દૂધસાગર ડેરીની પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ : ૧૦૦ ખાલી થેલી આપો ૧ થેલી દૂધ લઇ જાવ

473

મહેસાણાની દૂધ સાગર ડેરીએ પ્લાસ્ટિક મુક્ત અનોખી પહેલ શરૂ કરી છે. જેમાં કોઇ ગ્રાહક દૂઘસાગરનાં દૂધની ખાલી ૧૦૦ થેલી પાછી આપે તો તેની સામે નવી ૧ દૂધની થેલી મળશે. જ્યારે ૫૦ થેલી આપશો તો તમને ૧ છાશની થેલી મળશે. જેના કારણે લોકો પ્લાસ્ટિકની થેલીઓ જેમતેમ ફેંકશે નહીં. આ અનોખી પહેલથી પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ મળશે.

આ અંગે ગ્રાહકોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. ગ્રાહકો માની રહ્યાં છે કે આ અનોખી પહેલથી લોકો પ્લાસ્ટિકની થેલી જેમતેમ નહીં ફેંકે.

ગ્રાહકોમાં ઉત્સાહ છે કે અમે રોજ થેલી લઇએ છીએ તો થોડા જ દિવસોમાં અમારી પાસે ૫૦થી ૧૦૦ થેલીઓ ભેગી થાય છે. તો અમને આ પહેલનો લાભ મળશે અને અમે પ્લાસ્ટિકની થેલી તેમને પાછી આપીશું.

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિકના ઉપયોગ સામે એક મહાભિયાન ચલાવવાની હાકલ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ વખતની મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીએ ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા તરફ પ્રયાસો થવા જોઇએ. સાથે જ આ અભિયાનમાં મ્યૂનિસિપાલિટી, એનજીઓ અને સહકારી ક્ષેત્ર આગળ આવે. માસિક મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા સમયે મોદીએ આ સંદેશો આપ્યો હતો. તેમણે સાથે આ વર્ષે ૧૧મી સપ્ટેમ્બરે શરૂ થનારા સ્વચ્છ હી સેવા કાર્યક્રમમાં મોટા પાયે લોકોને ભાગ લેવાની અપીલ કરી હતી.

Previous articleક્રિસ્ટલ, રિલાયન્સ અને ડીમાર્ટ મોલમાંથી મચ્છરના પોરા મળ્યા, ૨૨,૫૦૦નો દંડ ફટકાર્યો
Next article૭૦ વર્ષ જૂના જર્જરિત મકાનો તોડતા તંત્ર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ