અણીના સમયે વરસાદ આવતા સુકાઇ રહેલા પાકને અમૃત મળ્યું

514

ગાંધીનગર જિલ્લામાં વરસાદ નહીં પડવા ઉપરાંત ઉનાળા જેવી ગરમી પડવાના કારણે અછતના વાદળો ઘેરાતા જતા હતા જે વચ્ચે ખેડૂતોથી લઇને ખેતીવાડી તંત્ર અને સરકારની ચિંતા પણ વધતી જતી હતી ત્યારે  છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેવાને કારણે  પાકને જીવતદાન મળ્યું છે. સુકાઇ રહેલા પાકને જાણે અમૃત મળ્યું હોય તેમ જિલ્લાના ૬૬ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેલા વિવિધ પાકને નવજીવન મળ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખૂશીની હેલી જોવા મળી છે ત્યારે હવે બાકી રહેલા વિસ્તારમાં વાવેતર તેજી પકડશે તેમ નિષ્ણાંતોનું માનવું છે.

ગાંધીનગર અને અમદાવાદ સહિત ઉત્તરગુજરાતના ઘણા જિલ્લાઓ વરસાદની ઘટને કારણે તરસ્યા હતા તે વચ્ચે ગાંધીનગર જિલ્લામાં ખેડૂતોએ સરેરાશ ૧.૪૦ લાખ ખરીફ વાવેતરની સામે ૪૦૦ ટકા જેટલું એટલે કે, ૬૬ હજાર હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર કર્યું હતું તેમ છતા વરસાદ નહીં પડવાને કારણે આ વાવેતર ઉપર ખતરો તોળાઇ રહ્યો હતો. પાક બળી જવાની દહેશત વચ્ચે ખેડૂતોમાં ચિંતા વધતી જતી હતી તો બીજીબાજુ ખેતીવાડી તંત્ર અને સરકારે પણ વરસાદ નહીં પડતા ચિંતામાં મુકાઇ હતી પાક પેટર્ન બદલીને આકસ્મિક પાકનુ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ જ નહીં પડવાને કારણે આ પાક પણ કેટલો સમય ટકશે તે સવાલ મોટો ઉભો થયો હતો. ત્યારે જ આ ૬૬ હજાર હેક્ટર વિસ્તારમાં કરવામાં આવેલા વાવેતરમાં આગામી અઠવાડિયા સુધી વરસાદ ન પડેત તો અહીં પાક સુકાવાનું શરૂ થઇ જાત તે વચ્ચે જ છેલ્લા બે દિવસથી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થઇ ગયું હતું.

ધીમી ધારે વરસાદ પડવાને કારણે જિલ્લામાં વરસાદના ઇંચમાં કોઇ ખાસ ફેરફાર પડયો નથી પરંતુ બે દિવસથી સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ અને ભેજનું પ્રમાણ વધવાને કારણે સુકાવાના અણી ઉપર રહેલા પાકને નવજીવન મળ્યું છે.

ગાંધીનગર જિલ્લામાં ૬૬ હજાર હેક્ટરમાં કપાસ,બાજરી, મગફળી, કઠોળ, શાકભાજી સહિત વિવિધ પાક લેવામાં આવ્યા છે જે સુકાવાના હતા ત્યારે જ વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં ખૂશીની લહેર જોવા મળી છે. ત્યારે ઝરમર વરસાદના કારણે પાકને હાલ જીવતદાન મળ્યું છે પરંતુ હજુ ખેતી માટે પુરતો વરસાદ પડયો નથી. જેના કારણે ખેડૂતોને વધુ વરસાદની આશા છે.

Previous articleબોરુ પાટિયા પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા ત્રણના મોત :ત્રણને ઇજા
Next articleસેકટર-૨૬ અને ૨૭માં બે બંધ મકાનોમાં તસ્કર ટોળી ત્રાટકી