ગરબામાં દારૂ પીને છાકટાં બનેલા તત્ત્વોએ ધમાલ મચાવતાં દોડધામ

449

ગાંધીનગર શહેરના સે-ર૪માં દશામાંના મંદિર પાસે ગરબાના કાર્યક્રમમાં દારૂ પીને આવેલા તત્ત્વોએ પોતાની ફરમાઈશનું ગીત ગવડાવવા માટે જીદ કરી ધમાલ મચાવતાં દોડધામ મચી ગઈ હતી. મહિલા અને બાળકો રીતસર ડરી ગયા હતા. પોલીસ પણ ઘટનાની જાણ થતાં પહોંચી હતી પરંતુ આ તત્વો સે-ર૪ના શ્રીનગર તરફ નાસી છુટયા હતા. પોલીસે હજુ સુધી એક પણ વ્યક્તિને પકડયો નથી. આ વિસ્તારના લોકો આ લુખ્ખા તત્વોથી ડરી ગયા છે અને પોલીસે જાણે કે તેમને છુટો દોર આપ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે.

ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી અસામાજીક તત્વોનો આતંક વધી ગયો છે અને જાણે પોલીસે આવા તત્ત્વોને છુટો દોર આપ્યો હોય તેવું લાગી રહયું છે. શહેરના સે-ર૪માં હાલ દશામાંના વ્રત નિમિત્તે દશામાંના મંદિરે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં  બાળકો અને મહિલાઓ જોડાયા હતા. દરમ્યાનમાં આ સ્થળે દારૂ પીને છાકટાં બનેલા અસામાજીક તત્વોએ ધમાલ મચાવી હતી અને સ્ટેજ ઉપર પોતાની ફરમાઈશનું ગીત ગાવા કલાકારોને કહયું હતું. જે ના પાડતાં આ તત્વો બેફામ બન્યા હતા. પથ્થરમારો પણ કરતાં અહીં આવેલી મહિલાઓ અને બાળકોમાં ભારે ડર ફેલાઈ ગયો હતો.

આ તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તે પ્રકારે ભારે ધમાલ મચાવી હતી. કોઈ જાગૃત વ્યક્તિએ આ સંદર્ભે પોલીસને જાણ કરતાં પોલીસ પણ ફીલ્મી ઢબે પાછળથી આવી હતી અને જેના પગલે આ દારૂડીયાઓ સે-ર૪ના શ્રીનગર તરફ નાસી છુટયા હતા. પોલીસ તેમને પકડવા માટે મથી રહી હતી પરંતુ પકડાયા નહોતા. ત્યારે હવે આ વિસ્તારમાં વધી રહેલા આ તત્ત્વોના ત્રાસના કારણે રહીશો અને સ્થાનિકો સતત ડર અનુભવી રહયા છે. આગામી સમયમાં પણ ગરબા દરમ્યાન અહીં પોલીસનો સજજડ બંદોબસ્ત ગોઠવાય તેવી માંગણી પણ થઈ રહી છે અને આવા તત્વોને પોલીસ હાથે કડક હાથે ડામી દેવામાં આવે તે પણ જરૂરી છે.

Previous articleયાત્રાધામને જોડતા મહેસાણા-બેચરાજીનો ૪૦ કિમીનો રોડ બિસ્માર
Next articleગાંધીનગરમાં સેકટરોના એપ્રોચ રોડને ફોરલેન કરાશે