કચ્છ એકસપ્રેસમાં નકલી નામથી ટિકિટ બુકીંગનું કૌભાંડ ઝડપાયું

1284

દિવાળીની રજાઓમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને નકલી નામે ઈ- ટિકિટો બુક કરાવવાનું મોટું કૌભાંડ પશ્ચિમ રેલવેની વિજિલન્સ ટીમે પકડી પાડ્યું છે. ટ્રેન નં. ૨૨૯૫૬ ભુજ- બાંદરા (ટર્મિનસ) કચ્છ એક્સપ્રેસમાંથી રૂ. ૭.૧૯ લાખની ૨૮૨ શંકાસ્પદ ઈ- ટિકિટો બ્લોક કરી દેવામાં આવી છે. પીઆરએસ સિસ્ટમમાં અમુક શંકાસ્પદ બુકિંગની લેણદેણ થઈ રહી છે એવી વિશ્વસનીય માહિતી મળતાં જ વિજિલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી, જે સમયે દિવાળીની રજાઓના અલગ અલગ દિવસ પર પ્રવાસીઓનાં એક જ નામનો ઉપયોગ કરીને ટ્રેન નં. ૨૨૯૫૬ ભુજ- બાંદરા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસમાં ઈ- ટિકિટો બુક કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

આ કેસની તપાસ કરનારા ચીફ વિજિલન્સ ઈન્સ્પેક્ટર હિમાંશુ કાપડિયાએ જણાવ્યું હતું કે આ ઈ- ટિકિટો ૧લીથી ૧૩મી નવેમ્બર, ૨૦૧૯ની તારીખો માટે દિવાળીની રજાઓના અલગ અલગ દિવસો પર એક જ ગ્રુપને નામે અને એક જ ટ્રેનની હોવાનું જણાયું છે. આવાં ૨૬ ગ્રુપોનું શંકાસ્પદ રિટર્ન ટિકિટનું બુકિંગ થયું છે.

૧થી ૧૩ નવેમ્બરના સમયમાં કચ્છ એકસપ્રેસમાં બુકીંગ કરાવનાર મુસાફરોને તેમનું બુકીંગ સ્ટેટસ તપાસી લેવા જણાવી જો તેમની ટિકીટ બ્લોક હોય તો મુંબઈ સેન્ટ્રલ, ગાંધીધામ, અમદાવાદના ચીફ રિઝર્વેશન સુપરવાઈઝરનો સંપર્ક કરી તેમને ઓળખના પુરાવા સુપરત કરવા અનુરોધ કરાયો છે. વેરીફીકેશન પછી સાચા મુસાફરોની ટિકીટ અનબ્લોક કરી દેવાશે.

Previous articleસિદ્ધપુર હિટ એન્ડ રન… લક્ઝરી બસની અડફેટે બાઇકસવારનું મોત નીપજ્યું
Next articleડેન્ગ્યુ-મેલેરીયાના આંકડા છુપાવતી ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહીના આદેશ