સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજ્યંતિ નિમિત્તે ભાવનગર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાશે

487

સમગ્ર ભારત દેશના ૫૬૨ રજવાડાઓને એક છત્ર હેઠળ લાવી અખંડ ભારતનું નિર્માણ કરનારા લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મતિથી ૩૧ ઓકટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે તેથી સમગ્ર ભાવનગર જિલ્લામાં આ કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તેમજ તમામ વર્ગના લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તેવા શુભ હેતુસર આજે તા. ૨૪ ઓકટોબરના રોજ કલેક્ટર કચેરીના આયોજન સભાખંડ ખાતે  જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે સંબધીત કચેરીઓના અધિકારીઓની ઉપસ્થિતીમાં એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી બોલતાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, તા. ૩૧ ઓકટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની સુચના મુજબ નક્કી થયેલ હોવાથી ભાવનગર જિલ્લામાં આ કાર્યક્રમ અત્યંત ચોકસાઇપુર્વક યોજાય તેથી આપણે જુદી જુદી સમિતીઓની રચના કરી છે જેવી કે ૧) સ્વાગત તથા સ્ટેજ સમિતી, ૨) વાહન વ્યવસ્થા, પાર્કિગ ટ્રાફિક નિયંત્રણ સમિતી ૩) સફાઇ સમિતી ૪) આરોગ્ય સમિતી ૫) પ્રચાર પ્રસાર સમિતિ ૬) રીફ્રેશમેન્ટ સમિતી ૭) રૂટ સંચાલન, બેચ ફોર્મેટ, કાયદો અને વ્યવસ્થા સમિતી, ૮) લોગો ટી-શર્ટ વિતરણ સમિતી થકી કર્મચારી અધિકારી તેમજ બહોળા જનસમુદાયને સાંકળી આ કાર્યક્રમ ખરા અર્થમાં લોકોના મન બુધ્ધીમાં રાષ્ટ્રીય એકતાની ભાવના સાકારીત કરે તેવા આપણે સૌએ સાથે મળીને નિષ્ઠાપુર્વકના પ્રયાસો હાથ ધરવાના રહેશે.

તેમણે ઉપસ્થિત સંબધિત સમિતિના કન્વીનર, સહ કન્વીનર, તેમજ સભ્યોને જણાવ્યું હતું કે, તેઓએ તેમજ શહેર જિલ્લાની તમામ સરકારી કચેરીના કર્મચારી અધિકારીઓ સમુહમાં રાષ્ટ્રીય એકતા દિવસે શપથ લે તે મુજબનું આયોજન હાથ ધરવાનું રહેશે. આ બેઠકમાં નક્કી કરાયા અનુસાર જિલ્લા મથક ભાવનગરના શહેરી વિસ્તારમાં નિશ્વિત રૂટ ક્રેસન્ટથી મહિલા કોલેજ, આંબાવાડી, મેઘાણી સર્કલ થી પરત ક્રેસન્ટ પર શાળા મહાશાળાના વિધાર્થીઓ શિક્ષકો, સ્વૈચ્છિક સંસ્થાઓના અધિકારી પદાધિકારી તેમજ લોકો ’’રન ફોર યુનિટી – ૨૦૧૯’’ સંદર્ભે અંદાજે ૧ કિલોમીટર જેટલું દોડશે. ક્રેસન્ટ ખાતે સમુહમા રાષ્ટ્રીય એકતાના શપથ લેવામા આવશે. આ દોડમાં જોડાનારા લોકોએ કાગળના બેનરોનો ઉપયોગ કરવાનો રહેશે. રેલી દરમ્યાન પ્લાસ્ટીકની વસ્તુનો ઉપયોગ કરવો નહી. તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંતર્ગત શાળા મહાશાળાઓમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, યોજવાનું પણ સંબધિત અધિકારીને જણાવવામાં આવ્યુ છે. આમ આ રીતે આપણે સૌ સહિયારા પ્રયાસો થકી સમગ્ર શહેર અને જિલ્લામાં ખરા અર્થમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીશું.  આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ, મહાનગરપાલિકાના કમિશનર  એમ.એ. ગાંધી, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક કેલૈયા,બાડાના ચેરમેન  ડામોર, જિલ્લા રમતગમત અધિકારી  સીમાબેન ગાંધી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના રજીસ્ટાર કૌશીક ભટ્ટ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક  ચૌધરી, શહેર તેમજ જિલ્લાની મામલતદાર કચેરીના તમામ મામલતદારઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિત સંબધિત સમિતિઓના કન્વીનર સહ કન્વીનર તેમજ સંભ્યો હાજર રહ્યા હતા.

Previous articleરાણપુરની બેન્ક ઓફ બરોડાનું એટીએમ ૨ મહીના કરતા વધુ સમયથી બંધ હાલતમાં, ગ્રાહકોની દિવાળી બગાડશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે