સિવિલ હૉસ્પિટલમાં તમાકુ ખાનારાને દંડ થશે

630

ગુજરાતમાં મહાનગરોમાં ચાલુ વાહને પાન કે તમાકુના મસાલા ખાઇને રસ્તા પર જ પિચકારી મારનારાઓ પર છેલ્લા કેટલા દિવસોથી દંડ વસૂલવાની ઝૂંબેશ ચાલી રહી છે, પરંતુ હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંકુલમાં તમાકુ ખાવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સ્ટાફ, દર્દી કે દર્દીના સગા સહિતની કોઇ પણ વ્યક્તિ તમાકુ ખાતા પકડાશે તો તેને દંડ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલના અધિક્ષક, ડો. એમ.એમ.પ્રભાકરે જણાવ્યું કે, ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટનો અમલ પણ હવે સિવિલ કેમ્પસમાં સખતાઈથી કરવામાં આવશે. હવે જ્યાં સિવિલ હોસ્પિટલની અંદર કોઈપણ વ્યક્તિ કે સ્ટાફ તમાકુની કોઈપણ પ્રોડક્ટ સાથે પકડાશે અથવા ઉપયોગ કરતો પકડાશે તો એ દંડને પાત્ર બનશે.

તે એકત્ર કરેલ દંડને રોગી કલ્યાણ સમિતિમાં આપવામાં આવશે. વારંવાર નિયમનું ઉલ્લંઘન કરનારને ગાંધી ચિંધ્યા માર્ગે દિવસભર દર્દીની સેવા કરવાનો દંડ કરવામાં આવશે. સ્ટાફ દ્વારા જો નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

દરમિયાન સિવિલ હોસ્પિટલ કેમ્પસની યુ.એન. મહેતા, આઈ.કે.ડી.આર.સી. ડેન્ટલ સહિત તમામ સંસ્થાઓની સાથે બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ તમાકુ નિષેધ માટે સંકુલમાં લોકજાગરણ માટે રેલી યોજવામાં આવી હતી.

Previous articleઆરટીઈ પ્રવેશને લઇને હજુ અનેક જગ્યાઓ ઉપર દુવિધા
Next articleપોલીસના મારથી ઘાયલ થયેલ યુવકનું મોતઃ તમામ ૮ પોલીસકર્મી વૉન્ટેડ જાહેર