ત્રાડીયા ગામમાં કરંટ લાગતાં ૧નું મોત, ૬ને ઈજા

540

ગાંધીનગરઃ વાયુ- વાવાઝોડા વરસાદના કારણે ધંધુકા તાલુકાના નાના ત્રાડીયા ગામે ગામને અડીને આવેલ વાડીમાં વીજ થાંભલાનો જીવતો વાયર તૂટી પડતાં એક જ પરિવારના ૭ સભ્યોને શોર્ટ લાગ્યો હતો. જેમાં ૧ શખ્સનું સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જયારે અન્ય ૬ શખ્સનો બચાવ થયાની વિગત જાણવા મળી છે.ધંધુકા પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નાના ત્રાડીયા ગામને અડીને નદી કાંઠે બચુભાઇ કાનજીભાઇ પાટડીયાની વાડી આવેલ છે. તેઓ તેમના કુટુંબ સાથે વાડીએ રહે છે. તા.૧૪/૬ ના વહેલી સવારના આશરે ૫ વાગ્યાના સુમારે કાજલ નામની છોકરી ભેંસને ચારો નાખવા ગઇ હતી.

વાયુ- વાવાઝોડાની અસર- પવન વરસાદના કારણે વાડીમાં આવેલ વીજ થાંભલાનો જીવતો વાયર તૂટી જમીન ઉપર પડેલ તેને અજાણતા કાજલ નામની છોકરી અડી જતા તેને શોર્ટ લાગતા ચીસાચીસ કરતા તેના પિતા, ભાઇ, બહેન, ભાભુ, દાદા, દાદી કાજલને બચાવવા દોડી ગયા હતા. જયાં તેમને પણ શોર્ટ લાગ્યો હતો. કાજલના પિતા બચુભાઇ જમીન ઉપર પડી ગયા હતા. આ બધાને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડોકટરી સારવાર દરમિયાન બચુભાઇને ડોકટરે મૃત જાહેર કર્યા હતા.

જયારે શોર્ટ લાગેલા અન્ય સુધાબેન બચુભાઇ પાટડીયા (ઉ.વ.૪૫), વિજય બચુભાઇ (ઉ.વ.૧૭), કિસન બચુભાઇ (ઉ.વ.૧૧), કાજલ બચુભાઇ (ઉ.વ.૧૯), જશુભાઇ કાનજીભાઇ (ઉ.વ.૫૧) અને મધુબેન જશુભાઇ (ઉ.વ.૪૮) ને સરકારી દવાખાને સારવાર અર્થે દાખલ કરાયા છે તથા ઓબર્ઝવેશનમાં રખયા છે, બધાની હાલત સારી છે તેમ જાણવા મળેલ છે. આ બનાવની જાણ થતાં ધંધુકા એસ.એસ.આઇ. હરજીભાઇ, કોન્સટેબલ વિસુભા દવાખાને આવી જરૂરી કાર્યવાહી હાથધરી છે. પોલીસે સીઆરપી ૧૭૪ મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે. આગળની તપાસ એસ.એસ. આઇ. હરજીભાઇ ચલાવી રહ્યા છે.

Previous articleસ્વર્ણિમ પાર્ક ખાતે નિઃશુલ્ક યોગ તાલીમ વર્ગનો આરંભ
Next article૧૭ મીની સામાન્ય સભા તોફાની બને તેવા એંધાણ