વિધવા સહાય ચૂકવવાની કામગીરીમાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજયમાં મોખરે

476

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં વિધવા બહેનોના પુનઃ સ્થાપન અંગેની વિધવા સહાય યોજના અન્વયે ઠરાવ કરવામાં આવ્યો. જે અંતર્ગત ૨૧ વર્ષથી મોટી ઉંમરના પુત્ર હોય તેવી વિધવા બહેનોને પણ વિધવા સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી.તેમજ સહાયનું ધોરણ રૂ.૧૦૦૦ ને બદલે રૂ.૧૨૫૦ કરવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો.

ભાવનગર જિલ્લા વહીવટી તંત્રએ પણ સરકારના આ સંવેદનશીલ નિર્ણયને એટલી જ સંવેદના થી ઝીલ્યો.જિલ્લા કલેકટર હર્ષદ પટેલ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં તમામ મામલતદારોને વિધવા બહેનોને વિધવા સહાયનો લાભ તાત્કાલિક મળી રહે તે માટે ’ખાસ ઝૂંબેશ’ રૂપે કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી.જે અન્વયે તમામ તાલુકાઓમાં તાલુકા દીઠ ૩ થી ૧૫ જેટલી ટીમો બનાવવામાં આવી.જેણે દરેક તાલુકાઓમાં વિધવા સહાય અંગેના ખાસ કેમ્પોનું આયોજન કર્યું.વહીવટી તંત્રની ઝડપભેર કામગીરી શરૂ થતાની સાથે જ તા.૧/૪/૨૦૧૯ થી તા.૩૧/૭/૨૦૧૯ દરમ્યાન ભાવનગર જિલ્લામાં ૧૫,૬૧૪ અરજીઓ તંત્રને મળી. અત્રે ઉલ્લેખનીય છે કે આવેલ અરજીઓનો આ આંકડો સમગ્ર રાજ્યનાં દરેક જિલ્લાઓમાં સૌથી મોખરે છે.આટલા મોટા પ્રમાણમાં અરજીઓ મળેલ હોય તેમજ નવી અરજીઓની આવક પણ સતત ચાલુ હોય જિલ્લા કલેકટરશ્રી તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રએ રાત દિવસ એક કરી ખૂબ જ ટૂંકાગાળામાં આવેલ અરજીઓની ચકાસણી કરી તેમાંથી ૧૪,૩૬૯ અરજીઓ મંજૂર કરી અને તા.૨/૮/૨૦૧૯ એટલે કે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસથી વિધવા બહેનોને માસિક સહાય યોજના હેઠળ લાભ આપવાનું શરૂ કરવામાં આવ્યું.આમ,સમગ્ર રાજ્યમાં હકારાત્મક અભિગમ કેળવી સૌથી ઝડપભેર અને સૌથી વધુ લાભાર્થીઓને લાભાન્વિત કરી જિલ્લા વહીવટીતંત્રએ સરકારના સંવેદનશીલ અને પારદર્શક અભિગમને ઝીલ્યો. આ કામગીરીની રાજ્યનાં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી એ પણ નોંધ લીધી અને કલેકટર હર્ષદ પટેલ તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને શુભસંદેશ પાઠવી સમગ્ર કામગીરીને બિરદાવી.

Previous articleદુધાળા ખાતે વતનપ્રેમી દાતાઓના સહયોગથી નિર્મિત જળાશયનું લોકાપર્ણ
Next articleરેલ્વે સ્ટેશનોમાં મુસાફરોની સુવિધાઓનું સાંસદ ભારતીબેનના હસ્તે લોકાપર્ણ