મેઘાણીનગર : બુટલેગરોનો આંતક, બાળકીની હત્યા થઈ

1426

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે બુટલેગરોએ જબરદસ્ત આતંક મચાવ્યો હતો. જો કે, તે દરમ્યાન ૨૦ દિવસની એક બાળકીનો ભોગ લેવાયો છે. ૨૦ દિવસની બાળકીની હત્યા થતાં પરિવારજનો પર આભ તૂટી પડયું હતુ તો, સ્થાનિ લોકોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઈની ચાલીમાં ઘરમાં ઘુસી મહિલાઓને માર માર્યો હતો. બાળકીને માથામાં ધોકો મારતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ લોકોના ટોળે ટોળા મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવા માંગ કરી હતી. જો કે મેઘાણીનગર પોલીસે પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે રજુઆત કરવા આવેલા લોકો પર લાઠીચાર્જ કરી પોતાની નફ્ફટાઇ બતાવી હતી.

અમરાઇવાડી, મેઘાણીનગર જેવા વિસ્તારોમાં બુટલેગરો, લુખ્ખાઓ અને ગુંડાઓનો ત્રાસ હોવાછતાં પોલીસ વર્ષોથી કાયરની જેમ વર્તી રહી છે અને આવા ગુનેગાર તત્વો સામે કોઇ જ આકરી કાર્યવાહી કરતી નથી, જેના પરિણામે આવા ગુનેગાર તત્વોને પ્રોત્સાહન મળે છે અને તેઓની આ વિસ્તારોમાં ધાકધમકી અને ગુંડાગીરી કરી ફિલ્મોની જેમ પોલીસની રહેમ નજર હેઠળ પોતાની ગુનાહિત પ્રૃવત્તિ ફુલેફાલે છે. મેઘાણીનગર પોલીસે હસન જીવાભાઇ ચાલીના બનાવમાં હત્યાનો ગુનો નોંધી રીઢા ગુનેગાર અને કુખ્યાત બુટલેગર આરોપી સતીશ પટણી અને હિતેશ મારવાડી નામના શખ્સની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓ ને પકડવા અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરાઇ છે. બાળકીના ઘર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. લુખ્ખાઓએ આંતક મચાવી એક નિર્દોષ બાળકીની હત્યા કરી નાખી છે. મેઘાણીનગરના હસન જીવાભાઈની ચાલીમાં ગઈકાલે સતીશ પટણી નામનો બુટલેગર અને તેના સાગરીતો ધોકા અને પાઇપ લઈને આવ્યા હતા. બહાર બેઠેલી મહિલાઓને માર મારવાનું શરૂ કર્યું હતું. એક મહિલાના હાથમાં ૨૦ દિવસની બાળકી હતી જેના માથા પર હુમલાખોરોએ ધોકો મારતા બાળકીનું મોત નીપજ્યું હતું. ત્રણ મહિલાઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. તો, વળી, આરોપીઓને પકડવા રજુઆત કરી હતી. પરંતુ મેઘાણીનગર પોલીસે આરોપીઓને પકડીને નશ્યત કરવાના બદલે ઉલ્ટાનું રજુઆત કરવા આવેલા લોકોને જ ધમકાવી અને તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. ખરેખર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સત્તાધીશોએ આવા કેસમાં મેઘાણીનગર પોલીસની કાયરતાપૂર્ણ ભૂમિકાની ગંભીર નોંધ લઇ કસૂરવાર પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ જ પગલા લેવા જોઇએ તેવી પણ જોરદાર લોકલાગણી ઉઠવા પામી છે. ખુદ ડીજીપીએ અમદાવાદ શહેરના પૂર્વના અમરાઇવાડી, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં વકરી રહેલા રહેલા લુખ્ખાઓના આંતક અને ગુંડાગીરીના વાતાવરણને નાથવા શહેર પોલીસને આકરા આદેશો કરવા જોઇએ અને સમાજની આ બદીને દૂર કરવી જોઇએ તેવી પણ લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

Previous articleગુજરાતમાં પણ ભીષણ ગરમીથી લોકો પરેશાન : પારો ૪૫થી ઉપર
Next articleઅંબાજી નજીક ગમખ્વાર દુર્ઘટના : ૧૦ના મોત થયા