ડેરેન લિયૂને હરાવી ભારતીય શટલર કશ્યપનો કોરિયા ઓપનના ક્વાર્ટફાઇનલમાં પ્રવેશ

609

ભારતીય શટલર પારુપલ્લી કશ્યપ ગુરુવારે કોરિયા ઓપનની ક્વાર્ટફાઇનલમાં પહોંચ્યો હતો. તેણે મેન્સ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટફાઇનલમાં મલેશિયાના ડેરેન લિયૂને ત્રણ ગેમમાં હરાવ્યો હતો. કશ્યપે આ મુકાબલો ૨૧-૧૭, ૧૧-૨૧, ૨૧-૧૨થી ૫૬ મિનિટમાં જીતી લીધો હતો. તેનો આગામી મુકાબલો ઇન્ડોનેશિયાના એન્ટોની સિનિસુકા અને ડેનમાર્કના જાન ઓ જોર્જસન વચ્ચેની મેચના વિજેતા સાથે થશે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૪માં ગોલ્ડ મેડલ જીતનાર કશ્યપ આ ટૂર્નામેન્ટમાં ભારતની મેડલ માટેની એકમાત્ર આશા છે. તેની પહેલા વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ અને સાઈના નહેવાલ બુધવારે પ્રથમ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટની બહાર થઇ ગઈ હતી.

ભારતીય શટલર પીવી સિંધુ બુધવારે કોરિયા ઓપનના પહેલા રાઉન્ડમાં જ બહાર થઇ હતી. સિંધુને અમેરિકાની ઝેંગ બેઈવેને હરાવી હતી. ઝેગે આ મેચ ૭-૨૧, ૨૪-૨૨, ૨૧-૧૫થી પોતાના નામે કરી હતી. બીજી તરફ સાઈના નહેવાલ પણ પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ હતી. નહેવાલની મેચ કોરિયાની કિમ ગે સામે હતી. તે પ્રથમ ગેમ ૨૧-૧૯થી જીત્યા બાદ બીજી ગેમ ૧૮-૨૧થી હારી ગઈ હતી, અને રિટાયર્ડ હર્ટ થઇ ત્યારે અંતિમ ગેમમાં ૧-૮થી પાછળ હતી.

Previous articleટીમમાં ઓપનિંગ કરવા મારે કરગરવું પડ્યું હતું : તેંદુલકર
Next article૩૧ ડિસેમ્બરે નિવૃત્ત થશે સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવતઃ ત્રણ નામ રેસમાં