‘માણસ બદલાય છે, સમય નહિ.’

657

આપણે ઘણી વેળા બોલતા હોઈએ છીએ ‘જમાનો બદલાય ગયો છે. સમય બહુ ખરાબ આવ્યો છે, કોઈ-કોઈનું નથી.’ માતા-પિતાનો પણ આજ-કાલ લોકોને ભાર લાગતો હોય છે. એમા પણ જો ઘરમાં એકાદ બાળક અક્ષમ જન્મે તો તેની ચિંતા મા-બાપને કોરી ખાતી હોય છે. માતા-પિતાની હાજરીમાં પણ આવા બાળકોને અન્યાય થવા લાગે છે પણ જો તેનાથી ઊલટું આવી વ્યક્તિ શિક્ષણ અને તેના કૌશલ્ય વિકાસના કારણે સમાજમાં સ્થાપિત થઈ. રોજગાર પ્રાપ્ત કરી લે તો ઘરના તો ઠીક ગામના લોકોના ટોળા તેની આસપાસ ગોળની આજુ-બાજુ ઘૂમતાં માખીઓના ઝુંડની માફક ફરવા લાગે છે. આવા સમયે સંબંધના નામે લોકો પોતાના કામ કઢાવા પહોંચી જતા હોય છે. પોતાના કર્મફળના કારણે કોઈ માણસ જીવનમાં પ્રગતિ ન  કરી શક્યો હોય તેની કોઈ કાળજી લેવા તૈયાર થતું નથી. આવા વ્યક્તિનાં સંબંધીઓ કે પરિચિતો કદી તેના સંબંધી તરીકે ઓળખ આપવા રાજી હોતા નથી, પણ જો કોઈ વ્યક્તિ કઠોર પરિશ્રમ વડે સફળતા મેળવી મોટો ઉદ્યોગપતિ કે વેપારી અથવા મોટો રાજનેતા બની જાય તો તેના અનેક લોકો સંબંધી બનવા તલપાપડ હોય છે. કેટલાક તો બાજુના ગામનું સગપણ કાઢી તેની નજીક રહેવા ‘જેક’ લગાડતા હોય છે-એટલે મને કહેવા દોઃ

‘શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ-દુખ વામીએ સો લાખનમે એક’

મને ને તમને ડગલે ને પગલે મોજ-મસ્તીમાં સાથ આપતા મિત્રો જ્યાં ને ત્યાં મળતા જ હોય છે. પણ આપણા દુઃખમાં ભાગ લે તેવા મિત્રને શોધવા દીવો લઈને નીકળીએ તો પણ મળવો દુશ્કર છે. જગતમાં આવા મિત્રનો દુષ્કાળ પડ્‌યો હોય તેવી પરિસ્થિતિ સર્જાય લાગે છે. સાંદીપનિ ઋષિના આશ્રમમાં જે સમયે સુદામા અને કૃષ્ણ જેવા મિત્રો  ભણતા હતા ત્યારે પણ જે સૂર્ય-ચંદ્ર હતા તે જ અત્યારે પણ છે. સમય બદલાયો હોત તો તે આપણી સેવા ન કરતા હોત. હું અને તમે બદલાય રહ્યા છીએ પણ આપણે દોષ જમાનાને આપી છૂટી જવા માંગીએ છીએ. આ વાતનું સમર્થન આપણું ખૂબ જાણીતું ફિલ્મી ગીત  પણ કરે છેઃ ‘ચાંદ ના બદલા, સૂરજના બદલા, ના બદલા રે આસમાન. કીતના બદલ ગયા ઇન્સાન, કીતના બદલ ગયા રે ઇન્સાન.’

પ્રકૃતિ બદલાય કે પલ્ટાય નથી. હું અને તમે દિવસે-દિવસે બદલાઇ રહ્યા છીએ. ધરતી, પાણી અને વાયુને દુષિત કરી માણસે દાટ વાળી દીધો છે. પોતાની સગવડ માટે તેણે હજારો જીવોના જીવન જોખમમાં મૂકી દીધા છે. આપણે સાવ ભૂલી ગયા છીએ કે આપણે પણ તે દુનિયાની સફરે આજ નહિ તો કાલ નીકળવાનું જ છે. ચોરાશી લાખ યોનિમાં મારે ને તમારે જવાનું નક્કી હોવાથી તે જીવસૃષ્ટિમાં પણ જવું જ પડશે. આવા સમયે હાથના કર્યા જ્યારે હૈયે વાગશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. તે સમયે મારા કે તમારા હાથમાં કંઈ નહિ હોય. પછી તો પેલી કાવ્ય પંક્તિ ગણગણવાની જ રહેઃ ‘છીએ દુખિયા રે અમે છીએ દુખિયા, મારી દાજેલી દેહુના અમે છીએ દુખિયા.’

આ દુઃખનું કારણ માણસ પોતે જ છે. છતાં તે તો જમાનો અર્થાત્‌ સમયને દોષ આપી મોજ માણી રહ્યો છે એને ક્યા ખબર છેઃ ‘પીપળ પાન ખરંતી, હસતી કુંપળિયાં, અમ વીતી- તમ વીતશે, ધીરે બાપડિયા’ કાવ્યપંક્તિ મુજબ વારા પછી વારો આવવાનું નક્કી જ છે. કોઈના જીવનમાં અચાનક દુઃખનાં ડુંગર તૂટી પડે, ત્યારે આપણે તે જોઈ આનંદની અનુભૂતિ કરવા લાગીએ છીએ. આવી દુઃખી વ્યક્તિ આપણને સામે મળે ત્યારે આપણે પણ તેના દુઃખનો બહુ રંજ હોવાનો તેની સામે ડોળ કરતા હોઈએ છીએ. આમ કરી દુઃખી વ્યક્તિને પણ સારપનો મલમ લગાવાનું ચૂકતા નથી. જોકે આમ કરવાથી આપણો લાયકાત વિનાના ડૉક્ટરોની જેમ ધંધો સારો ચાલતો હોય છે. આજ-કાલ લોકોને આની ફાવટ આવી ગઈ હોય તેમ લાગે છે.

રાજ્ય સરકારની કેટલીક નીતિઓના કારણે વિકલાંગ બાળકોનાં શિક્ષણ પર ગંભીર અસર થઇ રહી છે. આપણે તે અંગે આ ક્ષેત્રે કાર્યરત લાગતા-વળગતા લોકો સાથે જ્યારે ચર્ચા કરવાનો થોડો પણ પ્રયાસ કરીએ છીએ ત્યારે જવાબ લગભગ ‘જમાનો બદલાય ગયો છે’ તેવો જ મળે છે. મારે આવા લોકોને પૂછવું છે કે જમાનો શી રીતે બદલાયો છે? તેનો થોડો ફોડ પાડો તો ખબર પડે ને? જમાનો તો સિદ્ધિ આપે તેવો આવ્યો છે, ખોટા બાના શા માટે કાઢો છો? ટૅક્નોલોજીએ હરણફાળ ભરી છે, અવનવી સાધન સામગ્રી તૈયાર થઈ રહી છે. આ બધુ જ વિકલાંગોનું કલ્યાણ કરી શકે તેવું કાર્ય છે ત્યારે સરકારે તેનો મહત્તમ લાભ લઈ વિકલાંગોના વિશાળ હિતમાં ઉદારતા દાખવી વિકાસની નવી દિશાઓ ખૂલે તેવા ઉપાયો હાથ ધરવા જોઈએ. વિકલાંગોના પુનઃ સ્થાપનના કાર્યને વેગ મળે તેવો કાયદો ઘણી જ મથામણ પછી વિકલાંગોના કલ્યાણની યોજનાઓ લઈને આવ્યો છે, છતાં સરકાર તેના અમલ માટે ઠાગાઠયા કરી રહી છે. ખરેખર તો, વિકલાંગોના પુનઃ સ્થાપન માટે નવા દ્વાર ખૂલે તેવો પ્રયાસ સરકાર વિનાવિલંબે કરશે ત્યારે જ દેશના વિકલાંગો પ્રગતિ સાધી શકશે. પણ કાગળ પર દર્શાવેલી ઇમારત જેમ આપણને રહેઠાણ માટે ઉપયોગમાં આવતી નથી, તેમ સંસદ દ્વારા સર્વાનુમતે પસાર થતો જોગવાઈ ધરાવતો કાયદો વિકલાંગતા વિધેયક ૨૦૧૬ સંસદ દ્વારા સર્વાનુમતે પસાર થવા છતાં વિકલાંગોનું કલ્યાણ કરી શકશે નહિ. સરકારે આવા વર્ગ માટે જો ખરેખર કંઈ પણ કરવું જ હોય તો, કાનુની જોગવાયોનું અસરકારક અમલીકરણ પણ કરવું પડશે. તે માટે માળખાકીય સગવડ ઊભી કરવી પડશે. વર્ષો પહેલા વિકલાંગ બાળકોની શૈક્ષણિક સંસ્થાઓમાં મંજૂર થયેલા મહેકમ મુજબની જગ્યાઓ સત્ત્વરે ભરવી પડશે. જરૂર જણાય ત્યાં નવી ટૅક્નોલૉજી મુજબનું શિક્ષણ આવા વર્ગના બાળકોને સમયસર મળી શકે તેવું નવું મહેકમ મંજૂર કરી આવી જગ્યાઓ પણ ભરવી પડશે. આજે આંખોની રોશની ગુમાવનાર સામાન્ય માણસો કામ કરી શકે તેવા કેટલાય કાર્યો કરી શકે તેવા સહાયક ઉપકરણો આવી ગયા છે. તે સરળતાથી ઉપલબ્ધ બને તેવા પગલાં લેવા જોઈશે.

જો આમ થશે તો દૃષ્ટિહીનો માટે વિકાસના અનેક નવા દ્વાર ખૂલશે. આવું તંદુરસ્ત વાતાવરણ ઊભું કરવાની જવાબદારી રાજ્ય સરકારે પ્રધાનમંત્રીશ્રી નરેંદ્રભાઈના મંત્રને ચરિતાર્થ કરવા પણ નૈતિક રીતે ફરજ અદા કરવી જોઈએ. તેઓ કહે છેઃ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આ મંત્ર મુજબ વિકલાંગોએ પોતાનો પવિત્ર અને અમૂલ્ય ‘ગાડાના પૈડા જેવો’ કિંમતી મત આપી, પોતાની ફરજ પૂરી કરી છે. હવે દડી સરકારના મેદાનમાં છે. જોવાનું એ રહે છે કે સરકાર તેનો કેટલો ફાયદો ઊઠાવે છે. વિકલાંગોને પણ તે વિકલાંગતા વિધયક ૨૦૧૬ ની જોગવાયોમાં આપેલી ખાતરી મુજબ તેનો અમલ કરી કેટલો લાભ આપે છે.

વાચક મિત્રો, તમને કદાચ પ્રશ્ન થતો હશે કે લાભુભાઈ આવી ચર્ચા શા માટે આપણી સમક્ષ કરતા હશે? આ અંગે હું તો એટલુ જ કહેવા ઇચ્છું છું કેઃ ‘મારા ૩૦ થી ૩૫ વર્ષના સેવાકાળમાં ક્યારેય ન જોયો હોય તેવો કલ્પાંત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકો સાથે આચાર્ય અને તેના સાથી શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યવહાર અંગે સાંભળવા મળે છે. કેટલાક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોની લેખિતમાં મને ફરિયાદો પણ મળે છે. આ મળેલી ફરિયાદો પર રાજ્યના શિક્ષણ વિભાગને કાર્યવાહી હાથ ધરવા હું મારી લેખિત ભલામણ સાથે મોકલી પણ આપુ છું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈનું પણ લેખિતમાં અવારનવાર આ બાબતે ધ્યાન દોરવામાં આવે છે.

અતિ સંવેદનશીલ બાબત પર પણ સરકાર ઊંઘતી ઝડ્‌પાશે ત્યારે જ સરકાર જાગશે. કારણ કે માનસિક ત્રાસના કારણે કોઈ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક અજૂગતું પગલું ભરશે, પછી કદાચ સરકાર સફાળી જાગશે. જેમ સુરતના અગ્નિકાંડ પછી સરકાર જાગૃત થઈ પગલાં ભરી રહી છે. આ અંગે અમારું સંગઠન પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને ન્યાય અપાવવા નામદાર હાઈકોર્ટના દરવાજા ખટખટાવી શકે છે.

સરકારની બીજી નકારાત્મક નીતિ વિશે આપ સૌનું ધ્યાન દોરું તો વિકલાંગ બાળકોની ખાસ શાળાઓમાં છેલ્લા ઘણાવર્ષોથી ખાલી પડતી જગ્યાઓ ભરવામાં આવતી નથી. જે જગ્યાઓ ભરવાની મંજૂરી અપાય છે તે તમામ જગ્યાઓ કાં તો કોન્ટ્રાક્ટથી ભરવા મંજૂર કરાય છે. કાં તો, નાંણા મંત્રાલયમાં મંજૂરી માટે મોકલાય છે. તેવા ઉત્તર આપી સમય પસાર કરવામાં આવે છે. જો આમ ને આમ ચાલતું રહેશે તો ટૅક્નોલૉજીના આ યુગમાં પણ વિકલાંગોની હાલત અઢારમી સદી જેવી જ થવાનું નક્કી છે. રાજ્ય સરકારના મંત્રી કે ખુદ મુખ્યમંત્રીશ્રીને આ બાબતે જે પત્રો મોકલાય છે. તેને જે તે વિભાગમાં મોકલી આપી પોસ્ટ જેવી કામગીરી આ લોકો જરૂર નિભાવે છે. પણ આમ કરવાથી કોઈ ઉકેલ આવી શકશે નહિ. કોઈ મંત્રી કે મુખ્યમંત્રશ્રીએ નક્કર ઉકેલ આવી શકે તેવી ઉડીને આંખે વળગે તેવી કામગીરી કરી પ્રધાનમંત્રીના સૂત્રને ન્યાય મળે તેવી એક પણ સૂચનાઓ કે પરિપત્રો થયા હોય તેવું હજુ સુધી જાણવા મળ્યું નથી.

મિત્રો, વીસમી સદીમાં આપણને આઝાદી મળી ત્યારે વિકલાંગો માટે એક પણ કાયદો દુનિયાના કોઈ દેશોમાં અમલમાં ન હતો, તેમ છતાં આઝાદ દેશના સમાજ કલ્યાણ વિભાગમાં વહીવટીક્ષેત્રે ભારત સરકારે વિભાગના ઓફિસર તરીકે અનુભવી પ્રજ્ઞાચક્ષુ લાલ અડવાણીની નિમણૂક કરી અંધજનો પણ ગૌરવપૂર્વક પોતાની આજીવિકા ચલાવી શકે તેવા પગલાં ભરવાના ઉદ્દેશથી નિમણૂક કરી હતી. આમ અનેક ઉપાયો હાથ ધરવા મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું હતું. રાજ્ય સરકાર પણ બોધપાઠ લઈ આ પ્રશ્ને આગળ જણાવેલી સમસ્યાઓનો સુચારુ ઉકેલ લાવવા ઇચ્છતી હોય તો નિષ્ણાત સભ્યોની કમિટી બનાવી પગલાં લઈ શકે છે. વીસમી સદીમાં પણ અનેક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કામ આપવામાં આવ્યું હતું. તે સદીમાં કોઈ આચાર્ય કે સાથી શિક્ષકોએ અમાનવીય વ્યવહાર કર્યો હોય તેવું ક્યાંય જોવા કે જાણવા મળતું નથી. સરકારની જો પાછલા બારણે શિક્ષકો કે આચાર્યને છૂટ મળતી ન હોય તો આ લોકોની ઓકાત નથી કે તે કોઈ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને જાણી જોઈ, શાળામાં બાળકોની સંખ્યામાં કમી કરી ઓવર સેટ-અપના નામે દૂર કરવા તજવીજ કરી શકે ! આવા કિસ્સામાં સામાન્ય રીતે કેટલીક જગ્યાએ જોવા મળ્યું છે કે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ઓવર સેટ-અપ થતા તેને દૂર કરી સેટ-અપ પુનઃ હતું તે જ કરી દેવામાં આવે છે. ઘણી શાળાઓમાં તો એસ. એમ. સી. સમિતિનો ટેકો લઈ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકો સામે ફરિયાદો ઊભી કરાવામાં આવે છે. આ રીતે છેલ્લા થોડા મહિનાઓથી પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. હું માનું છું કે, ‘આ સમસ્યાના ઉકેલ માટે માનવ અધિકાર પંચ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી પ્રજ્ઞાચક્ષુઓને યોગ્ય ન્યાય મળી રહે તે દીશામાં જરૂર પગલાં ભરશે. જેમણે આંખોની રોશની ગુમાવી છે છતાં પણ જીવનમાં સંઘર્ષ કરી સમાજને પણ ઉપયોગી થવા હિંમત એકઠી કરી, કાર્ય કરવા દૃઢ મનોબળ કેળવ્યું છે તેવા લોકોને બિરદાવવાના બદલે તેમની મર્યાદાને આગળ ધરી, પડકારી મજબૂર કરાય છે. જેમ કે, પ્રજ્ઞાચક્ષુ શિક્ષક પાસે ઓનલાઈન હાજરી પુરાવવી, વિદ્યાર્થીનું મૂલ્યાંકન ઓનલાઈન મોકલવું, પત્રકો ભરાવવા જેવી અનેક બિન શૈક્ષણિક કામગીરી કોઈ પણ સહયોગ વિના અપાઈ છે. આવી કામગીરી નેત્રહીન વ્યક્તિઓ પાસે કરાવવી ખૂબ જ શરમજનક બાબત છે. હું માનુ છું કે. ‘શાસકપક્ષનાંના સંવેદનશીલ લોકો મારો આ લેખ વાંચી તેમની મદદે જરૂર આવશે.’

મિત્રો, મારે આ લેખ ભારે હૈયે લોકસંસાર દૈનિકને છાપવા મોકલવો પડે છે કારણ કે ‘જમાનો નથી બદલાયો, માણસ બદલાયો છે.’

‘કાશ, મળે આશાના જગતમાં એક કદમ ભરવા જગા;

સ્વર્ગ ખડું કરી દઉં પૃથ્વી પર.

ટેકો જડે જગતમાં તમારો મને, પ્રેમની સરિતા ભરી દઉ.’

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઅલીગઢના દુષ્કર્મીઓને ફાંસી આપવા રાણપુરનાં ગ્રામજનો દ્વારા માંગણી