રાજ્યભરમાં ટ્રાફિકના કઠોર નિયમોનો અમલ મોકૂફ થયો

808

મોટર વ્હીકલ એક્ટ(એમેન્ડમેન્ટ)-૨૦૧૯ના નવા નિયમો અને જોગવાઇઓનો આજે તા.૧લી સપ્ટેમ્બરથી અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજય અને દેશભરમાં એકસાથે અમલ થઇ ગયો છે. જો કે, મોટર વ્હીકલ એકટના અમેન્ડમેન્ટમાં નવા નિયમો અને જોગવાઇઓ વધુ આકરા બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને દંડનીય જોગવાઇ વધુ પડતી અને એકદમ આકરી હોઇ વાહનચાલકોમાં પહેલા જ દિવસથી ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. પરંતુ લોકોમાં ડરની લાગણી અને વ્યવહારૂ અભિગમને ધ્યાનમાં રાખી રાજય સરકાર દ્વારા હાલ પૂરતી રાજયમાં મોટર વ્હીકલ એકટના નવા નિયમો અને જોગવાઇઓની અમલવારી કરવાનું મોકૂફ રાખ્યું છે. રાજય સરકાર આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર સહિતના સત્તાધીશો સાથે ટૂંક સમયમાં જ મહત્વની બેઠક યોજી તેમની સાથે સલાહ-પરામર્શ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેશે. સરકારના આ નિર્ણયને પગલે હાલ પંદર દિવસ પૂરતી ગુજરાત રાજયના નાગરિકોને વધુ પડતા આકરા દંડ અને જોગવાઇઓમાંથી રાહત મળી છે. એટલું જ નહી, કેન્દ્ર સરકારે ઘડેલા મોટર વ્હીકલ એક્ટના અમેન્ડમેન્ટનો અમલ ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડ્‌યા બાદ કરવામાં આવશે. નવા એક્ટની નકલ મેળવી તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યા પછી જાહેરનામું બહાર પાડવામા આવશે. જેને પગલે ગુજરાતીઓને પંદર દિવસ સુધી નવા દંડ વધારાની રકમ ચૂકવવી પડશે નહીં.

મોટર વ્હીકલ એક્ટનો અમલ કરવા રાજ્યના ટ્રાફિક કમિશનર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવશે. તે મુજબ ટ્રાફિક નિયમભંગ બદલ દંડની રકમ વસુલવામાં આવશે. નવા જાહેરનામાની નકલ દિલ્હીથી મેળવવામાં આવશે. જેનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ, નાણાં વિભાગ અને ગુજરાત ટ્રાફિક પોલીસ તરફથી ચર્ચા વિચારણા કર્યા બાદ સરકાર તરફથી યોગ્ય નિર્ણય કરાશે. જેથી હાલ જુના નિયમો મુજબ જ દંડ વસુલવામાં આવશે ઉલ્લેખનીય છે કે, મોટર વ્હીકલ એકટના અમેન્ડમેન્ટની નવી જોગવાઇઓ મુજબ, દારૂ પીને ગાડી ચલાવવા પર ૧૦ હજાર રૂપિયાનો દંડ લાગશે. આ પહેલા બે હજાર રૂપિયા દંડની જોગવાઇ હતી. જોખમી ડ્રાઇવિંગ પર ૫ાંચ હજાર રૂપિયા દંડ લાગશે. ઇમરજન્સી વાહનોને જગ્યા નહી આપવા પર ૧૦ હજાર રૂપિયાનો દંડ લગાશે. જો કે, પહેલા આ દંડની જોગવાઇ હતી નહીં. ઓવર સ્પીડીંગમાં ડ્રાઇવરને લાઇટ મોટર વ્હિકલમાં રૂ.૧૦૦૦ જ્યારે ભારે વાહનોમાં ર.૨૦૦૦નો દંડ લાગશે. જો ડ્રાઇવર રેસીંગ કરતો જણાશે તો ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો વાહનનું ઇન્સ્યોરન્સ પતી ગયું હોય અને કોઇ ડ્રાઇવિંગ કરતો પકડાશે તો રૂ.૨૦૦૦નો દંડ લાગશે. વર્તમાન કાયદામાં હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પર ૨૫૦૦૦ રૂપિયાનું વળતર મળે છે. આ વળતર વધારીને ૨ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. ઘાયલ થવાની સ્થિતિમાં પહેલા ૧૨,૫૦૦ રૂપિયા વળતર હતું જે વધારીને ૫૦ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. સરકારી ડેટા પ્રમાણે લગભગ ૧.૫ લાખ જેટલા લોકો ભારતમાં દર વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેથી કેન્દ્ર સરકારે નવા નિયમો અને ફેરફાર દેશભરમાં અમલી બનાવ્યા છે.

Previous articleચંદ્રયાન-૨ : વિક્રમ લેન્ડરની ચંદ્ર તરફ કૂચ
Next articleઆનંદો…ખેડૂતો ૪ એકર વિસ્તાર ધરાવતા સર્વે નંબરમાં બીજુ વીજ જોડાણ મેળવી શકશે