હું છબી બની ગયો જગતને ગમી ગયો

848

સિકંદરના મૃત્યુ બાદ તેના પિતાને સિકંદરને મળવાનું મન થયું. પરિચિતોને બોલાવી સિકંદરની મુલાકાત માટે શું થઈ શકે? તેની વિચારણા કરવામાં આવી. વિચારણાના અંતે સિકંદરના પિતાને એક ફકીર પાસે મૃત્યુ પામેલ સિકંદરની મુલાકાત કરાવવા લઈ જવામાં આવે છે. ફકીર સિકંદરના પિતાને પોતાના પુત્રની દફનવિધિ કરવામાં આવી હતી તે કબ્રસ્તાનમાં લઈ જાય છે. કબ્રસ્તાનમાં પહોંચતા જ ફકીર સિકંદરના પિતાને બૂમ મારી પોતાના પુત્રને બોલાવવા આદેશ આપે છે. પિતા પુત્રને બૂમ પાડી કહે છેઃ ‘બેટા ‘સિકંદર!’ સાંભળી એક સાથે એકવીશ કબર ગુંજી ઊઠે છેઃ ‘બોલો મહાશયમ કયા સિકંદરને મળવું છે? અહીં બધા જ સિકંદર સૂતા છે. થોડો ફોડ પાડો તો ખબર પડે. તમારે કયા સિકંદરનું કામ છે.’ જગતમાંથી વિદાય થયેલો દરેક માણસ પોતાની જાતને સિકંદર સમજે છે. અનેક વેળા આ દુનિયામાં જન્મ લેતો માણસ કોઈવાર સિકંદર તો બનતો જ હોય છે. તેમાં માણસ કરતા ઇશ્વરની કૃપા વધુ કારણભૂત હોય છે. જીવાત્માનો સગપણનો સંબંધ જે તે અવતાર પૂરતો સીમિત હોય છે. ઋણાનુબંધ તૂટતા જ જીવાત્મા શરીર છોડી નીકળી જાય છે. તેથી તેની પાછળ તેની શોધમાં ડાહ્યા માણસો નીકળી મુર્ખાય કરતા નથી. અભિમાન્યુનું મહાભારતના કોઠા યુદ્ધમાં અર્જુનની ગેરહાજરીમાં મૃત્યુ થવાથી અર્જુન ભારે દુઃખી થઈ જાય છે. તે વિલાપ કરવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને તે કહે છેઃ ‘હે ભગવંત, તમારા વિશ્વાસે હું તમારી સાથે પાતાળપ્રદેશમાં કાળીનાગ સામે યુદ્ધ કરવા આવ્યો, પણ હે ભગવંત મારે તો મારો પુત્ર ગુમાવવો પડ્યો. તમારે કોઈ પણ ભોગે મને મારા વ્હાલસોયા પુત્ર અભિમન્યુની મુલાકાત કરાવવી પડશે. હું તેની સાથે એક વખત વાત કરવા ઇચ્છું છું. ભગવાન કૃષ્ણ અર્જુનને પુત્રની મુલાકાત માટે દૂર-દૂર લઈ જાય છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન જંગલમાં ઘટાદાર વૃક્ષ નીચે આવી પહોંચે છે. વૃક્ષની ડાળ પર બેઠેલા પોપટ સામે આંગળી બતાવી ભગવાન કૃષ્ણ કહે છેઃ ‘હે કુંતીપુત્ર, વૃક્ષની ડાળ પર બેઠેલો પોપટ તારો પુત્ર એટલે કે અભિમાન્યુ છે. તું તેને મળી શકે છો. સાંભળી પોપટ સામે હાથ લંબાવી અર્જુન બૂમ પાડી મોટા અવાજે : બેટાપઓ…બેટા, તું મને એક વખત ઉત્તર આપ, હું તારી સાથે વાત કરવા માંગુ છું. વૃક્ષની ડાળ પરથી પોપટ બોલે છે ‘કોણ છો? શું કામ અહીં આવ્યા છો? મારો ને તમારો સંબંધ તો ક્યારનોય પૂરો થઈ ગયો છે. લખચોરાસીના ફેરામાં તું મારો અનેક વેળા દીકરો થઈ, મૃત્યુ પામી દુનિયામાંથી વિદાય થયો હતો. હું એક પણ વખત તારી પાછળ વિલાપ કરી આવ્યો નથી. તું તો એક વખત મારો બાપ થયો તેમાં મારી પાછળ ગાંડાની જેમ મને બૂમ પાડી બેટા-બેટા કરે છો? હવે હું તને કદીએ મળી શકીશ નહિ. તારે મળવું જ હોય તો મારો અને તારો ઇશ્વરની કૃપાથી ઋણાનુબંધ સ્થપાશે, તો તું મને કોઈ જન્મમાં મળી શકીશ. કહેવાનો અર્થ એ છે કે ઇશ્વરની કૃપા થાય તો જ મારો અને તમારો પરિચય થઈ શકે છે.

પરંતુ માણસ આટલી સરળ વાત કદાપિ સમજી શકતો નથી. તે વર્ષો સુધી કે આજીવન ધરતીનો માલિક બનીને સઘળું તેના તાબે રાખી શકશે તેવી આશા અને અપેક્ષાએ પોતાના જીવનકાળ દરમિયાન વર્તે છે. કેટલીક વેળા આપણે આવા વ્યક્તિઓનું વર્તન જોઈ વિચારોની ખાયમાં ધકેલાઈ જતા હોઈએ છીએ, તો બીજી તરફ કેટલાક શાણા, સમજુ વ્યક્તિઓનું વર્તન અને જીવનશૈલી આપણને અભિભૂત કરતા હોય છે.

થોડા સમય પહેલા અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના જંગર ગામમાં મારે એક લગ્નપ્રસંગમાં મારા પરિવાર સાથે જવાનું થયું.આમ તો, આવા લગ્ન પ્રસંગમાં હું અને તમે સામાજિક કે કૌટુંબિક સંબંધો નિભાવવા અવારનવાર જતા હોઈએ છીએ. પરંતુ આ લગ્ન પ્રસંગ એક અનોખો સામાજિક રિવાજોથી તદ્દન અલગ નવો ચીલો ચાતરનારો હતો, તેથી મને તે સ્પર્શી ગયો. વાત જાણે એમ છે કે અમારી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા-ભાવનગરનો પૂર્વ વિદ્યાર્થી પીયૂષ ગુણા કે જેઓ પોતાની સનેત્ર પત્ની જંગર ગામમાં પોતાના પરિવાર સાથે સાથે રહે છે અને ગામથી લગભગ ચારેક કિલોમીટર દૂર આવેલા લાખાપાદર ગામની પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ અમારી સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીશ્રી પીયૂષ ગુણાના થોડા વર્ષો પહેલા અમદાવાદના વતની અને એક આંગળિયાત પુત્રી ધરાવતા  એવા ઈનાબેન સાથે પ્રભુતામાં પગલાં થયા હતા. લગભગ ૧૪ વર્ષની આંગળિયાત પુત્રી અંજલીનો શ્રી પીયૂષભાઇએ ખૂબ જ લાડકોડથી ઉછેર કર્યો. ઉત્તમ શિક્ષણ અને તેનું ઘડતર કરી દીકરી ૨૨ વર્ષની ઉમરે પહોચતા જ સગા બાપની જેમ ધામધૂમપૂર્વક તેના લગ્ન લીધા.

લગ્ન પ્રસંગો સામાન્ય રીતે પૈસાદાર અને વૈભવી લોકો ઠાઠમાઠથી ઉજવતા હોય છે. ડેકોરેશન અને મોટા ભોજન સમારોહ આવા પ્રસંગોમાં થતા હોય તેવું આપણને ડગલે ને પગલે જોવા મળે છે. પરંતુ આ પ્રસંગ ચીલાચાલુ પરંપરાઓથી એટલા માટે જુદો કહી શકાય કે આમાં  આવો કોઈ આડંબર કરવામાં આવ્યો ન હતો. ગામની માધ્યમિક શાળાના પટાંગણમાં લગ્નના આગલા દિવસે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના અનેક ગામની ૧૫૧ મહિલાઓનું વિશેષ અભિવાદન રાજકોટના બોલબાલા ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું. આ સન્માનીત મહિલાઓ કોઈ અધિકારીઓ કે વિશેષ જવાબદારીઓ અદા  કરનારી ન હતી.  પરંતુ આ મહિલાઓ તો હતી- માત્ર દીકરીઓને જન્મ આપી તેનો લાડકોડથી ઉછેર કરનારી!  પીયૂષભાઈના આ પગલાંને સ્ત્રીસશક્તીકરણના ઉદ્દેશને બર લાવનાર કહી શકાય.

બીજો એક કાર્યક્રમ આ જ પ્રસંગે યોજવામાં આવ્યો જે પણ મને આકર્ષી ગયો. આ કાર્યક્રમ મુજબ ગામની તમામ ગાયોને બે દિવસ સુધી ઘાસચારો નાખવામાં આવ્યો.  ગાય માલિકીની હોય કે રસ્તે રખડતી હોય, કોઈ પણ ભેદભાવ વિના તમામ ગાયોને બે દિવસ સુધી નિરણ નાખવામાં આવી હતી. એટલું જ નહીં  ગામના કૂતરાઓને પણ લાડુ અને ગાંઠિયા નાખવામાં આવ્યા. આ ઉપરાંત લગભગ ૨૧ નબળી આર્થિક સ્થિતિ વાળા ગામના લોકોને ૨૧ કિલો વજનની અનાજકીટ પણ આપવામાં આવી હતી. આપણા દેશના મોટા વેપારીઓ કે ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયાના ખર્ચે પોતાના દીકરા-દીકરીઓને વરાવવા પ્રસંગો કરતા હશે,  પરંતુ આ પ્રસંગ ખરા અર્થમાં સમાજને ખુશીઓ આપનારો કહી શકાય.  બધા જ વર્ગોનું સન્માન વધે, પ્રસંગમાં બધા આનંદ ઉઠાવી શકે તેવી આગવી વિચારધારાવાળો આ અનોખો પ્રસંગ કહેવાય.  મૃત્યુ પામેલા સિકંદર પાછળ તેની શોધમાં વલોપાત કરવા કરતાં અંતરમાં બેઠેલ સિકંદરને ખોળી કાઢવો ડહાપણ ભરેલી વાત કહેવાય. મૃત્યુ પામતા પુત્રો કે પુત્રી પાછળ ઘેલા બની ભાગવા કરતાં જે અકબંધ અને જીવંત છે તેના દિલમાં ખુશીઓ ભરવાનું જે સપનું સાકાર કરી શકે તે જ છે-સિકંદરનો ખરો પિતા. મને હંમેશા એવું લાગતું રહે છે ચોક્કસ સમયગાળાનાં આ પ્રવાસમાં યાત્રા કરતો માણસ અન્યના દોષ જોવામાં પોતાની મૂલ્યવાન જિંદગીને બરબાદ કરી શા માટે આત્મઘાતી બનતો હશે? આતંકવાદી બૉમ્બને ધારણ કરી આતંક ફેલાવવા, માણસોની હત્યા કરવા પોતાની જાતને પણ હોડમાં  મૂકે છે એટલે કે આવું કરવા તે સ્વયં મૃત્યુ પણ પામતો હોય છે.  ચોરાસી લાખ યોનીમાં યાત્રા કર્યા બાદ મૂલ્યવાન માનવદેહ સાંપડે છે. તેની દેખભાળ કરવાને બદલે તેના વિનાશ માટે પોતે આત્મઘાતી બની જાય છે, પરિણામે મૂલ્યવાન મળેલું માનવ જીવન એળે જાય છે. માત્ર આતંકવાદીઓ જ પોતાનું જીવન ગુમાવે છે એવું નથી. હું અને તમે પણ આપણા મૂલ્યવાન જીવનની ટીકા, અન્યના કાર્યનું મૂલ્યાંકન કે બિનજરૂરી ચોવટ કરવામાં જિંદગીનો ૪૦ ટકા ભાગ ગુમાવતા હોઈએ છીએ. જ્યારે ૫૦ ટકા ભાગ ઊંઘવામાં પસાર કરીએ છીએ.  આમ, જિંદગીનો લગભગ ૯૦ ટકા જેટલો કાળ કોઈ પણ પ્રકારની પ્રાપ્તિ કે સિદ્ધિ વગરનો અર્થ-વિહોણો જાય છે. કોઈ પીયૂષ ગુણા જેવા મરજીવા આત્માઓ સંસાર સાગરની ઊંડાઈમાં જઈ કાશ ખરા મોતી શોધી લાવતા હશે. જીવનની સાર્થકતા- આત્માની ઓળખ અને આત્માની મુક્તિ માટે મારી અને તમારી યાત્રા હોવી જોઈએ.

કોઈ કવિએ કહ્યું છેઃ-

‘ભીતરનો ભેરુ મારો આત્મો ખોવાયો,

વાટે જતા કોઈએ જોયો હોય તો કહેજો.’

કવિ આ ઉક્તિમાં કહેવા માંગે છે કે-માનવ તરીકે અવતરેલો મારો આત્મા ખોવાયો છે. કોઈ સાધક લોકો તેને ખોળી કાઢે તેવી અપેક્ષાએ તે હાથ લંબાવી કહે છે કે : ‘કોઈએ જોયો હોય તો કહેજો.’  હાથ-પગ કે શરીર રચનાથી અવતરેલો માણસ કદાપિ માનવતાને પામતો નથી. તે અંતરના અંધકારમાં અટવાઈ ભુરાયો બને છે. કોઈવાર નિશ્ચિત લક્ષ્યાંકો મેળવવા જિંદગીના સત્યો સાથે છળકપટ કરી આભાસી પ્રતિભા વડે તે સૌ કોઈને પરાજિત કરવા ઉધામા આદરે છે. વર્તમાનમાં તેનો સૌથી વધુ ભોગ રાજકારણ પામ્યું છે. રાજકીયક્ષેત્રે નીતનવા દાવપેચ રચાતા રહે છે. ટેલિવિઝન અને વર્તમાનપત્રોમાં સમાચારનો ખુબ મોટો ભાગ રોજ તે રોકી લે છે.  પરિણામે મીડિયા જગત રચનાત્મક સમાચારોથી એક યા બીજા કારણોસર, હકારાત્મક, અલિપ્ત રહી સમાજને ઉપયોગી થઇ શકે તેવા સમાચારોને અવગણી, સમાજને ડામાડોળ કરી દે તેવા સનસનાટીભર્યા સમાચારોને વધુ પ્રાધાન્ય આપતા હોય છે. હકીકતમાં પ્રસાર માધ્યમ તો લોકતંત્રનો પ્રાણ છે. તે લોકતંત્રને જીવંત રાખે છે, પરંતુ આજકાલ તે જ તેની મરણ પથારી તૈયાર કરવામાં મોખરાની કામગીરી  બજાવતા હોય  તેવું ડગલે ને પગલે દેખાય છે. વગર વિચાર્યું વિધાન બોલતા નેતાઓના ઉદ્દગારોને અડધાથી એક કલાક સુધીનું રાજકીય વિશ્લેષક દ્વારા ચર્ચાસભા ગોઠવી જનતામાં ખુન્નસ પેદા કરવાનું જાણે અજાણ્યે કાર્ય થઈ રહ્યું છે. જેની ચિંતા કરવાનો સમય પાકી ગયો છે. શાકમાર્કેટમાં રીંગણા-બટેટાના જેમ ભાવ બોલાય છે તેમ ચૂંટાયેલા વિધાનસભાના ધારાસભ્યોનાં ખરીદ-વેચાણના સમાચાર ટી.વી. ચેનલો ગળા ફાડી નાખે તેવા અવાજ સાથે લોકોને પીરસવાનો પોતાનો ધર્મ સમજે છે. હકીકત સાથે ચેડા કરી પૈસાના જોર મુજબનાં સમાચાર ચેનલોમાં રજૂ કરી આભાસી ચિત્ર ગંદા રાજકીય નેતાઓને તૈયાર કરી આપવાનું ઘોર પાપ આવી ચેનલો આચરી રહી છે. બંધારણીય જોગવાઈઓને લોકો સુધી લઈ જવાનું પવિત્ર કામ ચૂકી તેનો ગેરલાભ લેતા નેતાઓ કે રાજકીય પક્ષોની કઠપૂતળી બની ચેનલો આવું દેશને વેરવિખેર કરી નાખે તેવું લોકશાહી વિરુદ્ધ કાર્ય ક્યાં સુધી કરશે તે વિચારવાનો સમય જનતા માટે ઢોલ નગારા સાથે આવી પહોચ્યો છે. કોઈ કોઈનું સાંભળે નહિ તેવા રાજકીય નેતાઓની ટી.વી. સ્ટુડિયોમાં ચર્ચાઓનું આયોજન કરી મીડિયા જગત જનતાને શું બતાવવા માંગે છે? તે સમજાતું નથી. મને કવિશ્રી કરશનદાસ માણેકની પંક્તિ યાદ આવે છેઃ

મને એ જ સમજાતું નથી, શાને આવું થાય છે?

ફૂલડાંઓ ડૂબી જતાને પથરો તારી જાય છે!

કામધેનુંને મળેના એક સૂકું તણખલું, ને લીલાછમ ખેતરો આખલા ચારી જાય છે!

મને એ જ સમજાતું નથી, શાને આવું થાય છે?

પેટિયું રળતી જનતાને એક ટંકનુંય અનાજ મેળવવું દોહલું છે. ત્યારે બીજી તરફ રાજકીય નેતાઓને પાટલી બદલવા ૩૦-૩૦ કરોડ સુધીની ઓફર થાય છે. મંત્રીપદ અને એના જેવી સગવડ વધારાનો નફો પણ ખરો! તેમ છતાં જનતા સાવ શાંત બેસી રહી બધું જ ચલાવી લેવા ટેવાઈ ગઈ છે.  એમ કહો કે- આદત પડી ગઈ છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓના કૂદકે ને ભૂસકે વધતા ભાવો તરફ જનતાનું ધ્યાન ન જાય, જનતા તેવા મુદ્દાઓ પર વિચારી ન શકે તેવા કારણોસર નિત નવા નુસખાઓ લઇ કાવાદાવાના પ્રપંચ રચવામાં આવે છે. પરિણામે જનતા નેતાઓની માયારૂપી જાળમાંથી કેમેય કરી છૂટી શકતી નથી. મિતભાષી નેતાઓના ભાષણનાં કારણે ભોળી પ્રજા ભરમાતી રહે છે. ત્યારે આ ભ્રમને મિટાવવા ખોવાયેલો મારો ને તમારો ભીતરનો ભેરુ જડશે ત્યારે જ સાચું ચિંતન આપણને સમજરૂપી માર્ગ પર ચલાવી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જશે.

એટલે એમ કહી શકાય કે મૃત્યુ પછી છબી બની અન્યને ગમવા કરતા જીવતા સારા કાર્યોથી સૌને ગમવું કે સૌને પ્રભાવિત કરવા જીવનની સાચી સફળતા કહી શકાય.

Previous articleજયેષ્ઠા માસના શુકલ પક્ષના પખવાડિયાના દિવસોનું પંચાંગ- વિવરણ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે