રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૪૭.૩૬ ટકા વરસાદ :રાહત કમિશનર કે.ડી.કાપડિયા

510

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૪૭.૩૬ ટકા વરસાદ થયો છે. તમામ જિલ્લાઓમાં ૧૦૭ ટકાથી વધુ વરસાદ તેમજ  રાજ્યના તમામ તાલુકાઓમાં ૧૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૮૬.૨૦ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૧૦૧.૬૯ ટકા ખરિફ વાવેતર થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વાવેતર ૮૪.૭૬ લાખ હેક્ટર હતું. સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૮.૨૯ મીટર પર પહોંચી છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ૧૨ ટીમો તહેનાત છે જ્યારે ૩ ટીમો અનામત છે. તેમ આજે ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વૉચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનર અને સચિવ  કે. ડી. કાપડિયાએ જણાવ્યું હતું.

રાજ્યમાં હાલ ભારે વરસાદને કારણે કુલ ૮૪ રસ્તાઓ બંધ છે જેમાં જામનગરના-ર અને પોરબંદરના ૩ એમ કુલ ૫ રાજ્ય ધોરી માર્ગનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત અન્ય માર્ગોમાં મુખ્યત્વે પોરબંદર જિલ્લામાં ૨૦, અરવલ્લીમાં ૧૮, જુનાગઢમાં ૧૧ તેમજ સાબરકાંઠામાં ૧૦ રસ્તાઓ બંધ છે જેને બનતી ત્વરાએ પુનઃકાર્યરત કરવામાં આવશે. ગુજરાતમાં સૌથી વધુ ૧૯૯૪માં ૧૨૪૫ મીમી, ૨૦૦૭માં ૧૨૨૩મીમી અને ચાલુ વર્ષે ૨૦૧૯માં અત્યાર સુધીમાં ૧૧૪૪ મીમી વરસાદ નોંધાયો છે.

જેના પરિણામે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૧૧૯ જળાશયો છલકાયા છે.  હાલ રાજ્યના જળાશયોમાં ૯૨.૯૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે તેમ કાપડિયાએ ઉમેર્યુ હતું.

ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી  જયંત સરકારે જણાવ્યું હતું કે, આગામી સંભવિત તા.૫ ઓકટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે. આગામી દિવસોમાં ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે. આ વર્ષે ગુજરાતના તમામ રીજીયનમાં ખૂબ જ સારો વરસાદ થયો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

આ બેઠકમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના નાયબ કલેક્ટર  દિપ્તીબેન વ્યાસ ઉપરાંત  આરોગ્ય, પાણી પુરવઠા, નર્મદા જળ સંપત્તિ, કૃષિ, સિંચાઇ, ઊર્જા, માર્ગ-મકાન વિભાગ, એનડીઆરએફ અને એસડીઆરએફ  સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી આપી હતી.

Previous articleહિન્દુ શરણાર્થીને ભારતીય નાગરિકતા આપવાની ખાતરી : શાહ
Next articleઅંબાજી અકસ્માત : ભારે હૈયે ગમગીની વચ્ચે ૨૨ લોકોના અંતિમ સંસ્કાર કરાયા