શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતની ઈલાવેનિલે ગોલ્ડ મેડલ જીત્યો

502

રિયો ડી જાનેરિયોમાં રમાઈ રહેલી શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતની સુવર્ણ શરૂઆત થઈ છે. ભારતીય મહિલા નિશાનેબાજ ઈલાવેનિલ વાલારિવાનએ ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ૨૦ વર્ષની ઈલાવેનિલનો સીનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં આ પહલો ગોલ્ડ મેડલ છે. તેણે ૨૫૧.૭ પોઇન્ટ મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં ભારતની અંજુમ મૌદગિલ ૧૬૬.૮ પોઇન્ટ મેળવીને છઠ્ઠા સ્થાને રહી. આ પહેલા અપૂર્વી ચંદેલા ફાઇનલ સુધી ક્વોલિફાય કરવાથી ખૂબ મામૂલી અંતરથી ચૂકી ગઈ હતી. તે ક્વોલિફાય રાઉન્ડમાં ૧૧માં સ્થાને રહી હતી.

ભારતે આ ઇવેન્ટમાં ૨૦૨૦માં ટોક્યોમાં યોજનારા ઓલિમ્પિકમાં કોટાના સૌથી વધુ બે સ્થાન સુરક્ષિત કરી લીધા છે. એવામાં દસ મીટર એર રાઇફલમાં વધતી સ્પર્ધાએ ભારત માટે રાહતભર્યા સમાચાર આપ્યા છે. ઈલાવેનિલ અને અંજુમે બુધવારે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યુ હતું.

ઈલાવેનિલે ૬૨૯.૪ પોઇન્ટ મેળવ્યા જ્યારે અંજુમે ૬૨૯.૧ પોઇન્ટ મેળવ્યા. અપૂર્વી ૬૨૭.૭ પોઇન્ટ જ મેળવી શકી અને ૧૧માં સ્થાને રહી. ટોપ ૮માં રહેનારી નિશાનેબાજ જ ફાઇનલમાં પ્રવેશ કરે છે. શૂટિંગ વર્લ્ડ કપની આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરનારી ઈલાવેનિલ ત્રીજી ભારતીય મહિલા છે. આ પહેલા અપૂર્વી અને અંજલિ ભાગવત પણ આ સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે.

Previous articleપ્રભાસ અને અનુષ્કા પ્રેમમાં  હોવાના અહેવાલો
Next articleપ્રો કબડ્ડી : હરિયાણા સ્ટીલર્સે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્‌સને ૪૧-૨૫થી હરાવ્યું