લાંબી ઇનિંગ્સ નહીં રમવાથી નિરાશ છું, ચિંતિત નહીં : રાહુલ

668

ભારતીય ઓપનર લોકેશ રાહુલનું આ વર્લ્ડ કપમાં એકાદ-બે મેચને બાદ કરતા અત્યાર સુધી ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. તેમાંય વેસ્ટ ઇન્ડિઝ સામેની ગુરુવારની મેચમાં તે સેટ થયા પછી આઉટ થઈ ગયો હતો. આ કારણસર ભારતીય ટીમ અપેક્ષા મુજબ ટારગેટ આપી શકી ન હતી. જોકે બોલર્સે કમાલ કરીને ટીમને જંગી વિજય અપાવ્યો હતો. આ અંગે લોકેશ રાહુલે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે લાંબી ઇનિંગ્સ નહીં રમી શકવા બદલ નિરાશ ચોક્કસ થયો છું પરંતુ આ બાબતે હું જરાય ચિંતિત નથી. આ વર્લ્ડ કપમાં રાહુલે અત્યાર સુધી પાંચ મેચમાં ૧૭૨ રન ફટકાર્યા છે. સૌથી વધુ ૫૭ રન પાકિસ્તાન સામેની મેચમાં નોંધાવ્યા હતા જ્યારે  ઓસ્ટ્રેલિયા સામે તે છઠ્ઠા ક્રમે આવીને ૧૧ રન કરી શક્યો હતો. ગુરુવારની  મેચમાં રાહુલે ૬૪ બોલમાં ૪૮ રન ફટકાર્યા હતા.

‘સારી શરૂઆત આપ્યા બાદ લાંબી ઈનિંગ્સ નહીં રમી શકવી તે નિરાશાજનક છે, મારે વધુ રન કરવાની જરૂર છે,’ તેમ રાહુલે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ બાદ જણાવ્યું હતું. રાહુલના મતે તે પ્રથમ ૧૦ કે ૧૫ ઓવરમાં સેટ થવા મહેનત કરે છે અને પ્રથમ ૨૫, ૩૦ રન નોંધાવવા ઘણા મુશ્કેલ હોય છે. કર્ણાટકના બેટ્‌સમેનના મતે તે ભૂલમાંથી બોધપાઠ લઈને આગળ તેનું પુનરાવર્તન નહીં કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Previous articleભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે રોચક જંગ ખેલાશે
Next articleજમાલપુરમાં રથયાત્રા રૂટ પરના ૭૮ થી વધુ દબાણો હટાવી લેવાયા