બ્રિસ્બેન ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે રમત બંધ રહી ત્યારે પાકિસ્તાને તેના બીજા દાવમાં ત્રણ વિકેટ ગુમાવીને ૬૪ રન કર્યા હતા. પાકિસ્તાનની ટીમ હજુ ૨૭૬ રન પાછળ છે અને તેની સાત વિકેટ હાથમાં છે. પાકિસ્તન પર આ ટેસ્ટ મેચમાં હારનું સંકટ તોળાઈ રહ્યું છે. પાકિસ્તાનના બેટ્સમેનો આજે બીજા દાવમાં નિષ્ફળ રહ્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે શાન મસૂદ ૨૭ રન સાથે રમતમાં હતો જ્યારે બાબર આઝમ ૨૦ રન સાથે રમતમાં હતો. ઓસ્ટ્રેલિયા તરફથી આજે સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી. તે પહેલા ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં જંગી જુમલો ખડક્યો હતો અને પ્રથમ દાવમાં ૫૮૦ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે ૧૫૪ અને લમ્બુસ્ગેએ ૧૮૫ રન બનાવ્યા હતા. જેમાં ૨૦ ચોગ્ગાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાએ જંગી જુમલો ખડક્યા બાદ પાકિસ્તાને તેના બીજા દાવની શરૂઆત કરી હતી પરંતુ ટોપ ઓર્ડરના બેટ્સમેનો સસ્તામાં આઉટ થયા હતા. જેથી પાકિસ્તાનની ટીમ મુશ્કેલીમાં દેખાઈ હતી. પાકિસ્તાનની ટીમ પ્રથમ દિવસે જ ઓલઆઉટ થઇ ગઇ હતી. આજે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ઝડપથી બેટિંગ કરી હતી અને પાકિસ્તાનના બોલરોને કોઇ તક આપી ન હતી. વોર્નરે ૨૯૬ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે ૧૫૪ રન કર્યા હતા. જ્યારે લમ્બુસ્ગેએ ૧૭૯ બોલમાં ૨૦ ચોગ્ગા સાથે ૧૮૫ રન કર્યા હતા. આ ઉપરાંત વાડેએ ૬૦ રન કર્યા હતા. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે શરૂ થયેલી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની સામે પ્રવાસી પાકિસ્તાનની ટીમ માત્ર ૨૪૦ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરો સામે પાકિસ્તાનના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. સ્ટાર્કે બાવન રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે કમિન્સે ત્રણ અને હેઝલવુડે બે વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને
પાકિસ્તાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ નિર્ણય તેમના માટે આત્મઘાતી પુરવાર થયો હતો. પાકિસ્તાને પ્રથમ વિકેટ ૭૫ રને ગુમાવ્યા બાદ સમગ્ર ટીમ ૨૪૦ રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ઓસ્ટ્રેલિયાનો દેખાવ જોરદાર રહ્યો છે. આ ટેસ્ટ મેચમાં તેની જીત નક્કી દેખાઈ રહી છે. પાકિસ્તાનની ટીમ સામે બે દિવસ રહેલા છે જેથી આ ટેસ્ટ મેચ તે બચાવી શકે તેવી શક્યતા ઓછી છે. ૨૭૬ રનથી પાકિસ્તાન પહેલાથી જ પાછળ રહેલું છે.

















