અંબાજી અકસ્માત : ભારે હૈયે ગમગીની વચ્ચે ૨૨ લોકોના અંતિમ સંસ્કાર કરાયા

481

અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર થયેલા બસ અકસ્માતના મામલામાં ખાનગી બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડ્રાઈવર સામે આઈપીસીની કલમ ૩૦૪ મુજબ માનવવધનો ગુનો દાખલ થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ડ્રાઈવરની ગફલતના કારણે લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે દાંતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  ઉલ્લેખનીય છે કે, સોમવારે થયેલા બસ અકસ્માતમાં આણંદના આંકલાવ તાલુકાના ૨૧ લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી તરફથી રૂ.૪ લાખની સહાય કરશે. મંગળવારે વહેલી સવારથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને આણંદ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મંગળવારે આંકલાવ તાલુકાના ખડોલ(હ) ના ૬ મૃતદેહો, બોરસદ તાલુકાના પામોલના બે, દાવોલના બે અને કસુંબાડના એક મૃતદેહને ગામોમાં લાવવામાં આવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જયારે મૃતદેહો ઘર ખાતે લઇ જવાયા ત્યારે પરિવારજનો દ્વારા રોક્કડ મચાવી મૂકી હતી દરેકના આંખમાં આંસુ જોવા મળ્યા હતા અને મૃતકોની સ્મશાનયાત્રામાં આખા ગામ જોડાયા હતા અને ભારે હૈયે ગમગીની વચ્ચે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.આણંદ તાલુકાના આંકલાવ તાલુકાના પ્રવાસીઓ સોમવારે સાંજે લકઝરી બસમાં અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માના દર્શન કરવા જઈ રહ્યા હતા.

તે દરમિયાન બસ જ્યારે ત્રિશુળિયા ઘાટ પાસેના અત્યંત ભયજનક હનુમાન મંદિર પાસેના વળાંકમાં યુ ટર્ન લઈ રહી હતી ત્યારે ઓવર સ્પીડ અને વરસાદને લીધે પાછલું વ્હિલ અધ્ધર થઇ જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી થઇ ગઇ હતી. ૭૬ પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ નંબર જીજે-૧ એઝેડ ૯૭૯૫ સોમવારે ૨૧ મુસાફરોના મોતનું કારણ બની હતી. આમ, આ સમગ્ર કેસમાં ડ્રાઈવરની લાપરવાહી સામે આવી છે.

Previous articleરાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૪૭.૩૬ ટકા વરસાદ :રાહત કમિશનર કે.ડી.કાપડિયા
Next articleવિદ્યાર્થીઓ દ્વારા દાંડી માર્ચ યોજીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ