પીવી સિંધુને વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ દરમિયાન માર્ગદર્શન કરનારી ભારતની મહિલા સિંગલ બેડમિન્ટન કોચ દક્ષિણ કોરિયાની કિમ જી હ્યૂને વ્યક્તિગત કારણોથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટોક્યો ઓલિમ્પિકમાં હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે અને તેવામાં ભારતે ઝડપથી તેનો વિકલ્પ શોધવો પડશે.
બુસાનમાં રહેનારી ૪૫ વર્ષની કિમે પોતાના પતિ રિચી મેરની પાસે ન્યૂઝીલેન્ડ જવું પડ્યું જેને થોડા દિવસ પહેલા ’ન્યૂરો સ્ટ્રોકનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બેડમિન્ટન એસોસિએશને (બીએઆઈ) આ વર્ષે કિમ સાથે કરાર કર્યો હતો અને તેના માર્ગદર્શનમાં જ સિંધુએ સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.’ભારતના મુખ્ય રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદે જણાવ્યું, ’તે સત્ય છે, કિમે રાજીનામું આપી દીધું છે, કારણ કે તેના પતિ ખુબ બીમાર છે. વિશ્વ ચેમ્પિયનશિપ દરમિયાન તેમને ન્યૂરો સ્ટ્રોકનો સામનો કરવો પડ્યો. તેથી તે પરત ફરી હતી. તેણે તેના પતિનું ધ્યાન રાખવું પડશે, કારણ કે તેને સામાન્ય થતાં ચાર-છ મહિનાનો સમય લાગશે.’ સિંધુએ કહ્યું કે તેની પાસે હવે કિમ સિવાય આગળ વધવાનો કોઈ બીજો વિકલ્પ નથી. સિંધુએ કહ્યું, ’આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કિમે આ સમયે જવું પડ્યું… આશા કરૂ કે તેમના પતિ ઝડપથી સ્વસ્થ થઈ જાય.’

















