ગાંધીનગરમાં સેકટરોના એપ્રોચ રોડને ફોરલેન કરાશે

423

રાજયના પાટનગર ગાંધીનગર શહેરનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે સ્માર્ટ સીટી અંતર્ગત નવા નવા પ્રોજેકટ હાથ ઉપર લેવામાં આવી રહયા છે ત્યારે શહેરમાં આવેલા તમામ સેકટરોમાં રીંગરોડના એપ્રોચ રોડને ફોરલેન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્માર્ટ સીટી અંતર્ગત હાલ તેના સર્વેની કામગીરી ચાલી રહી છે અને વધારે ટ્રાફિકનું ભારણ ધરાવતાં સેકટરોના આંતરિક માર્ગોને પણ ફોરલેન કરવામાં આવનાર છે. આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા ખર્ચનો અંદાજ નક્કી કરીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નોંધવું રહેશે કે આ માર્ગો ફોરલેન બનાવવાની સાથે પાણી અને ગટરલાઈન પણ અલગ અલગ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્માર્ટ સીટી માટે શહેરો પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રીજા તબક્કામાં ગાંધીનગર શહેરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં પણ આ સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત કુલ ૧૪૦૦ કરોડ રૂપિયાના કામો હાથ ધરાનાર છે. જેમાં શહેરમાં ર૪ કલાક પાણીના પુરવઠાની સાથે આખેઆખી ગટરલાઈન જ નવી કરવાનું આયોજન છે. સ્માર્ટ બસ સ્ટેન્ડ અને અદ્યતન શહેરી બસ સેવા પણ આ સ્માર્ટ સીટીમાં સમાવી લેવામાં આવ્યા છે ત્યારે સેકટરોમાં એપ્રોચ રોડને પણ ફોરલેન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ગાંધીનગરના ૧થી ૩૦ સેકટરમાં મહદઅંશે તમામ સેકટરોમાં ચાર જેટલા પ્રવેશ દ્વાર હોય છે ત્યારે આ ચારેય પ્રવેશદ્વાર ઉપર માર્ગોને ફોરલેન કરી દેવામાં આવશે તેની સાથે વચ્ચે ડીવાઈડર અને માર્ગની બન્ને તરફ પાણી અને ગટર લાઈન અલગ અલગ રાખવાનું આયોજન છે. એટલું જ નહીં ભવિષ્યમાં પણ કોઈ ખોદકામ કરવું ના પડે તે હેતુથી ખાસ પાઈપ લાઈન નેટવર્ક પણ ગોઠવવામાં આવનાર છે.

ગાંધીનગર શહેરમાં જુના અને નવા અમુક સેકટરોમાં રીંગરોડ ઉપર પણ વાહનોની અવરજવર વધારે રહેતી હોય છે તેવા રીંગરોડને ફોરલેન કરવાનું પણ આયોજન આ પ્રોજેકટ અંતર્ગત હાથ ધરાયું છે. હાલ કોર્પોરેશન દ્વારા સર્વેની પ્રક્રિયા ચાલી રહી છે અને સર્વે બાદ ખર્ચનો અંદાજ નક્કી કરીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

નોંધવું રહેશે કે સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત સમગ્ર શહેરને સીસીટીવી સર્વેલન્સની સજજ કરી દેવામાં આવ્યું છે અને કોર્પોરેશને આ માટે મુખ્ય માર્ગો અને સેકટરોમાં સ્માર્ટ ૩ર જેટલા પોલ પણ લગાડયા છે જેના કંટ્રોલ અને કમાન્ડ યુનિટનું આગામી દિવસમાં લોકાર્પણ કરવાનું પણ વિચારાઈ રહયું છે.

Previous articleગરબામાં દારૂ પીને છાકટાં બનેલા તત્ત્વોએ ધમાલ મચાવતાં દોડધામ
Next articleવાણિજ્ય હેતુનાં વાહનો પર હવે તવાઇ આવશે