વૃદ્ધાવસ્થાનાં વ્યાધિઓનાં ટૂંકસાર

636

ઘસારાની પ્રક્રિયાથી રોગો (૧) મોતિયો અને ઝામર (૨) બહેરાશ (૩) અસ્થિછિદ્રતા (ઓસ્ટીયોપોરોસિસ) (૪) ફેફસાનાં વાયુકોષો ક્ષીણ થવાથી – એમફીસીમા (૫) દૃષ્ટિક્ષીણતા અને બહેરાશ.

લાંબા ગાળાની અસાધ્ય વ્યાધિઓ :

(૧) હૃદયના રોગો : લગભગ ૪૦ વર્ષની ઉંમર બાદ રક્તવાહિનીઓ અને હૃદયમાં ધસારાની પ્રક્રિયા ઝડપી બને છે. રક્તવાહિનીઓ સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસે છે. તેમાં કોલેસ્ટેરોલ અને કેલ્શિયમ જમા થાય છે. (એથેરોસ્કલેરોસિસ). તેથી લોહી વહન કરવાની ક્ષમતા ઘટે છે. રક્તવાહિનીઓમાં લોહી ગંઠાવા લાગે છે. ક્યારેક રક્તવાહિનીઓ તૂટી જવાથી શરીરનાં આંતરિક અવયવોમાં છૂપો રક્તસ્ત્રાવ થાય છે. એથેરોસ્કલેસિસ થવાનું ચોક્કસ કારણ સજી શકાયું નથી. વારસાગત પરિબળો, આહાર, સ્થૂળતા અને માનસિક તણાવ જવાબદાર છે. એથેરોસ્કલેરોસિસની પ્રક્રિયા લોહીનું ઉંચુ દબાણ, હૃદયરોગનો હુમલો અને પક્ષઘાત (સ્ટ્રોક)ને જન્મ આપે છે. (૨) કેન્સર : પ્રૌઢાવસ્થામાં કેન્સરનું જોખમ વધે છે. ચાલીસ વર્ષની ઉંમર પછી વિવિધ પ્રકારના કેન્સરનું પ્રમાણ વધે છે. વિકસિત દેશોમાં કેન્સર મૃત્યુનાં કારણોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણા દેશમાં મોનાં ભાગોનું, અન્નનળીનું, ફેફસા અને શ્વાસવાહિનીઓનું, યકૃત અને જઠરનું, મુત્રાશય, મોટા આતંરડાનું, હાડકાનું કેન્સર, મગજની અંદર થતા કેન્સરની ગાંઠ, મહિલાઓમાં સ્તન અને ગર્ભાશય – ગર્ભાશય મુખ યોનિનાં કેન્સર તેમજ પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વધતું જણાયું છે. (૩) અકસ્માત : વૃદ્ધાવસ્થામાં હાડકા નબળા બને છે. સામાન્ય ઇજાની ભાંગી જાય છે. રસ્તે ચાલતાં થતી ઇજાઓ કરતાં, ઘરે થતા અકસ્માતથી ઇજાનું પ્રમાણ વધારે જોવા મળે છે. મોટાભાગના અસ્થિભંગ પલંગમાંથી નીચે ઉતરવાં જતા કે પછી બાથરૂમમાં થતા હોય છે (૪) મધુપ્રમેહ : ડાયાબિટીસનાં ૭૫ ટકા જેટલાં દર્દી ૫૦ વર્ષથી મોટી વયના હોય છે. (૫) હાંડકા, સ્નાયુઓ અને સાંધાના રોગો : ઢીચણ અને થાપાના સાંધાનો સંધિવા (ઓસ્ટિયોઆર્થાઇટિસ), ગરદન અને કમરનાં મણકાનો સંધિવા (સ્પોન્ડિલોસિસ), ગાઉટ (લોહીમાં યુરિક એસિડની માત્રા વધી જવાથી થતો સંધિવા, રૂમેરોઇડ સંધિવા વગેરે) સંધિવાની આ વિવિધ બિમારીઓ પીડા અને પંગુતા આપે છે. એના દર્દીઓ માટે હલનચલન મુશ્કેલ બની જાય છે. (૬) શ્વસનતંત્ર : બ્રોન્કિયલ અસ્થમા (દમ), ક્રોનિક બ્રોન્કાઇટીસ અને એમ્ફીસીમા મુખ્ય છે. (૭) મૂત્રતંત્ર અને પ્રજનનતંત્ર : પુરૂષોમાં પ્રોસ્ટેટ (પુરૂષ) ગ્રંથિ વધવાથી મૂત્રમાર્ગમાં અવરોધ થાય. પેશાબ પરનો કાબુ ઘટવો, પેશાબ વારંવાર થવો, આપમેળે નીકળી જવો, પેશાબ રોકી ન શકવો વગેરે (૮) માનસિક સમસ્યાઓ : (એ) સ્મરણશક્તિમાં ઘટાડો થાય છે. વિચારોમાં અને માનસિક વલણમાં જડતા આવે છે. મનમાં વિષાદ (દુઃખ), હતાશા, કડવાશ અને અફસોસની લાગણીઓ પ્રબળ રહે. અન્ય સાતે હળવા ભળવાનું ઓછું પસંદ કરતા હોય છે. (બી) મગજ : મગજનાં કોષો નાશ પામવાથી મગજમાં રક્તપ્રવાહ ઘટવાથી સ્મરણશક્તિમાં ઘટાડો, વર્તનની વિચિત્રતા અને લાગણીતંત્રની અસ્થિરતા ડિમેન્શિઆ (સ્મૃતિભ્રમ), આલઝાઇમર અને પાર્કિન્સન (કંપવા), જેવા રોગોનું પ્રમાણ વધે છે. (સી) જાતીય જીવનની સમસ્યાઓ : સ્ત્રીઓમાં જાતીય ઇચ્છામાં ઘટાડો, પુરૂષોમાં પણ પચાસનાં દાયકામાં જાતીય આવેગો ઓછા થવા લાગે છે. આના પરિણામે ચીડીયાપણું, ઇર્ષાવૃત્તિ અને નિરાશા જન્મે છે. આપણા દેશમાં વૃદ્ધોની સ્વાસ્થ્યસમસ્યાઓ : ભારતમાં વૃધ્ધ વ્યક્તિઓની આરોગ્યલક્ષી સમસ્યાઓનો અભ્યાસ કરવાના ખાસ પ્રયત્નો – અભ્યાસો થયા નથી. ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઇ.સી.એમ.આર.) દ્વારા ૧૯૮૪ – ૮૫ માં દેશનાં ગ્રામ્ય વિસ્તારોમાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના દર્દીઓ પર કરવામાં આવેલા એક અભ્યાસથી વિવિધ પ્રકારનાં રોગોનું પ્રમાણ નીચે પ્રમાણે જણાયું હતું. રોગો (ટકાવારી કૌંસમાં) : આંખની તકલીફો (૮૮.૦) સાંધા અને સ્નાયુઓની બિમારીઓ (૪૦.૦) ચેતાતંત્રની તકલીફો (૧૮.૭) હૃદય અને રૂધિરાભિસરણનાં રોગો (૧૭.૪) (લોહીનું ઉંચુ દબાણ અને પક્ષઘાત) શ્વસનતંત્રની વ્યાધિઓ (૧૬.૧) ચામડીના રોગો(૧૩.૩) પાચનતંત્ર સંબંધી વ્યાધિઓ (૯.૦) માનસિક રોગો (૮.૫) બહેરાશ (૮.૨) મૂત્રતંત્ર અને પ્રજનનતંત્રના રોગો (૩.૫) દેશના શહેરી વિસ્તારોમાં વૃદ્ધોની સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓનું ચિત્ર આના કરતાં વધુ ખરાબ હોવાનો સંભવ છે.

ઘડપણમાં પડી ન જવાય તે માટે વ્યવહારૂ સોળ સોનેરી સૂચનો :

(ઘરમાં તથા ઘર બહાર) : વૃદ્ધોમાં હાડકા ખૂબ નબળા, પોલા અને બરડ હોય છે. જો સાવધાની ન રખાય અને પડી જવાય તો અસ્થીભંગ (ફ્રેકચર)ની સંભાવના મોટી છે. એમાય થાપાનું હાડકું ભાંગે તો લાંબો સમય, ઘણીવાર જીંદગીભર પરવશ બની પથારીવશ થઇ પરાણે જીવતર પૂરો કરવાનો સમય આવે છે. આવો મહાકરૂણ, મહાપીડાદાય સમય ન આવે તે માટેની ટોપ ટીપ્સ ટૂંકમાં પ્રસ્તુત છે. (૧) ઘરમાં ચીજો વેરવીખેર ન રાખવી. જેથી તેની અડફેટે આવી પડી ન જવાય. ઘરની ફર્સ ભીની ન હોવી જોઇએ. (૨) લપસણી લાદી, પોલીશ ગ્રેનાઇટ ખૂબ ખતરનાક (૩) ઘરમાં સ્લીપર ન પહેરવાં, ખુલ્લા પગે ન ફાવે તો હળવા શૂઝ પહેરવા (વિચિત્ર લાગે છે ને ? પરંતુ ઉપયોગી સૂચન છે ) (૪) આંખ, કાનની તકલીફો અને જુદા જુદા કારણોસર ચક્કર ન આવે તે માટે ચેકઅપ નિયમિત કરાવવું. (૫) દવાનો ઓવરડોઝ ટાળવો, (૬) નબળાઇ વધુ લાગે તો તબીબી સલાહ લેવી. (૭) શક્તિ પ્રમાણે બહાર ચાલતા જવું. પરંતુ સાથે લાકડી રાખવી. જેથી કદાચ પડી જવાય તો ટેકો મળે. (શ્ર) પગરખામાં રબ્બરના સોલ નંખાવો, ચામડાના કે અન્ય નહીં (૯) રસ્તો ભીનો ન હોય, ખાડાખડીયાવાળો ન હોય તથા રસ્તા પરનાં રખડતાં જાનવરો, વાહનો વગેરેનું ધ્યાન રાખવું, (૧૦) ઘરમાં, પેસેજમાં, દાદર તથા સંડાસ, બાથરૂમમાાં પૂરતો પ્રકાશ જરૂરી. (૧૧) સંડાસ-બાથરૂમમાં ઉઠબેસ માટે ટેકા માટે હેન્ડલ લગાડવા. (૧૨) પથારીની નજીક લાઇટની સ્વીચ રાખવી. (૧૩) ટોર્ચ હાથવગી રાખવી. (૧૪) ઉંચાઇ પર રાખેલી વસ્તુ ઉતારવા કે એથી પડી જવાની શક્યતાવાળી ક્રિયા ન કરવી. યોગ્ય વ્યક્તિને સવિનય વિનંતી કરવી. (૧૫) શોપીંગ બેગ હાથમાં ન રાખતા ખભા પર ટીંગાઇ રહે તેવો થેલો રાખવો જેથી હાથ ફ્રી રહે અને સંકટ સમયે સમતોલ જળવાય (૧૬) પોસાય તો થાપા, કાંડા વગેરે જગ્યાએ પેડ મુકેલ કપડાં પહેરવા, જેથી હાડકા ભાંગે નહિં.

Previous articleજાફરાબાદના નાગેશ્રીમાં ગઈકાલે બાળકી ખાબક્યા બાદ આજે ખાડામાં ગાય ખાબકી
Next articleમાદક દ્રવ્યો વિશે આપણે આપણા સંતાનોને કેટલી હદે માહિતગાર કર્યા !