આજથી ૧૭મી લોકસભાનું પ્રથમ સત્ર

430

જેની ઉત્સુક્તાપૂર્વક રાજકીય વર્તુળોમાં રાહ જોવામાં આવી રહી છે તે ૧૭મી લોકસભાની પ્રથમ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર દરમિયાન જ સામાન્ય બજેટ પણ રજુ કરવામાં આવનાર છે. કેન્દ્રિય બજેટ પાંચમી જુલાઈના દિવસે રજુ કરવામાં આવશે. મોદી સરકાર નવી અવધિમાં સત્તામાં આવી ચુકી છે. આની સાથે જ બજેટ રજુ કરવામાં આવનાર છે. નવી સરકારના પ્રથમ બજેટમાં કેવા પગલા આવશે તેને લઈને સામાન્ય લોકોમાં ચર્ચા છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીની આંધી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને માત્ર ૫૨ સીટો મળી હતી. બજેટ સત્ર દરમિયાન લોકસભામાં પાંચમી જુલાઈના દિવસે નવા નાણાંમંત્રી નિર્મલા સીતારામન વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું સંપૂર્ણ બજેટ રજુ કરશે. મોદી સરકારનું આ પ્રથમ બજેટ રહેશે.  સામાન્ય ચૂંટણીના અનુસંધાનમાં તત્કાલિન નાણામંત્રી પિયુષ ગોહિલ દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે વચગાળાનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક હાલમાં યોજાઈ હતી. જેમાં ૧૭મી લોકસભાનું સત્ર ૧૭મી જુનથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આના ભાગરૂપે આવતીકાલથી લોકસભાનું સત્ર શરૂ થશે. આ સત્ર ૨૬મી જુલાઈના દિવસે પૂર્ણ થશે.  રાજ્યસભાની બેઠક ૨૦મી જુનના દિવસે શરૂ થશે. સત્રના પ્રથમ બે દિવસ દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધીમાં જશે. જ્યારે ૧૯મી જુનના દિવસે લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૦મી જુનના દિવસે ગુરુવારના દિવસે સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદના બન્ને ગૃહોને સંબોધન કરશે. ચોથી જુલાઈના દિવસે આર્થિક સર્વે રજુ કરવામાં આવશે. જ્યારે ૨૦૧૯-૨૦ માટે કેન્દ્રિય બજેટ લોકસભામાં સવારે ૧૧ વાગ્યે રજુ કરવામાં આવશે. લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન કુલ ૩૦ બેઠક યોજાશે. સંસદની શરૂઆતની એક દિવસ પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં તમામ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારના આગામી સત્રના એજન્ડાને લઈને વિપક્ષી દળોના નેતાઓને વાકેફ કરાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ત્રિપલ તલાક જેવા મહત્વના બિલ ઉપર સહકારની માંગ સરકાર દ્વારા વિપક્ષ પાસેથી કરવામાં આવી છે. રાજ્યસભામાં બિન કોંગ્રેસી નેતાઓ તરફથી સમર્થન મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. સરકાર આગામી સત્રમાં ફરી એકવાર ત્રિપલ તલાક બિલ રજુ કરશે. સંસદનું સત્ર ૨૬મી જુલાઈ સુધી ચાલશે. ૨૦મી જુનના દિવસે રાષ્ટ્રપતિનું સંબોધન ઉપયોગી રહેશે. સરકાર કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત બિલ અને આધાર બિલમાં સુધારા જેવા મહત્વના બિલ લાવી શકે છે. ત્રિપલ તલાક બિલને લઈને કોંગ્રેસ પાર્ટીએ ફરીએકવાર પોતાની અલગ પ્રતિક્રિયા આપી છે. સરકારે તમામ પક્ષો સાથે વાતચીત કરીને આગળ વધવુ જોઈએ. આ પહેલા આ બિલ લોકસભામાં પસાર થયું હતું. પરંતુ રાજ્યસભામાં અટવાઈ ગયું હતું.

Previous articleભારતે પાક.ને હરાવી ફાધર્સ-ડે મનાવ્યો
Next articleસારી પટકથાવાળી હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક છે