ઉમરાળાના ધારુકા ગામે ઘનિષ્ઠ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

600

તાલુકાના ધારુકા ગામે શનિવારે સઘન વૃક્ષારોપણના કાર્યક્રમનું ગામ સમસ્ત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ તકે ભાવનગરના પૂર્વ ડેપ્યુટી મેયર, ઓલ ગુજરાત રાજ્ય ચાઈલ્ડ પ્રોટેક્શનના ડાયરેકટર અને ભાવનગર ભાજપ શહેર સંગઠન મંત્રી પ્રભાબેન પટેલ, ઉમરાળા તાલુકા મામલતદાર પટેલ સાહેબ, આર.એફ.ઓ. નિલમબહેનની વરિષ્ઠ ઉપસ્થિતિ રહી હતી. આવનારી ચોમાસાની ઋતુને અનુલક્ષીને વિવિધ જાતના ૧૦૮ ઔષધીય વૃક્ષો ગામમાં રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન પ્રભાબેને જણાવ્યું હતું કે ગ્રામ્ય જીવન ધબકતું રાખવામાં વૃક્ષોનો અમૂલ્ય ફાળો છે.  વધતા શહેરીકરણને કારણે શહેરોમાં વૃક્ષો નામશેષ થયા છે ત્યારે ગામડાઓમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ થાય અને તેની માવજત થાય એ જરૂરી બન્યું છે. શહેરોમાં મોટા ભાગના રોગો અનિયમિત જીવનશૈલી અને વાયુ પ્રદુષણને કારણે થાય છે. ત્યારે ગામડાઓ હજુ પ્રમાણમાં શુદ્ધ હવા બાબતે સમૃદ્ધ છે. આમ છતાં ગામડાઓમાં ઘરના ફળિયાઓમાં અને મુખ્ય માર્ગોમાં નંખાતા સિમેન્ટના બ્લોક અંગે તેઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સિસ્ટમને કારણે વરસાદી પાણીને તળમાં ઉતરવાની જગ્યા અવરોધાય છે. આનાથી ગામડાનું વાતાવરણ ગરમ બને છે. આ કાર્યક્રમમાં ગામના સરપંચ સુરસંગભાઈ યાદવે ગામમાં વૃક્ષોની જરૂરિયાત અને તેની માવજત અંગે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મહાવીરસિંહ પરમાર, હઠીસંગ યાદવ, ભદ્રેશભાઈ જોશી, જગદીશભાઈ જોશી, મુકેશભાઈ સવાણી, ચંદુભાઈ સુરાણી તેમજ નવલભાઈ પટેલ સહિત ગ્રામજનોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleરાણપુરમાં કુતરાઓને ખવડાવવા માટે પાંચ મણ ચુરમાના લાડવા બનાવવામાં આવ્યા
Next articleરાજુલા તાલુકાની મહાકાય ગુજરાત સિમેન્ટ દ્વારા યુવાનો માટે અદ્દભૂત કાર્યક્રમ યોજાયો