ગિફ્‌ટ સિટી નજીક બાઈક સ્લીપ થતાં પીડીપીયુની વિદ્યાર્થિનીનું મોત

550

ગિફ્‌ટ સિટી ક્લબ પાસે મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં પીડીપીયુમાં અભ્યાસ કરતી ઈસનપુરની એક યુવતીનું મોત થયું છે જ્યારે એક યુવક અને અન્ય એક યુવતી ઘાયલ થયાં છે.

સવારે ૧૦ના અરસામાં પીડીપીયુમાં ભણતો એક યુવક અને યુવતી એક બાઈક પર ગિફ્‌ટ સિટી ક્લબ નજીકથી પસાર થતા હતા ત્યારે બાઈક સ્લીલ થયું હતું. ડિવાઈડર સાથે મોઢું અથડાતા અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી નૈસર્ગી મિતેષકુમાર લંગારિયાનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીડીપીયુ ખાતે અભ્યાસ કરતી અને ઈસનપુર રહેતી નૈસર્ગી સાથે ભણતી કાવ્યા કેતન ગાંધી (રહે-પાલડી) અને આદિત્યનાથ નારાયણસિંહ સાથે એક બાઈક પર ગિફ્‌ટ સિટી હેવમોર પાર્લર ખાતે જઈ રહી હતી. બાઈક આદિત્ય ચલાવી રહ્યો હતો ત્યારે ગિફ્‌ટી સિટી ક્લબ નજીક અચાનક બાઈક સ્લીપ થયું હતું અને ત્રણેય જણાં રોડ પર પટકાયા હતા. ડિવાઈડર સાથે મોઢું અથડાતા નૈસર્ગીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કાવ્યા અને આદિત્યને સામાન્ય નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

બાઈકને અકસ્માતના પગલે ગિફ્‌ટ સિટીની એમ્બ્યુલન્સમાં બે યુવતી અને યુવકને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ફરજ પરના ડૉક્ટરે નૈસર્ગીને મૃત જાહેર કરી હતી.

અકસ્માતમાં મોતની આ ઘટનામાં કાવ્યા ગાંધીની ફરિયાદના આધારે ડભોડા પોલીસે આદિત્ય સામે ગુનો નોંધ્યો છે અને નૈસર્ગીના મૃતદેહ ના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Previous articleગાંધીનગર સરખેજ હાઈવે પર રાત્રે ગમખ્વાર અકસ્માત એકનું મોત આઠ ઘાયલ
Next articleભાજપ ગુજરાતમાં ર૪ માર્ચથી ચૂંટણી અભિયાન શરૂ કરશે