વચનામૃત – અદ્વિતીય ધર્મશાસ્ત્ર

662

આજે મનને ગલગલિયા કરાવતાં વર્ણનથી ભરપૂર રાતોરાત વેચાઈ જતી નવલકથાઓ અને વાર્તાઓની ભરમાર છે. એવા જ નાટકો, સિરિયલો અને ફિલ્મોનું વાવાઝોડું છે. આ સ્વચ્છંદતા પ્રેરતા પરિબળો આપણી ભીતર પડેલી નૈતિકતાને, આપણા કુંટુંબમાં પડેલી આધ્યાત્મિકતાને ઠોકરે મારે છે.

ઘણું વાંચવું તે કરતા થોડું પણ શ્રેષ્ઠ વાંચવું તે ઉત્તમ છે. નહીં તો વિવિધ વિચારકોની સબળી-નબળી, સૈદ્ધાંતિક-બિનસૈદ્ધાંતિક ગરબડોવાળી વાતો વાંચી-વાંચીને ઘણા સારા મુમુક્ષુઓ પણ ઘર કે ઘાટ વિનાના પશુની સ્થિતિમાં પ્રવેશી જાય છે.

પુસ્તક એ છે, જે આપણા અભિગમને ઊચ્ચ અને સ્પષ્ટ બનાવે, આપણને સત્ય સાથે અને સિદ્ધાંત સાથે જોડે !

યુનેસ્કોના બંધારણમાં એક સરસ વાત લખી છે કે ‘યુદ્ધનો ઉદ્ભવ પ્રથમ – માણસના મનમાં થતો હોય છે. આથી શાંતિનું સર્જન પ્રથમ ભીતરમાં થવું જોઈએ.’ અને આ હેતુ સિદ્ધ કરવામાં ઉત્તમ પુસ્તકોનું યોગદાન અનન્ય છે ! આવો જ ઉત્તમ-અનન્ય ગ્રંથ, આપણા અંતરને અજવાળતો દીપસ્તંભ, એ છે ‘વચનામૃત !’

આજે ઈતિહાસકારો ૧૮મી સદીને ‘અંધકાર યુગ’ કહે છે. આમ, પણ એ યુગ તેલના દીવાથી અજવાળી થતી રાત્રિનો યુગ હતો. ભગવાન સ્વામિનારાયણની વય જ્યારે ૩૪ વર્ષની હતી. ત્યારે સર જ્હોન ડેવીએ છેક ઈંગલેન્ડમાં ફાનસની શોધ કરેલી(સને ૧૮૧૫) અને વિદ્યુતધારાના પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે, એ સિદ્ધાંત માઈકલ ફેરેડેએ આપ્યો.

આવા સમયમાં મશાલો, દીવાઓને અજવાળે જાડા માવામાંથી બનેલા શાહી ફેલાવતા કાગળો પર, ભગવાન સ્વામિનારાયણનાં પ્રવચનોને તાત્કાલિક લખી લેવા માટે સંતોએ કેટલી તત્પરતા, કેટલી જાગૃતિ રાખવી પડી હશે ! કેટલી માનસિક સ્વસ્થતા તથા સ્પષ્ટતા જાળવવી પડી હશે ! કેટલી અસુવિધાઓનો સામનો કરીને ચિંતનશીલતા અને મુમુક્ષુતા સાથે આ વાણીને ઝીલવી પડી હશે ! એમના અપાર દાખડા પછી સર્જાયેલો ગ્રંથ એટલે વચનામૃત અને આ વચનામૃત ગ્રંથ એટલે ગુજરાતી ગદ્યસિદ્ધિનું શિખર.

વિશ્વકોષના સંપાદકો લખે છે, ‘સ્વામી સહજાનંદનું ગદ્ય એ સમયે પણ(સને૧૮૨૦થી સને૧૮૩૦) પદ્યસંસ્કારોથી મુક્ત બન્યું હતું. તેનું સાદું અલંકારરહિત અને સ્પષ્ટ રીતિ સાથેનું ગદ્ય વિચારોના સીધા કથનનો પ્રભાવ લાવે છે અને અર્વાચીન ભાષાસ્વરૂપના આવિષ્કારથી તે ગ્રંથ અર્વાચીન ગદ્યની દિશા ઊઘાડનાર બને છે.’ ભલે ગુજરાતી ગદ્યના પિતા તરીકેનો યશ કવિ નર્મદને જતો હોય, પણ ગુજરાતના સાક્ષર કવિ ઉમાશંકર જોષીનું નિરીક્ષણ બહુ સ્પષ્ટ છે. તેઓ લખે છે કે ‘નર્મદે કબૂલ કર્યું છે કે રેવરંડ જાર્વિસે તેમને ગદ્ય લખતા શીખવ્યું. પણ સને ૧૮૩૦માં લીલા કરી ગયેલા સ્વામી સહજાનંદની હાજરીમાં સંપાદિત થયેલો વચનામૃતનો ગ્રંથ ગુજરાતી ગદ્યસિદ્ધિનું શિખર છે !’ અંગ્રેજીની અસર નીચે નવું ગદ્ય લખાવાનું શરૂ થયું. સાથે સાથે આ ગ્રંથ એટલો જ પ્રમાણભૂતતાથી ભરપુર પણ છે.

શું તમે જાણો છો? મહાવીરની વીતરાગી વાણી અને એમની વાણીમાં ગણાતાં આગમો તેમના નિર્વાણ(મૃત્યુ) ૧૦૦૦ વર્ષ બાદ લિપિબદ્ધ થયા હતા ! છેક ઈશુની પાંચમી સદીમાં….

કુરાન મહંમદ પયગંબર પછી ૨૦ વર્ષે સંગૃહીત થયેલ છે.

બાઈબલની પ્રમાણભૂતતા વિશે આજે પણ શંકાઓ ઊપજાવતાં સંશોધનો પ્રકાશિત થતા રહ્યા છે અને ‘નવા કરાર’ તરીકે બાઈબલનો ભાગ ઈશુ ખ્રિસ્તના મૃત્યુ પછી ૩૮ વર્ષ બાદ સંપાદિત થયો છે. તે હકીકત તો વિશ્વપ્રસિદ્ધ જ છે.

આ સર્વ ગ્રંથોમાં વચનામૃતનું સ્થાન અદ્વિતીય છે. ભગવાન સ્વામિનારાયણના ઉપદેશવચનોનું શબ્દશઃ સંકલન એમની હયાતીમાં જ, તિથિ, માસ કે વર્ષની નોંધ, શ્રીહરિના શણગાર કે અન્ય પહેરવેશનો ઉલ્લેખ, ઉપસ્થિત સંતો-ભક્તોનાં નામ સાથે થયું છે !

વચનામૃત લોયા પ્રકરણના ૭મા વચનામૃતમાં આવતા ઉલ્લેખ મુજબ તો આ ગ્રંથની પ્રત શ્રીહરિએ જાતે જ જોઈ છે. પોતાની વાણીના તમામ લેખિત તથ્યોને જાણી બહાલી આપી છે, પ્રમાણ આપ્યું છે. વચનામૃત લોયા પ્રકરણનું ૭મું – “સંવત ૧૮૭૭ના માગશર સુદિ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાઘનું છોગલું બિરાજમાન હતું તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતોની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામી લાવીને શ્રીજીમહારાજને આપ્યું પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા.”

આ બધાનાં કારણે હજારો વર્ષો પછી આ ગ્રંથની પ્રમાણભૂતતા ઉપર કોઈ આંગળી ઊઠાવી નહીં શકે. એ પરમહંસોની ઐતિહાસિક સૂઝ સમાજનો જ ઉપકાર હશે.

આવા પ્રાચીન ગ્રંથોના આધુનિક સંસ્કરણ સમાન આ ગ્રંથની પ્રમાણભૂતતા બેનમૂન છે.

(ક્રમશઃ)