પ્રેક્ટિસ દરમિયાન વિજય શંકર ઈજાગ્રસ્ત

584

ભારતીય ક્રિકેટ ટીમનો ઓલ-રાઉન્ડર વિજય શંકર બુધવારે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. ભારતીય ટીમે બુધવારે ટીમે પ્રેક્ટિસ કરી હતી. જેમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહે ફેંકેલો એક યોર્કર બોલ શંકરના પગના અંગૂઠા પર વાગ્યો હતો અને તેને ઈજા થઈ હતી. જોકે, સૂત્રોએ જણાવ્યું છે કે શંકરની ઈજાને લઈને ચિંતાની કોઈ વાત નથી. સૂત્રોએ જણાવ્યું છે કે વિજયને દુખાવો થયો હતો પરંતુ તેની ઈજા ગંભીર નથી.

વર્લ્ડ કપની ભારતીય ટીમમાં વિજયની ભૂમિકા ઓલ-રાઉન્ડરની રહી છે. આ ઉપરાંત તે ચોથા ક્રમનો બેટ્‌સમેન છે. તે મધ્યમ ઝડપી બોલર છે અને પાકિસ્તાન સામે તેણે બે મહત્વની વિકેટ ઝડપી હતી.

નોંધનીય છે કે હાલમાં ભારતીય ટીમ ખેલાડીઓની ઈજાના કારણે પરેશાન છે. ઓપનર શિખર ધવન અંગૂઠામાં થયેલા ફ્રેક્ચરના કારણે વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે. જ્યારે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભુવનેશ્વર કુમારને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. જેના કારણે તે ફક્ત ૨.૪ ઓવર કરી શક્યો હતો. ભુવનેશ્વર બેથી ત્રણ મેચ ગુમાવે તેવી સંભાવના છે. હવે શંકરની ઈજાના કારણે ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે.

ટીમ મેનેજમેન્ટને આશા છે કે ભુવનેશ્વર આગામી મેચોમાં રમશે. અગાઉ ટીમે ધવનને લઈને પણ આશા વ્યક્ત કરી હતી અને તેના સ્થાને કોઈ ખેલાડીને ટીમમાં સામેલ કર્યો ન હતો. અંતે બુધવારે ટીમે સત્તાવાર જાહેરાત કરી હતી કે સ્ટાર ઓપનર વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Previous articleઈન્ડિયા સારી ટીમ, ધવનનાં બહાર થવાથી ફેર નહીં પડે : ગાંગુલી
Next articleશ્રીલંકાને પછડાટ આપવા  ઇંગ્લેન્ડ ટીમ સંપૂર્ણ તૈયાર