલ હતો. અમ્પ્યારે તરત જ નો-બૉલનો ઇશારો કર્યો અને મને એકવાર ફરી બેટિંગ કરવાની તક મળી ગઇ. મે ત્યારબાદ ૯૫ રનોની ઇંનિગ રમી અને આ ઇનિંગ મારા કરિયરમાં ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઇ. રણજી ટ્રૉફીની બાકીની મેચોમાં પણ મારા બેટથી આ રીતે રન નીકળતા રહ્યા, ત્યારબાદ મને ઇન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો. ઇન્ડિયા-એમાં મારા સારા પ્રદર્શનને જોઇને મને નેશનલ ટીમમાં ડેબ્યૂ કરવાની તક મળી.”
વિજય શંકરે હાર્દિક પંડ્યાને લઇને કહ્યું કે, “હાર્દિક પંડ્યાનાં બહાર જવાથી મને ટીમમાં રમવાની તક મળી. આ દરમિયાન મે ટીમ માટે કેટલીક સારી ઇનિંગ રમી.” વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે વિજય શંકરની ભૂમિકા મહત્વની રહેશે. ભારતીય દિગ્ગજો અને ફેન્સ પણ વિજય શંકર પાસેથી સારા પ્રદર્શનની આશા રાખી રહ્યા છે.

















