બોરુ પાટિયા પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા ત્રણના મોત :ત્રણને ઇજા

796

ગાંધીનગર થી ગોઝારીયા રોડ પર બોરૂ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા ગાડી ચાલક સહીત વિસનગરના ત્રણ વેપારીઓના કરૂણમોત નિપજ્યા છે ચોટીલા માતાજીના દર્શન કરી પરત જતા વિસનગરના વેપારીઓની ઇકો ગાડીને બોરૂ પાટીયા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા  ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને  ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અકસ્માત મામલે માણસા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી વિગત મુજબ મહેસાણા જિલ્લાના વિસનગરમાં નિકેશકુમાર અંબાલાલ શાહ, અલ્કેશકુમાર બાબુલાલ શાહ, અશ્વિનભાઇ પ્રહલાદભાઇ પટેલ, ધ્રુવ ઉર્ફે શનિ નિકેશભાઇ શાહ, રીતેષ અશોકભાઇ શાહ ચોટીલા માતાજીના દર્શન કરીને ઇકો ગાડી નંબર જીજે-૨-સીપી-૭૬૮૯માં પરત વિસનગર જઇ રહ્યા હતા.

મધ્યરાત્રીએ ગાંધીનગર થી ગોઝારીયા રોડ ઉપરથી બોરૂ ગામના પાટીયા પાસેથી ઇકો ગાડી પસાર થતી હતી. ત્યારે અજાણ્યા વાહને ઇકો ગાડીને ટક્કર મારતા ગાડીના ચાલક સહિત છ વ્યક્તિઓને ઘવાયા હતા જેમાં ઇકો ગાડીનો ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને માથામાં ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

જ્યારે ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.   અકસ્માત કોની સાથે થયો તેની ગાડી ચાલક સિવાય કોઇને ખબર નહી હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. અકસ્માત થતા ગાડીમાં બેઠેલા ધ્રુવ ઉર્ફે શનિ નિકેશભાઇ શાહ (ઉ.વ.૨૫)ને શરીરે સામાન્ય ઇજાઓ થતાં વિસનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપીને રજા આપી છે. મહેસાણા જિલ્લાના વિસનગર, અલકા સોસાયટી, મકાન નંબર ૧૮માં રહેતા ધ્રુવ ઉર્ફે શનિ શાહે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. જેમાં ધ્રુવ ઉર્ફે શનિ નિકેશભાઇ શાહ, રીતેષ અશોકભાઇ શાહ અને અશ્વિનભાઇ પ્રહલાદભાઇ પટેલને ઇજાઓ થઇ છે.અકસ્માતમાં મૃત્યુ પામનારા ત્રણ વ્યક્તિઓમાં ઇકોગાડીનો ચાલક જીગરપુરી વિનોદપુરી ગોસ્વામી, નિકેશકુમાર અમરતલાલ શાહ અને અલ્કેશકુમાર બાબુલાલ શાહનો સમાવેશ થાય છે.

Previous articleપ્રેમિકાને હેરાન કરતો હોવાથી જૂના મિત્રે જ શિહોલીના યુવકની હત્યા કરી હતી
Next articleઅણીના સમયે વરસાદ આવતા સુકાઇ રહેલા પાકને અમૃત મળ્યું