આ અઠવાડીયામાં સીએનજી બસ ગાંધીનગરમાં દોડવા માટે તૈયાર

1258
gandhi7-10-2017-2.jpg

નવા રંગરૂપ તથા ૫ સરક્યુલર સહિત ૧૫ રૂટ સાથે શહેરી બસ સેવા શરૂ કરવા મહાપાલિકા તૈયાર છે. કોન્ટ્રાક્ટર દ્વારા ૨૫ સીએનજી બસ તૈયાર કરી દેવામાં આવી છે. મહાપાલિકા દ્વારા ૯મીના સવારનું મુહૂર્ત લોકાર્પણ માટે કાઢી રાખ્યુ છે. પરંતુ કોઇ મંત્રીને લોકાર્પણ કાર્યક્રમમાં લાવવા માટે મહાપાલિકાના પદ્દાધિકારીઓનાં હાથ ટુંકા પડી રહ્યાં હોવાથી તા. ૫મીની સાંજ સુધી કોઇ મંત્રીનું નામ નક્કી કરી શકાયું નથી. ઉપરાંત તારીખ ૯મીએ ભાજપની ગૌરવયાત્રાનો પણ પેથાપુરથી ચિલોડા સુધીનો કાર્યક્રમ હોવાથી જો યાત્રાનું નડતર રહેશે તો તા. ૧૦મીએ પણ લોકાર્પણ કાયક્રમ રાખી શકાય છે.
મહાપાલિકા વિસ્તારમાં તમામ સેક્ટર અને આસપાસના વિસ્તારો ચાંદખેડા, અડાલજ, પેથાપુર, ચિલોડાને આવરી લેતી બસ સેવા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવી હતી. પરંતુ સમય વિતવાની સાથે ઓસટી તંત્રની આડોડાઇ સહિતના અનેક નડતરના કારણે છ મહિના પહેલા કોન્ટ્રાક્ટરે આ સેવા બંધ કરી દીધી હતી. ત્યાર બાદ નવેસરથી બસ સેવા ચાલુ કરવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ સ્થાયી સમિતિ દ્વારા સતત ટેન્ડર રદ કરાતાં ઘણો સમય વેડફાયો હતો. આખરે યોગી એડ્‌યુટ્રાન્ઝીટ નામની કંપનીને તારીખ ૧ લી ઓગસ્ટે કામ સોંપાયુ હતું.
મહાપાલિકા દ્વારા વર્ક ઓર્ડર અપાયાની તારીખથી ૬ મહિનામાં ૫૦ નવી મીની કે મીડી બસ અને તમામ સીએનજી બસ મુકવાની શરત મુકી છે. ઉપરાંત બીજા ૬ મહિનામાં વધુ ૨૫ બસ મુકવાની શરત મુકાઇ છે.મતલબ કે એક વર્ષમાં કુલ ૭૫ નવી બસ મુકવાનું કોન્ટ્રાક્ટર માટે ફરજિયાત છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા શરૂઆતે ૨૫ બસ તૈયાર કરાઇ છે અને પ્રથમ દિવસથી જ તેને દોડતી કરાશે, તેમ સંચાલક વિરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યુ હતું. મહાપાલિકાને કોન્ટ્રાક્ટર પ્રથમ વર્ષે રોયલ્ટી રૂ.૨.૮૦ લાખ ચૂકવશે. બીજા વર્ષે ૨.૯૬ લાખ, ત્રીજા વર્ષે ૩.૨૪ લાખ, ચોથા વર્ષે ૩.૫૮ લાખ, પાંચમા વર્ષે ૩.૯૭ લાખ, છઠ્ઠા વર્ષે ૪.૪૪ લાખ અને સાતમા વર્ષે ૫ લાખ રૂપિયા ચુકવવાનો કરાર હોવાથી ૭ વર્ષમાં ૨૬ લાખ જેટલી રોયલ્ટી આવક થશે.શહેરી બસના ટિકીટના દર રૂપિયા ૫થી શરૂ થશે અને વધુમાં વધુ રૂપિયા ૨૫ લેવાશે. જે મુસાફરો માટે લાભદાયી થશે. તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યુ હતું.