અતિભારે વરસાદથી નાવડામાં ખેડુતોને મોટું નુકશાન

530

બરવાળા તાલુકામાં પડેલ અતિભારે વરસાદના કારણે નવા નાવડા તેમજ જુના નાવડા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જયારે ગામ સંપર્ક વિહોણું પણ બન્યુ હતુ ત્યારે વધારે ધસમસતા પાણીના પ્રવાહના કારણે ખેડુતો દ્વારા ઉગાડેલા ઉભા પાકો તેમજ ખેડુતોના ખેતરો ધોવાઈ જતા કરોડો રુપિયાનું નુકશાન થતા ખેડુતો પાયમાલ બન્યા છે ત્યારે નાવડા ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ખેડુતોને થયેલ નુકશાન અંગેની સહાય આપવા ઉગ્ર માંગ ઉઠાવી હતી. બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં તા.૯/૮/૨૦૧૯ ના રોજ ૨૪ કલાકમાં ૩૮૦ એમ.એમ.જેટલો અતિભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે સમગ્ર પંથક જળબંબાકાર ગયો હતો જેમાં જુના નાવડા તેમજ નવા નાવડા સહિતના અનેક ગામોમાં પાણી ફરી વળતા ઠેર ઠેર પાણી ભરાતા બરવાળા તાલુકાના જુના નાવડા,નવા નાવડા,જીવાપર,વાઢેળા,વહિયા,ઢાઢોદર, કાપડીયાળી,ચોકડી,પીપરીયા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.પંથકમાં મુશળધાર વરસાદના કારણે ઉતાવળી નદી,ખાંભડા ડેમ,ગુંદા ડેમ, લીલકા નદીમાં પાણીની આવક થતા ઓવરફ્લો થઈ જતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેનું પાણી નાવડા ગામમાં પાણી ઘુસી જતા નાવડા ગામમાં ૧૫ જેટલા મકાનો ધરાશાઇ થઇ ગયા હતા જયારે અતિભારે વરસાદના કારણે ખેડુતોના ખેતરમાં ઉગાડેલા પાકો તેમજ ખેતરોના પાળા-પાળી તેમજ જમીનનું મોટાપાયે ધોવાણ થતા ખેડુતોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યુ હતુ જયારે નાવડા ગામના ખેડૂતોને થયેલ નુકશાન અંગે ચંદુભાઈ રાઠોડ(સરપંચ જુના નાવડા ગ્રામ પંચાયત) સહિત ગ્રામજનો દ્વારા કલેકટર બોટાદ,જિલ્લા વિકાસ અધિકારી બોટાદ,મામલતદાર બરવાળા, તાલુકા વિકાસ અધિકારી બરવાળા સહિતના અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે.જેમાં સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા ખેડુતોના પાક તેમજ જમીન ધોવાણથી મોટાપાયે થયેલા નુકશાનના કારણે ખેડુતોની પરિસ્થિતિ કફોડી બની છે જેના કારણે આર્થિક નુકશાની વેઠી પાયમાલ બન્યા છે ત્યારે  ખેડુતોને અતિભારે વરસાદથી નુકશાની અંગે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.ત્યારે સરકાર દ્વારા ખેડુતોને થયેલ નુકશાન અંગે સહાય કરશે કે કેમ તે જોવું રહ્યું.

નુકશાની અંગે ઉચ્ચ કક્ષાએ  સરંપચ દ્વારા રજુઆત કરાઈ

બરવાળા તાલુકામાં પડેલ મુશળધાર વરસાદના કારણે અમારા ગામમાં તેમજ ખેતરોમાં પાણી ફળયા હતા જેના કારણે ખેડુતોના ઉગાડેલા પાકો તેમજ જમીન ધોવાણ થઈ ગઈ હતી જેના કારણે ખેડુતોને લાખો રુપિયાનુ મસમોટુ નુક્શાન થવા પામ્યુ છે જે અંગે અમો તથા ગ્રામજનો દ્વારા આ નુકશાની અંગે સહાય આપવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી  સરપંચ ચંદુભાઈ રાઠોડ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

 

સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે – ટીડીઓ

તાલુકાના ગામડાઓમાં વરસાદના કારણે નુકશાન થયેલ હોય તેવા ગામડાઓમાંથી સરપંચ તેમજ તલાટી પાસેથી ખેડુતોના નુકશાન અંગેની માહિતી મંગાવવામાં આવી છે જે મળયેથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમ ટીડીઓ આર.પી. મકવાણાએ જણાવ્યું હતું.

Previous articleહિરાભાઈ સોલંકીનો પદયાત્રા સંઘ સોમનાથ ખાતે પહોંચ્યો
Next articleનવા સાંગાણા જાળનાથ મહાદેવ ખાતે ર૦મીથી રામકથાનું આયોજન