ભાવનગરના આંબલાના ૫ ધોરણ પાસ ખેડૂત પરબતભાઈ પટેલની અનેરી સિદ્ધિ

1793

રાજ્યની ખેતીને સમૃદ્ધ બનાવી, ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન અને બાગાયત વિભાગ દ્વારા કાર્યરત્‌ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન મેળવી ભાવનગર જિલ્લાના સિહોરના આંબલા ગામે રહેતા અને માત્ર ૫ ધોરણ ભણેલા પરબતભાઈ પટેલે કૃષિ વિભાગની સૈદ્ધાંતિક અને આર્થિક સહાય તેમજ પોતાની કોઠાસૂઝથી માત્ર ૨ વિઘા જમીનમાં ૯૩૬૩ કિલો જામફળનું ઉત્પાદન કરી, રૂ. ૨,૨૪,૯૬૦નો ચોખ્ખો નફો મેળવવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. સાથે જ લીંબુના પાકમાંથી વધારાની ૮૦ હજારની આવક રળી રહ્યા છે.

ભાવનગરનાં જામફળ સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. અને તેમાંય વળી, દેશી લાલ જામફળની તો વાત જ અનેરી છે. ભાવનગરના આંબલા ગામના ખેડૂત પરબતભાઈ પટેલ પરંપરાગત રીતે ખેતી સાથે સંકળાયેલા છે. પોતાનો અનુભવ દર્શાવતાં પરબતભાઈ જણાવે છે કે, ૫-૬ વર્ષ પહેલાં અમે ખેડૂત મંડળ બનાવ્યું હતું. જેમાં જિલ્લાની આત્મા ટીમ દ્વારા લીંબુ અને જામફળની ખેતી વિશે માહિતી આપવામાં આવતી. જોકે, મારા ખેતરમાં કૂવાનું પાણી ડૂકી ગયું હોઈ, સરકારી યોજનાની મદદથી અઢી વીઘા જમીનમાં સબસિડાઇઝ્‌ડ ડ્રિપ ઇરિગેશન માટે પાણીની લાઇન મેળવી અને જામફળની ખેતી શરૂ કરી. બીજી તરફ, તેમણે ખાતરનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કર્યો. જેના થકી વર્ષ ૨૦૧૫-૧૬માં ૪૨૮૨ કિલો જામફળનું ઉત્પાદન થયું, જેમાંથી રૂ. ૮૧૮૭૨/-ની ચોખ્ખી આવક થઈ. ત્યાર પછીના વર્ષે આવક દોઢ ગણી થઈ અને નફો રૂ.૧,૨૮,૦૦૦/- સુધી પહોંચ્યો. જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં ઉત્પાદન ૯૩૬૩ કિલો સુધી પહોંચ્યું અને ચોખ્ખો નફો રૂ. ૨,૨૪,૯૬૦/-ને આંબી ગયો.

માત્ર આટલેથી જ અટકવું પરબતભાઈને સ્વીકાર્ય નહોતું. જામફળની સાથોસાથ તેમણે લીંબુ પણ વાવ્યાં હતાં. એક જામફળનો છોડ અને એક લીંબુનો છોડ એમ કુલ ચાર જામફળની વચ્ચે એક લીંબુનો છોડ આવે એવી રોપણી તેમણે કરી હતી. લીંબુને ઉઝરવામાં બે વર્ષ લાગે. એટલે પ્રથમ બે વર્ષની માવજત પછી ગયા વર્ષે તેમણે લીંબુમાંથી પણ વધારાની રૂ.૮૦,૦૦૦/-ની આવક મેળવી અને આ બધું જ માત્ર અઢી વીઘા જમીનમાંથી !

પરબતભાઈ જણાવે છે કે, તેમની જમીન પર પ્રખ્યાત દેશી લાલ જામફળની બે હાર છે. જેમાં ૮૦થી ૧૨૦ ગ્રામનું દરેક ફળ પાકે છે. જ્યારે આ જ જાતના મોટાં ફળવાળી હારમાં દરેક ફળ ૧૫૦-૨૦૦-૨૨૫ ગ્રામ સુધીનું હોય છે. આ સિવાય ૨૮ છોડ વીસનાર જાતના છે, જેમાં પ્રત્યેક ફળ મહત્તમ ૭૦૦-૮૦૦ ગ્રામ વજનનું હોય છે. ગયા વર્ષે ભાવનગર જિલ્લામાં વરસાદ સરેરાશ કરતાં ૭૪ ટકા વરસ્યો હતો. ત્યારે પરબતભાઈએ ડ્રિપ ઇરિગેશન માટે ઓછા હોર્સપાવરની મોટરનો ઉપયોગ કરી પિયત આપી. જેના કારણે વીજળી અને પાણીનો બચાવ તો થયો જ, ઉપરાંત પિયત અને ખાતરના ખર્ચમાં ૮૦ ટકા સુધીનો ઘટાડો કરી શકાયો. આનું પરિણામ એ આવ્યું કે, સરેરાશ વર્ષ નબળું હોવા છતાં આવકમાં નોંધપાત્ર ફરક ન પડ્યો.

ઉલ્લેખનીય છે કે, ખેતીની પદ્ધતિમાં સુધારો આણીને રાજ્યની ખેતીને વધુ સમૃદ્ધ અને ગુણવત્તાસભર બનાવવા માટે તેમજ રાજ્યના ખેડૂતોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પો કાર્યરત્‌ કરાયા છે. આવા જ એક પ્રોજેક્ટ તરીકે વર્ષ ૨૦૦૭-૦૮થી રાજ્યના તમામ જિલ્લાઓમાં આત્મા પ્રોજેક્ટ અમલી કરાયો છે. જે અંતર્ગત કૃષિ વિસ્તરણ માટેની શિક્ષણની પ્રવૃત્તિઓ તેમજ નવાં સંશોધનોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. જ્યારે ટપકસિંચાઈને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. જેનો લાભ મેળવીને પરબતભાઈ સહિત અનેક ખેડૂતો વિકસિત ખેતીનો નવો રાહ ચીંધી રહ્યા છે.

આજે પરબતભાઈ તેમના ગામના અન્ય ખેડૂતોને પણ સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓની માહિતી આપી, પોતાની કોઠાસૂઝ મુજબનું માર્ગદર્શન પૂરું પાડે છે અને તેમને ટપકસિંચાઈ તેમજ પાકની નવી જાત અને ખાતરનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવા સમજાવે છે. જેથી તેમણે મેળવ્યો તેવો લાભ અન્ય ખેડૂતો પણ મેળવી શકે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઅંબિકા પ્રા.શાળામાં બાળમેળો યોજાયો