ગુજરાતમાં ચાર સીટો પર પેટાચૂંટણીને લઇને તૈયારી

641

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ચાર ધારાસભ્યો છઠ્ઠી જૂનના દિવસે ધારાસભ્યપદેથી રાજીનામુ આપવા તૈયારી કરી ચુક્યા છે જેના ભાગરુપે હવે આ સીટો ઉપર પેટાચૂંટણી યોજાશે. આ ધારાસભ્યોમાં અમદાવાદ પૂર્વ લોકસભા સીટથી સાંસદ બનેલા હસમુખ પટેલ, બનાસકાંઠા લોકસભા સીટથી સાંસદ બનેલા પરબત પટેલ, પાટણ સીટથી સાંસદ બનેલા ભરતસિંહ ડાભી અને પંચમહાલ સીટથી સાંસદ બનેલા રતનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા કહ્યું છે કે, ભાજપના ચાર ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે જેથી હવે તેઓ સાંસદ તરીકેની જવાબદારી સંભાળશે. તમામ લોકો જાણે છે કે, હસમુખ પટેલ અમદાવાદની અમરાઈવાડી વિધાનસભાસીટથી ધારાસભ્ય છે જ્યારે પરબત પટેલ થરાદ વિધાનસભા સીટથી ભાજપના ધારાસભ્ય તરીકે છે. રાઠોડ લુણાવાડા વિધાનસભા સીટથી અપક્ષ ધારાસભ્ય તરીકે છે જે ભાજપનું સમર્થન ધરાવે છે. ભાજપે તેમને પંચમહાલ લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. હાલમાં ભાજપની પાસે ૧૦૩ ધારાસભ્યો છે અને સાથે સાથે એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન છે.

બીજી બાજુ કોંગ્રેસની પાસે ૭૧ ધારાસભ્યો છે અને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન છે. ચારેય ધારાસભ્યોના રાજીનામા બાદ આ ચાર સીટ પર પેટાચૂંટણી થશે. ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮૨ સભ્યો છે જે પૈકી ત્રણ સભ્યો હાલમાં સસ્પેન્ડ સ્થિતિમાં છે. છઠ્ઠી જૂનના દિવસે ધારાસભ્યોના રાજીનામાને લઇને નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. હવે પેટાચૂંટણી પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસની કસોટી થશે. હાલમાં લોકસભાની તમામ ૨૬ સીટ પર કોંગ્રેસની હાર થઇ હતી.

Previous articleસ્કૂલોમાં વેકેશનને વધુ નહી લંબાવાય
Next articleરાજુલા માર્કેટયાર્ડ ખાતે સાંસદ નારણભાઇનો સન્માન સમારોહ