નિયમોના ઉલ્લંઘન મુદ્દે RBIએ એસબીઆઇને ૭ કરોડનો દંડ ફટકાર્યો

405

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇને મોટો ઝટકો આપ્યો છે. આરબીઆઇએ એસબીઆઇને ૭ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ એનપીએ (નોન પરફોર્મિંગ એટેટ્‌સ) અને અન્ય પ્રાવધાનો સાથે સંકળાયેલા નિયમોનું પાલન ન કરવાને લઈને લગાવવામાં આવ્યો છે. આ રીતે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર ૧૦ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

કેન્દ્રીય બેંક અનુસાર, એસબીઆઇએ આવક ઓળખ અને સંપત્તિ વર્ગીકરણ (આઈઆરએસી) નિયમોનું પાલન ન કર્યું. આ ઉપરાંત, બેંકે ચાલુ ખાતા ખોલવા માટે તેના પરિચાલન માટે આચાર સંહિતાને પણ નજર અંદાજ કરી. કેન્દ્રીય બેંકે જણાવ્યું કે, એસબીઆઇ પર છેતરપિંડી અને તેના રિપોર્ટિંગ સાથે જોડાયેલા નિયમોનું પાલન ન કરવાનો પણ આરોપ છે. આરબીઆઇ  દ્વારા તપાસ રિપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો જોયા બાદ બેંકને નોટિસ આપવામાં આવી હતી. બેંક તરફથી મળેલા જવાબ અને વ્યક્તિગત સુનાવણી બાદ કેન્દ્રીય બેંકે દંડ ફટકારવાનો નિર્ણય કર્યો હતો.

આ ઉપરાંત, ભારતીય રિઝર્વ બેંકે સાયબર સુરક્ષા સાથે જોડાયેલા નિર્દેશોનું પાલન ન કરવાના આરોપમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર ૧૦ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. રિઝર્વ બેંક તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ દંડ ૯ જુલાઈ, ૨૦૧૯ના રોજ લગાવવામાં આવ્યો. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી નિયામકીય અનુપાલનમાં ખામીઓને કારણે કરવામાં આવી છે.

Previous articleઅમરનાથ યાત્રા : ૩૯૬૭ શ્રદ્ધાળુની નવી ટીમ રવાના
Next articleશેરબજારમાં તેજી : સેંસેક્સ ૨૩૪ પોઇન્ટ સુધરીને બંધ