જાહેર સંસ્થા

1120

સામાજિક,ધાર્મિક કે શૈક્ષણિક ઉદ્દેશોને હાંસલ કરવા જાહેર સંસ્થાઓ અસ્તિત્વમાં આવતી હોય છે. આવી સંસ્થાઓમાં મુખ્ય બે તત્વોનું મિશ્રણ જોવા મળે છે.

(૧) ભૌતિકઃ- જેમાં જમીન,પાણી,વીજળી,મકાન અને સાધન-સામગ્રી તેમજ ફર્નિચરનો સમાવેશ થાય છે.

(૨) માનવીયઃ- કાર્યકર,ટ્રસ્ટી,કર્મચારી કે લાભાર્થીનો સમાવેશ થાય છે.

ભૌતિકઃ કોઈ પણ જાહેર સંસ્થાએ તેની જરૂરિયાત કરતા પોતાના હેતુ વિરુદ્ધ જમીન, પાણી,વીજળી,મકાન અથવા સાધન-સામગ્રી કે વધુ પડતુ ફર્નિચરનો વસાવવુ ન જોઈએ. કારણ બિનજરૂરી સંપત્તિ વસાવાથી તેનો હેતુ વિરુદ્ધ ઉપયોગ થવાનું જોખમ ઊભું થાય છે. કોઈવાર આવી સંપત્તિમાંથી ભાડાની આવક મેળવવામાં આવે છે. પરિણામે સંસ્થા સેવાનું ક્ષેત્ર છોડી ધંધાદારી હિત સાધવા કામે લાગી જાય છે. આવી આવક વધારવા સંસ્થા બિનજરૂરી મિલકતોનો બોજો ઊભો કરે છે. કોઈવાર તેના હીસાબોમાં પારદર્શકતા જળવાતી નથી. અંગત હિત કે લાભ લેવા પોતાનો માર્ગ ભૂલી આર્થિક ફાયદો ઉઠાવવા કલ્યાણના ક્ષેત્રે સુંદર કાર્ય કરતી સંસ્થા ભટકી જાય છે. કેટલીકવાર ઘણી સંસ્થાઓ ધંધાદારી ઉદ્દેશો પાર પાડવા કામે લાગી જાય છે. મારી દ્રષ્ટિએ સેવાનું ક્ષેત્ર છોડી ધંધાદારી બનેલી સંસ્થા પોતાનો નૈતિક અધિકાર ગુમાવે છે. હેતુથી ભટકેલી સંસ્થાને જાહેર સંસ્થા તરીકે કાર્ય કરવાનો નૈતિક અધિકાર રહેતો નથી. બીજી તરફ જે સંસ્થાનું માનવીય પાસું નબળું હશે તે સંસ્થા પ્રગતિ કરી શકશે નહીં. ટ્રસ્ટી, કાર્યકર કે કર્મચારી નિષ્ઠાવાન હોય તે સંસ્થા જ પ્રવૃતિનું સામ્રાજ્ય સ્થાપી શકે છે. લાભાર્થી પણ પોતાની જરૂરિયાત કરતા વધુ સંસ્થાની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાની વૃતિ ધરાવતો ન હોવો જોઈએ. લાભાર્થીનો સંબંધ સંસ્થાની યોજનાકીય ફાયદો ઉઠાવવા પૂરતો સીમિત ન રહેવો જોઈએ. કોઈ પણ જાહેર સંસ્થાના કાર્યક્રમ ધંધાદારી કે આર્થિક ફાયદો ઉઠાવાના ઉદ્દેશથી જ માત્ર યોજવા ન જોઈએ. આર્થિક ફાયદા માટે કાર્યરત સંસ્થા જાહેર ફલક પર ટકી શકશે નહીં. કારણ હેતુલક્ષી કાર્યક્રમ જનતાના અંતર પ્રદેશમાં સ્થાન પામી શકતો નથી.

જાહેર સંસ્થાઓએ પોતાના બંધારણીય ઉદ્દેશોને વળગી રહેવું જોઈએ. તેમાં ખાનગી કે પેઢીગત વલણનો પ્રવેશ સંસ્થાને વેરવિખેર કરી નાખે છે. કોઈવાર સંસ્થા પોતાનું અસ્તિત્વ ગુમાવે છે. સમય જતા સંસ્થાએ વસાવેલી સંપત્તિ કે મિલકત માટે ઝગડા ઊભા થાય છે. મહાત્મા ગાંધીના મતે જરૂરિયાત કરતા માલ, મકાન, મિલ્કત વધુ વસાવનાર સંસ્થાના કાર્યકરોમાં નાની મોટી બાબતોમાં મતભેદ ઊભા થવા લાગે છે.

આદર્શ સંસ્થા તેના હેતુઓને સફળ બનાવવા પોતાનું આયોજન તૈયાર કરતી હોય છે. તેમજ બંધારણીય ઉદ્દેશોને પહોંચી વળવા સંકલન કરી શકે,તેવા લીડરની પસંદગી વિચાર વિનિમય દ્વારા ગુણ-દોષના આધારે કરવાની પદ્ધતિ અપનાવે છે. પરિણામે પ્રગતિના માર્ગે દોડતી સંસ્થાઓમાં ખટરાગનું દૂષણ પ્રવેશી શકતું નથી. જ્યાં સુધી સંસ્થામાં સત્તાની ભૂખના ભિખારીનું આગમન થતું નથી, ત્યાં સુધી દરેક સંસ્થાની ગાડી પ્રગતિના પાટે દોડતી રહે છે. કોઈવાર એકાદ સત્તાનો લાલચુ વ્યક્તિ સંચાલન સમિતિમાં યેનકેન રીતે પણ ઘુસવામાં સફળ થઈ જાય તો સંસ્થાનો સૂર્ય, અસ્ત પામવા લાગે છે.

છેલ્લા ઘણાં વર્ષોથી હું જુદી-જુદી સંસ્થાઓની સમિતિઓમાં મારી સેવા આપું છું. તેમાં અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા મુખ્ય છે. મારા કાર્યક્ષેત્રની દરેક સંસ્થાઓના અનુભવનું વર્ણન કરવાનું આ મંચ નથી. તેમ છતાં મારી અનુભવની મહાશાળા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના થોડા યાદગાર પ્રસંગોને આવરી લઈ અનુભવગાથાની પ્રેરક બાબતો જાહેર સંસ્થાઓના ઉત્તમ અને સફળ સંચાલન માટે મૂકવા ઈચ્છું છું.

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રવ?ત્તિઓનું ચાલકબળ પૂરવાર થઈ શકે તેવા આશયથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જુદી-જુદી જવાબદારીઓ ઉઠાવવા અલગ અલગ પ્રવ?ત્તિના મોનિટર બનાવી લીડરશિપના ગુણ ખીલવવામાં આવે છે. જેનું પરિણામ પણ દેખાય છે. પ્રતિ વર્ષે શાળા દ્વારા યોજાતા વિશિષ્ટ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ ચાવીરૂપ પોતાની ભૂમિકા ભજવે છે. ગુરુપૂર્ણિમા કે અન્ય તહેવારોની ઉજવણીમાં પણ વિદ્યાર્થીઓની નેતૃત્વ શક્તિના દર્શન થાય છે. ખાસ કરીને નવરાત્રી મહોત્સવ તેમાં મોખરે છે. નવ દિવસનું આગવું આયોજન કરી શાળાના વિદ્યાર્થીઓએ અદ્ભુત સંગઠનશક્તિનું પ્રમાણ આપ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી સુંદર આયોજન કરી  લોકશાહી પ્રણાલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓની શોધ તેઓ જાતે જ કરી લઈ યોગ્ય વિદ્યાર્થીને કાર્યક્રમની ઉદ્ઘોષણા અને અન્ય કામ સોંપી કાર્યક્રમમાં પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીને તક આપે છે. લગભગ રોજ નવા ઉદ્ઘોષક માણવા મળતા હોય છે. જે તે વ્યક્તિની પસંદગી નીમેલી સમિતિ યોગ્ય માપદંડના આધારે કરતી હોય છે. આવી પસદગીમાં મને આજ સુધી જૂથવાદ કે વ્યક્તિવાદ નજરે પડ્યો નથી. પસંદગીના ધોરણો કે માપદંડ સાથે કોઈ સમાધાન પણ કરવામાં આવતું નથી. આજના રાજકીય નેતાઓ કે અધિકારીઓને આ શાળાના વિદ્યાર્થીઓની આ શૈલી અમલમાં મૂકવા જેવી ખરી. જો આપણે ઉદારતાપૂર્વક આ વાતનો સ્વીકાર કરી શકીએ તો દેશનું ભાવિ પણ બદલાય શકે તેમ છે.

શાળાના નવરાત્રી મહોત્સવ ઉજવણી કાર્યક્રમના આયોજનમાં મને બાળકોની નિખાલસ વૃતિ ઠેર-ઠેર જોવા મળી છે. ચાવીરૂપ ભૂમિકા અદા કરતા વિદ્યાર્થીઓ તટસ્થ પસંદગી કરવા વિદ્યાર્થીઓની સમિતિ વિચારવિનિમય કરી હંમેશા નિર્ણય લે છે. તે જોઈ હું ખૂબ ખુશીની લાગણી અનુભવું છું. વિદ્યાર્થીઓની નિષ્પક્ષ મૂલ્યાંકન પદ્ધતિ દાદ માગી લે તેવી છે. આ પ્રણાલી મારી દ્રષ્ટિએ કોઈ પણ રાષ્ટ્રની દીવાદાંડી પૂરવાર થઈ શકે તેવી છે. આજ-કાલ ભાઈ-ભત્રીજાવાદ ફાલ્યો ફુલ્યો છે, ત્યારે પ્રજ્ઞાલોકના અંતરના અજવાળે આગળ ધપતા વિદ્યાર્થીઓ મને અને તમને ઘણું શીખવી જાય છે. હું સંસ્થાની આ સંપત્તિને મૂલ્યવાન સમજું છું. અબજો રૂપિયાના બેંક-બેલેન્સ કરતા અન્યની સુષુપ્ત શક્તિઓને ઓળખી તેના વિકાસને વેગ આપવા વિદ્યાર્થીઓની સમિતિ પ્રતિભા અને કર્મનિષ્ઠની ખોજને મહત્ત્વ આપે છે. તેને હું લોકતંત્રની ખરી નીવ સમજું છું. આ  કાર્યને આગળ ધપાવવા પોતાની જાતને પણ અલાયદી રાખવી સરળ નથી. મૂલ્યોનું નિર્માણ કરવા જે સંસ્થા વિદ્યાર્થીઓનું ઘડતર કરવામાં સફળ નીવડે છે. તે સંસ્થાનો ખજાનો વધુ ચડિયાતો અને કિંમતી છે. જાહેર સંસ્થાની આ ખરી સંપત્તિ કે ધન ગણાય છે. સરકારને જાહેર ટ્રસ્ટો કે સંસ્થાઓ પર નિયંત્રણ મૂકવા કાયદાઓ ઘડવા પડે, તે ચિંતન માગી લે તેવી બાબત છે. કારણ કે જાહેર સંસ્થા પોતે કોઈ ચોક્કસ હેતુ માટેની વ્યવસ્થા છે. સરકારની જેમ તે દેશના નાગરિકોના કલ્યાણ માટે કાર્ય કરતું એક તંત્ર છે, તેથી જાહેર સંસ્થાઓએ પીડિતોના ઉત્થાન અર્થે કાર્ય કરવાનું હોય છે. વળી, આવી જવાબદારી સંસ્થાઓએ સ્વયમ સ્વીકારી હોવાથી નૈતિક મૂલ્યોનું જતન કરવું જોઈએ. ઘણી સંસ્થાઓમાં સત્તા હાંસલ કરવા કાર્યકરોમાં વિગ્રહ થતો હોય છે. ન્યાયાલય સુધી કોઈવાર મામલો પહોંચી જતો હોય છે. ખરેખર, આ ધન કમાવવાનું એકમ નથી, બીજા શબ્દોમાં કહુ તો સત્તાનો સંગ્રામ પણ નથી, સેવાનું ધામ છે. અહીં પીડિતોના આંસુ લૂછવાની હોડ લાગવી જોઈએ. હરીફાઈ અન્ય સાથે નહીં ખુદ સાથે થવી જોઈએ. કેટલીક સંસ્થાઓમાં સેકંડ હરોળના અભાવે મહાકાય ભવનો અને સાધનો ધૂળ ખાય છે. કેટલીક સંસ્થાઓ નામશેષ થઈ રહી છે, ખરેખર કોઈ પણ દેશની ખરી ઓળખ જાહેર સંસ્થાઓ હોય છે. તેથી સરકારે જાહેર સંસ્થાઓને જીવંત રાખવા પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. દેશના વિકાસમાં જાહેર સંસ્થાની ઘણી મોટી ભૂમિકા રહેલી છે. આ વાત દેશના દરેક નાગરિકોએ યાદ રાખવી પડશે. જે કામ સરકાર કરી શકતી નથી, તે કામ જાહેર સંસ્થાઓ કરી બતાવતી હોય છે. અંગત સ્વાર્થ માટે ખોલવામાં આવતી સંસ્થાઓને ઓળખી લઈ ઘઉંમાંથી કાંકરાની જેમ અલગ પાડી દૂર કરવી પડશે. જરૂર પડયે કાનૂની સુધારો દાખલ કરી પગલાં ભરવા પડશે. સરકાર સાબદી બની જાહેર સંસ્થાઓના વિકાસ માટે કાર્ય કરશે તો પ્રજા કલ્યાણનાં હિતને વરેલા આપણા દેશને જરૂર લાભ થશે. સરકારે આ માટે પોતાની ઉદાર નીતિ અમલમાં મૂકવી પડશે. ધંધાદારી બનેલી જાહેર સંસ્થાઓ પર નિયંત્રણ પણ મૂકવું પડશે. કાર્યકરોની નવી ટીમ ઊભી થતી રહે તેવા શૈક્ષણિક અભ્યાસક્રમો પણ ઘડવા પડશે. રાષ્ટ્રીય સેવા યુનિટના વિકાસ માટે ખાસ નીતિ તૈયાર કરવી પડશે. જાહેર સંસ્થાઓ પૈકી આપણે શૈક્ષણિક સંસ્થાઓના પરીપેક્ષમાં વિશેષ પ્રકાશ પાડવા નમ્ર પ્રયાસ કર્યો છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના માનવીય તત્વના તમામ વર્ગના લોકોએ આગળ જણાવ્યા મુજબ પોતાનો રોલ નિભાવવો પડશે. ધાર્મિક સંસ્થાઓએ પણ લોકોની આસ્થા યાચના ભાવથી મળેલી ધન-સંપત્તિનો જે તે ધાર્મિક સ્થળના વિકાસમાં કરતા રહેવું જોઈએ. આવી રકમ દર્દીઓના કલ્યાણ પાછળ પણ ફાળવી શકાય. શાળા-કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સગવડ કે શિક્ષણ માટે અનામત રાખી તેના નિભાવનો પ્રબંધ ગોઠવી શકાય. મેડિકલક્ષેત્રમાં ઘણી મોટી રકમનીઁ જરૂર પડતી હોય છે. ધાર્મિક સંસ્થાઓ પોતાનું ભંડોળ વધારવાના બદલે સામાજિક, આરોગ્ય અને શૈક્ષણિક હેતુઓ માટે મૂડીનો ખર્ચ કરી શકે છે. પોતાની મૂડી જે સંસ્થા મેડિકલ અને શૈક્ષણિક ઉદ્દેશોને પહોંચી વળવા ખર્ચ કરવા તત્પર રહે છે, તે સંસ્થા લોકોના દિલમાં રાજ કરે છે. હું આવી સંસ્થાઓને સરકારી તંત્રથી પણ ઉપર સમજું છું. જાહેર સંસ્થા શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક અને આરોગ્યના કાર્યો કરવા અસ્તિત્વમાં આવતી હોય છે. તેથી કોઈ પણ જાહેર સંસ્થાના ભંડોળની રકમ પ્રજા કલ્યાણ માટે વાપરવામાં આવે તેવી પ્રણાલી સંચાલકોએ દાખલ કરવી જોઈએ.

જોકે રાજકીય સંસ્થાઓ પણ જાહેર સંસ્થાનો જ એક હિસ્સો ગણાય છે. પરંતુ તેની પાસે કોઈ મૂલ્યોની અપેક્ષા રાખી શકાય તેમ નથી. તેથી તેના પર ચર્ચા કરવાનું ટાળ્યું છે. મને તેમ કરવાનું ઉચિત લાગે છે, કારણ કે રાજકીય સંસ્થાઓનો હેતુ સત્તા પ્રાપ્ત કરવાનો હોય છે. તેથી મૂલ્યોની જળવણી કરવાની રાજકીય સંસ્થાઓની રુચિ હોતી નથી. શામ, દામ, દંડ, ભેદ તેમનો ગોલ હોય છે. “વર મરો,કન્યા મરો, મારું તરભાણું ભરો” ઉક્તિ રાજકીય સંસ્થાઓનું સૂત્ર હોય છે. સત્તા મેળવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા મૂલ્યોનું ગળું ટૂપતા રાજકીયપક્ષો ખચકાતા નથી. તેથી હું રાજકીય સંસ્થા લોકશાહી વ્યવસ્થાને વરેલું સંગઠન હોવા છતાં તેને જાહેર સંસ્થા તરીકે ઓળખાવવા ઇચ્છતો નથી. ટૂંકમાં,જાહેર સંસ્થાઓએ તેના લાભાર્થીના કલ્યાણ માટે તેના બંધારણીય હેતુ મુજબ કાર્ય કરતા રહેવું જોઈએ. કારણ…

જાહેર સંસ્થા એટલેઃ

લોકોની અપેક્ષાનું પોટલું.

જાહેર સંસ્થા એટલેઃ

હિસાબ-કિતાબનો દસ્તાવેજ.

જાહેર સંસ્થા એટલેઃ

પીડિતોની સેવાનું ધામ.

જાહેર સંસ્થા એટલેઃ

કર્મનિષ્ઠાની પાઠશાળા.

જાહેર સંસ્થા એટલેઃ

વાતચીત,સંવાદ,માન-સન્માન અને માનવ શક્તિની પરખ.

જાહેર સંસ્થા એટલેઃ

માનવ કલ્યાણનું જીવતું જાગતું મંદિર.

જાહેર સંસ્થા કોઈની જાગીર નથી, કોઈની પેઢી પણ નથી.

દરેક જાહેર સંસ્થાનો “બહુજન સુખાય બહુજન હિતાય”નો મંત્ર ગુંજતો રહેવો જોઈએ. ગગનભેદી મંત્રનો નાદ ઘણી જાહેર સંસ્થાઓ  ગુંજતો રાખી રાષ્ટ્રની અમૂલ્ય સેવા કરી રહી છે. તે દરેક સંસ્થાઓને મારા શત-શત વંદન…

Previous articleભાવનગરના ઉદ્યોગપતિ દેવેનભાઈ શેઠનું પર્યાવરણ રક્ષા બદલ સન્માન કરતી  નિજાનંદ પરિવાર સંસ્થા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે