મહાશત્રુ ક્રોધ

523

વાલ્મીકિએ રામાયણમાં કહ્યું છે :

ક્રોધ પ્રાણઘાતક શત્રુ છે, ઉપરથી મિત્ર જેવો પણ અંદરથી ભયંકર વૈરી છે. ક્રોધ એક મહાતીક્ષ્ણ તલવાર છે કે જે બધું જ સત્ત્વ હણી લે છે.

સમાજમાં જેને ક્રોધ આવે જ નહીં એવી વ્યક્તિઓ અલ્પસંખ્યક હોય છે. ક્યાંક, કશુંક અણગમતુ બને અને વ્યક્તિ સ્વસ્થતા ગુમાવે છે. કોઈક વ્યક્તિ સામે તત્કાળ, કોઈક બાબતે બદલો ન લેવાયો હોય તો, એવી તકની રાહ જોવાતી હોય છે અને જેવી એ તક મળે, પેલી વ્યક્તિ સામે ક્રોધ ભભૂકી ઊઠે છે. ગીતાકારે ગાયું છે કે ‘કામાત્ક્રોધોભિજાયતે….’ ક્રોધ કામમાંથી ઉપજે છે અને બુદ્ધિને ભ્રમિત કરતો અંતે સર્વનાશ તરફ દોરી જાય છે.

ક્રોધ અથવા ગુસ્સાની આસુરી અને ખરાબ અસરો અસંખ્ય છે. સૌથી પ્રથમ અસર છે – ક્રોધિત થયેલો માણસ સમગ્ર જીવન દરમ્યાન જે કાંઈ સારું શીખ્યો હોય છે, તે બધું જ તે ક્ષણમાં ભૂલી જાય છે ! બીજી અસર છે – તે પોતાના વિચારો અને લાગણીઓ પરનો કાબૂ ગુમાવી બેસે છે. ત્રીજી અસર છે – તે અતિ આવેગમાં આવી જાય છે અને માત્ર અહંકાર જ તેનો ચાલક અને માર્ગદર્શક બની જાય છે પરિણામે તે સારા-નરસાનું કે યોગ્ય-અયોગ્યનું વિવેકભાન ગુમાવી બેસે છે, તેની રીતભાત-બોલચાલમાં આક્રમકતા આવી જાય છે, અને તે પોતાના જ હિતની વાત ભૂલી જાય છે ને પોતાનો જ વેરી બની જાય છે.

ભગવાન સ્વામિનારાયણે તેમના વચનામૃતોમાં ઠેર-ઠેર તેમના આશ્રિત ભક્તોની કેવળ રક્ષાને કારણે આ મહાશત્રુની ભયાનકતાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. વચનામૃત લોયા પ્રકરણના ૧ માં મહારાજ કહે છે કે ‘…ક્રોધ ઉપર તો મારે ઘણું વૈર છે, ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મને ગમે જ નહીં… અને વળી ક્રોધ કેવો છે તો જેવા કસાઈ, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ તે જેમ સર્વને બિરવાવે છે અને બીજાના પ્રાણ હરી લે છે તેવો છે…એ ક્રોધનું નામ વિરૂપ છે, માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાંખે… થોડોક ક્રોધ ઉપજે તે પણ અતિશય દુઃખદાયી છે.’જ્યારે ક્રોધ માણસનો મુખ્ય સ્વભાવ બની જાય છે ત્યારે તેના શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. એસિડિટી, લોહીનું ઊંચું દબાણ, હૃદયરોગનો હુમલો, હોજરીનાં ચાંદા (અલ્સર), અનિદ્રા જેવા રોગોને દેહમાં નિમંત્રણ આપવા ક્રોધની કંકોતરી જાય છે ! અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી, જ્હોન હોપકિન્સ સ્કૂલ ઑફ મેડિસિન, ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી, મિશિગન યુનિવર્સિટી જેવી નામાંકિત સંસ્થાઓએ આ અંગે વર્ષો સુધી સંશોધન કરીને આ જાહેર કર્યું છે.

ક્રોધ પળવારમાં વર્ષો જૂની દોસ્તીનો વિનાશ કરી શકે છે, વર્ષોથી ગાઢ સંબંધ ધરાવતા પરિવારજનો, બિઝનેશ પાર્ટનરશીપ, વેપારી સંબંધો- બધું જ ગુસ્સાને કારણે પળાવારમાં છિન્નભિન્ન થઈ જાય છે. હુલ્લડો, હુમલાઓ, ખુન, આત્મહત્યા, યુદ્ધો, આતંકવાદ અને અન્ય અનેક પ્રકારની ગુન્હા પેદા કરવાની ફેકટરી ક્રોધ જ છે. એટલે જ ચાણક્યે પણ લખ્યું : ‘ક્રોધ તો સાક્ષાત્‌ યમરાજ છે.’સ્વેટ માર્ડન તેમના પુસ્તક ‘ઁટ્ઠષ્ઠી, ર્ઁુીિ ટ્ઠહઙ્ઘ ઁઙ્મીહંઅ’ માં નોંધે છે કે ક્રોધને વરાયેલો માનવી વસ્તુતઃ તેટલો સમય પાગલ હોય છે. તે તેની અંદર બેઠેલા આ ‘રાક્ષસ’ નો તાબેદાર થઈ રહે છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા : ‘ક્રોધ ઉપજે ને એને થોડી વારમાં સમાવી શકો તો ખૂબ શાંતિ રહે. ભયંકર ખૂન કે મારામારી થાય છે એ થોડીક ક્ષણોમાં જ થાય છે. કોઈને નુકશાન કરવાથી કદી શાંતિ નહીં મળે.’

આ રીતે પ્રસ્તુત વચનામૃતમાં સમગ્ર ચેતાંતંત્રને હચમચાવી નાખતા આ વિરૂપ અને વિનાશકારી મહાશત્રુ-ક્રોધથી સો જોજન દૂર રહેવા મહારાજ આપણને શીખ આપે છે. હવે આ મહાશત્રુ ક્રોધને જીતવાના અમોઘ ઉપાયો વિષે આવતા લેખાંકમાં જાણીશું.(ક્રમશઃ)

Previous articleકનારા પ્રા.શાળામાં ડેન્ગ્યુની માહિતી
Next articleસત્વરે શિક્ષણનું સ્તર સુધારવું જોઇએ, નહિતર આ નિર્દોષ બાળકનો શું વાક