પાણી વિતરણના ૨૨ કરોડના ખર્ચ સામે પાયોવિને ૪ કરોડની જ આવક

436

પાટનગર યોજના વિભાગ ગાંધીનગર શહેરનો પાણીનો વહીવટ મનપાને ભેરવી દેવા તૈયાર છે. બીજી બાજુ પાણી વેરાની બાકી વસુલાત માટે પણ સખ્ત કાર્યવાહી શરૂ કરવાના એંધાણ છે. ૨ હજારથી વધુ બાકીદારોને વેરા વસુલાતની નોટિસ ફટકારવાની તૈયારી વિભાગે કરી લીધી છે. નોટિસની સમય મર્યાદા બાદ બાકીદારોના નળ જોડાણ કાપી નાખવા સુધીના પગલા લેવાશે.હાલ પાટનગર યોજના વિભાગને પાણી વિતરણમાં વાર્ષિક૧૮ કરોડની ખોટ થાય છે.

પાણી શાખાના ઇજનેરી સુત્રો પ્રમાણે શહેરમાં પાણી વ્યવસ્થાપન પાછળ સરકાર વર્ષે ૨૨ કરોડથી વધુ ખર્ચ કરે છે. તેની સામે પાણી વેરા પેટેની આવક માંડ ૪ કરોડ જેટલી થતી હોવાથી પુરેપુરી વસુલાત આવે તે જરૂરી છે. પુરી વેરા વસુલાત કરવા નાણાં અને મહેસુલ વિભાગ સમયાંત્તરે તાકીદ કરે છે. ત્યારે આ વર્ષે પણ બાકી વેરા વસુલાત માટેની પ્રક્રિયા શરૂ કરાઇ છે. વિભાગે શહેરના તમામ ગ્રાહકોને પાણી વેરાના બિલ મોકલાવ્યા પછી નિયત રકમ ભરવા માટે પુરતો સમય આપ્યો હતો. છતાં સંખ્યાબંધ ગ્રાહકોએ બિલના નાણાં ચુકવ્યા નથી. પરિણામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

જેઓ પાસેથી પાણી વેરા પેટે ૧ હજારથી વધુની રકમ વસુલવાની બાકી છે, તેવા ગ્રાહકોને નોટિસ આપવાની સાથે નાણાં ભરપાઇ કરવા યોગ્ય સમય અપાશે. મુદત સુધીમાં જેઓ સરકારી લેણું નહીં ચૂકવે તેઓના નળના જોડાણ કાપી નાખવાની સુચના અપાઇ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમગ્ર મહાપાલિકા વિસ્તારમાં ૨૪ કલાક પાણી આપવાની યોજનાનો સમાવેશ કરાયો છે અને અમલ થવાનો છે. પરંતુ તેમાં મીટર પ્રથા લાગુ થવાની હોવાથી અધિકારીઓ કહે છે, કે વપરાશકર્તાઓ આપોઆપ સુધરી જશે તેમ જણાવ્યુ હતુ.

પાટનગરમાં માથાદીઠ દરરોજ ૨૫૩ લીટર પાણી અપાય છે. હકિકતમાં માથાદિઠ પાણીના વપરાશની સર્વ સામાન્ય મર્યાદા ૧૪૦ લીટરની નિયત કરાયેલી છે. વધુ પાણી વાપરતા હોવા છતાં ઘણા પરિવાર વેરાની મામુલી રકમ ચૂકવવામાં સીનાજોરી કરે છે.

Previous articleઅમદાવાદમાં ઝરમર વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા, રસ્તાઓ પણ ધોવાયા
Next articleસચિવાલયના દરવાજા પાસે કારમાં કપલને કઢંગી હાલતમાં જોઈ મહિલા IAS અધિકારી શરમમાં મુકાયા