હવે એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી વધી ગઈ!

517

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડાતો હોય છે ત્યારે પોલીસથી બચવા માટે બુટલેગરો અને ખેપીયાઓ હવે દારૂની હેરાફેરી માટે એસટી બસનો ઉપયોગ કરી રહયા છે ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસે વાહનચેકીંગ દરમ્યાન એસટી બસમાંથી મુસાફરને વિદેશી દારૂની ૧૩ બોટલ અને ચાર બિયર સાથે ઝડપી પાડયો હતો. દારૂ અને બિયર મળી કુલ પાંચ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસતો હોય છે. પોલીસ દ્વારા આ દારૂને પકડવા માટે અવનવા પ્રયાસો પણ કરવામાં આવતાં હોય છે તો તેની સામે બુટલેગરો પણ કોઈપણ સંજોગોમાં પોલીસને થાપ આપી દારૂ ઘુસાડવા માટે નવા નવા નુસખા અપનાવતાં હોય છે. અત્યાર સુધી ખાનગી લકઝરી બસમાં દારૂની હેરાફેરી થતી હતી ત્યારે પોલીસના વાહનચેકીંગ દરમ્યાન આવા ખેપીયાઓ પકડાઈ પણ જતાં હતાં.

ત્યારે હવે દારૂની ખેપ કરતાં શખ્સો સલામત સવારી એસટી હમારી..નું સ્લોગન ધરાવતાં ગુજરાત એસટી બસનો ઉપયોગ કરી રહયા છે અને રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી બસમાં મુસાફરના સ્વાંગમાં બેસી દારૂ અને બિયરની બોટલ લાવી રહયા છે ત્યારે આ દારૂને પકડવા માટે પણ પોલીસે બસોનું ચેકીંગ પણ શરૂ કર્યું છે. જેમાં ચંદ્રાલા પાસેથી એસટી બસમાંથી દારૂ સાથે શખ્સને પકડવામાં સફળતા પણ મળી છે.

ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે જીજે-૧૮-ઝેડ-૫૧૬૮ નંબરની એસટી બસ આવતાં તેને ઉભી રાખી હતી અને તેમાં મુસાફરોના સામાનની તપાસ શરૂ કરી હતી ત્યારે બસમાં બેઠેલા એક યુવાનની પાસે રહેલા થેલામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૧૩ બોટલ અને ચાર બિયરની બોટલ મળી આવી હતી. જે યુવાનનું નામ પુછતાં દીલીપ બાબુજી ચૌધરી રહે.સે-ર૪, પીળો પટ્ટો, મેલડી માતાના મંદિર પાસેનો હોવાનું બહાર આવ્યું હતું અને આ યુવાન ઉદયપુરના ઠેકા ઉપરથી દારૂ લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

Previous articleશેરબજારમાં અવિરત તેજી : વધુ ૧૪૭ પોઇન્ટનો સુધારો નોંધાયો
Next articleબિલ્ડરનું અપહરણ કરીને ૫૦ લાખની ખંડણી માંગવા આવેલા ૩ પકડાયા