મનદુરસ્તી માટેનો આહાર

625

આહાર અને આરોગ્યને ગાઢ સંબંધ છે. પૌષ્ટીક  આહાર અને મનદુરસ્તી વચ્ચે સીધો અને આડકતરો એમ બંને રીતે સંબંધ છે. પોષણયુક્ત આહારથી તનનું સ્વાસ્થ્ય સુધરે છે. જેને કારણે મન પણ સ્વસ્થ રહે છે. કારણ કે તન સ્વસ્થ તો મન સ્વસ્થ આ ઉપરાંત આહારનાં કેટલાક ઘટકો (જેવા કે વીટામીન બી કોમ્પલેક્ષ, વીટામીન સી તથા કેલ્શીયમ) મનદુરસ્તી સાથે સીધી રીતે સંકળાયેલા છે. ઉપરાંત નત્રલ પદાર્થો (પ્રોટીન્સ) બાળકનાં પ્રથમ પાંચ વર્ષ દરમ્યાન મગજનાં વિકાસમાં મોટો ભાગ ભજવે છે. આહારમાં ઉપરોક્ત તત્વોની ઉણપથી માનસિક તાણ સામે લડવાની આપણી શક્તિ ઘણી ઘટે છે.

પૂરતા પ્રમાણમાં ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી અને દૂધ લેવામાં ન આવે તો તનાવ પેદા થાય છે. જેથી સ્વભાગ ચીડીયો બને છે. ચિંતા અને વ્યાધિનું પ્રમાણ વધે છે.

આ ઉપરાંત સમતોલ આહાર જે સ્વાદિષ્ટ પણ હોય તે લેવાથી મન પ્રફુલીત રહે છે. વ્યક્તિની ઉંમર, કામનો પ્રકાર, રોગની હાજરી તથા અન્ય પરિસ્થિતિ મુજબ મનગમતાં આહારમાં ફેરફાર કરી શકાય. આહારમાં વિવિધતા હોય તે પણ જરૂરી છે. પૂરતા પ્રમાણમાં ખનીજ તત્વો, ચરબી, પ્રોટીન તથા કાર્બોહાઇડ્રેટસ જેવા જરૂરી છે. ફળો તથા દૂધ મનદુરસ્તી માટે જરૂરી છે. ગરીબ લોકો ઘણીવાર ફરીયાદ કરે છે કે અમને દૂધ ફળો ખરીદવા પોસાતા નથી. આવા કેટલાયને તમાકુ ધુમ્રપાન બંધ કરાવી રોજના ૫-૧૦ રૂપિયા બચાવી આસાનીથી ફળ-દૂધ ખાતા કરી શકાય છે. મહત્વની વાત આરોગ્યનું મૂલ્ય સમજવાની અને દૃઢ મનોબળ કેળવવાની છે.

સ્થુળતા ન વધે તેવો આહાર લેવો. ખોરાકનું અતિ સેવન મનદુરસ્તી અને તંદુરસ્તી બંને માટે નુકશાનકર્તા છે. સ્થૂળકાળ લોકો મનના તણાવ સામે ટકી નથી શક્તા. (મનદુરસ્તી નબળી પડે છે તેથી).

સંતૃપ્ત ચરબીનો ઉપયોગ ખુબ ઓછો કરવો દા.ત. ઘી, માખણ, મલાઇ, વગેરે અસંતૃપ્ત ચરબી ફાયદાકારક છે. દા.ત.સૂર્યમુખી તેલ, સોયાબીન તેલ, કરડીનું તેલ, મકાઇનું તેલ, રાઇનું તેલ, તલનું તેલ.

આખા ધાન્યનો ઉપયોગ હિતાવહ છે. કાચા બાફેલા શાકભાજી, આખુ, અનાજ, કઠોળ વગેરે મનદુરસ્તી તો વધારે જ છે પરંતુ સાથો સાથ જ્ઞાનતંતુ તથા ચયાપચયની ક્રિયા સુધારવા સાથે કબજીયાત દુર કરે છે. રેષાયુક્ત ખોરાક સ્થુળતા ઘટાડવા સાથે પાચનશક્તિ વધારે છે.

ખાંડ, નીમક, માખણ વી.ને ‘સફેદ ઝેર’ની ઉપમા આહારશાસ્ત્રીઓએ આપી છે. અલબત્ત તેનો થોડો પ્રમાણમાં ઉપયોગ જરૂર કરવો. મીઠાઇ અને નમકીન (ફરસાણ) પર તૂટી પડવાની ગુજુવૃત્તિ હવે ત્યાગવી જ પડશે. હાર્ટએટેકનું પ્રમાણ ગુજરાતીઓમાં વિશ્વભરમાં પ્રથમ નંબરે છે !!

વધુ પડતી ચા, કોફી, એરેટેડપીણા, વી. કેફીન તથા ટેનિનને કારણે નુકશાન કર્તા છે. તે જ્ઞાનતંતુ તથા મનની સ્વસ્થતા ઘટાડે છે. થોડી મીનીટો માટે સ્ફુર્તિ આપતા આ પીણા લાંબા ગાળે તનાવ સામે રક્ષણ ઘટાડીને ચેતાતંત્ર તથા માનસિક નબળાઇમાં વધારો કરે છે. ઉપરાંત આલ્કોહોલનાં ત્યાગની વાત ઘણીવાર કરવામાં આવી છે.મનભાવતો છતાં પૌષ્ટીક અને સમતોલ આહાર, સાચી ભૂખ લાગે ત્યારે, શાંત ચિત્તે, ચાવી ચાવીને પ્રફુલીત અને આરોગવાથી આહાર પોતે દવાનું કામ કરશે. મનભાવતો, યોગ્ય આહાર મનદુરસ્તીની સાથે તંદુરસ્તી પણ વધારી દિવ્ય જીવનની ભેટ આપશે.

ઉંડા શ્વાસ દ્વારા સ્વસ્થ મન

દિર્ઘશ્વસનથી મન અને તનનું સ્વાસ્થ્ય સુધરે છે. આ બાબતના વિસ્તૃત પ્રયોગો કર્યા બાદ વ્યાયામ વિશેષજ્ઞો તથા મનોરોગ ચિકિત્સકોએ સાબિત  કર્યું છે કે ઉંડા શ્વાસોશ્વાસ રોજ નિયમિત લેવાથી માત્ર શારીરિક જ નહીં. માનસિક આરોગ્યમાં પણ ચમત્કારીક વધારો થાય છે. દિર્ઘશ્વસનને લગતું એક વ્યવસ્થિત વિજ્ઞાન અને શાસ્ત્ર વિકાસ પામ્યું છે. ટૂંકમાં લયબધ, ઉંડા શ્વાસ અને ઉચ્છવાસ, શાંતચિત્તે રોજ દસ બાર મીનીટ લેવાથી ફેફસા, હૃદય, મગજ તથા શરીરનાં લગભગ દરેક અવયવોને ફાયદો થવા ઉપરાંત મનની મક્કમતા તથા નિર્ણયશક્તિમાં વધારો થાય છે. જે લોકો સતત માનસિક તણાવનો ભોગ બન્યા હોય તેઓએ તો ખાસ દિર્ઘ શ્વસન પ્રક્રિયા શીખીને તેનું યોગ્ય માર્ગદર્શન મેળવીને ચોક્કસ લાભ મેળવવો જોઇએ.

ઉંઘ દ્વારા સ્વસ્થ મન

કહેવાની ભાગ્યે જ જરૂર છે કે અપૂરતી ઉંઘ મનની સ્વસ્થતા બગાડી નાખે છે. સતત કામ કરવાથી મન થાકે છે તેને પણ આરામની જરૂરત છે. મન તથા મગજ કંઇ મશીન નથી. રાત્રે ૭ થી ૯ કલાકે (ઉંમર તથા કામનાં પ્રકાર મુજબ) ગાઢ નિંદ્રા જરૂરી છે. આ ઉપરાંત દિવસ દરમ્યાન કામ કરતા કરતાં વચ્ચે વચ્ચે નાનકડા બ્રેક કે વિરામ (૫-૭ મીનીટનાં) જરૂરી છે. જેથી મનની સ્વસ્થતા જળવાય રહે. ચોક્કસ સમયે સુવા જાગવાની ટેવ પાડવી, વ્હેલા સૂઇને વહેલા ઉઠવાની ટેવ પાડવી, ખોટા ઉજાગરા અવાર નવાર ન કરવા (અગાઉની પુસ્તિકામાં ઉંઘના લેખમાં જણાવ્યા મુજબ ઉંઘવાની કળાના નિયમો પાળવા). માનસિક આરોગ્ય માટે ઉંઘ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. અલબત્ત ! જરૂર કરતા વધુ ઉંઘીને આળસુ કે એદી બનવું એ મનદુરસ્તીને બગાડવા માટેનું હાથવગું હથિયાર છે. માટે માપમાં ઉંઘો, રાતના ઉંઘો, પ્રમાદમાં નહીં.

Previous articleનાટો દેશોની સમકક્ષ દરજ્જાના પ્રસ્તાવને મંજૂરી
Next articleઆજથી પ્રારંભ થતાં અષાઢ માસનાં શુક્લ પક્ષનાં પખવાડિયાની સંક્ષિપ્ત પંચાંગ – સમિક્ષા