ભાવનગર શહેર-જિલ્લામાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી

1009
bvn2632018-12.jpg

ભાવનગર શહેર તથા જિલ્લામાં રામનવમી પર્વની વિવિધ ધર્મોકર્મોના સથવારે શ્રધ્ધાળુઓએ ભારે આસ્થાભેર ઉજવણી કરી છે. ચૈત્ર સુદ નોમ એટલે ચૈત્રી નવરાત્રિનું સમાપન અને ભગવાન મર્યાદા પુરૂષોત્તમ રામચંદ્રનો પૃથ્વી પ્રાગટ્ય દિન દર વર્ષે શ્રધ્ધાળુઓ દ્વારા સમગ્ર ભારત વર્ષ તથા રાજ્યના શહેરો સાથે ભાવેણામાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેર-જિલ્લાના સમજી મંદિરોમાં રામનવમી પર્વ અન્વયે છેલ્લા એકાદ સપ્તાહથી તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. શહેરના તપસ્વી બાવાની વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર સંચાલકો તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન રાઘવેન્દ્ર સરકારની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાતઃ સમયે યોજાયેલ આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી પૂનઃ નિજ મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં રામભક્તો વિહિપના સભ્યો તથા નગરજનોની બહોળી ઉપસ્થિતિ વચ્ચે બપોરે ૧રના ટકોરે રામજન્મ સાથે મહાઆરતી, પંચ ષોડોપચાર મહાપૂજન તેમજ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ જ રીતે શહેરના નિર્મળનગર સ્થિત રામજી મંદિર ખાતે પણ પરંપરાગત રીતે રામ જન્મોત્સવ સાથે ભગવાન શ્રી રામલલ્લાના બાળ સ્વરૂપની ઝાંખીના દર્શન ભાવિકભક્તોએ કરી પોતાની જાત ધન્ય કરી હતી. તદ્દઉપરાંત ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, પાલીતાણા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાવ અને ભક્તિ સાથે રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તળાજા ખાતે આવેલ રામજી મંદિર ખાતે રામભક્તો દ્વારા ઉપવાસ રાખી મધ્યાંતરે રામજન્મની સાથે વિશેષ પૂજા અર્ચન, આરતી સાથોસાથ ભગવાનને અન્નકુટ ધરવામાં આવ્યો હતો. જેના દર્શન પ્રસાદનો લ્હાવો મોટીસંખ્યામાં ભક્તગણએ લીધો હતો. તો બીજી તરફ મહુવા ખાતે પણ શ્રધ્ધાળુઓ દ્વારા રામનવમી પર્વને લઈને સવારથી મંદિરોમાં ભારે ભીડ સાથે મંદિરના પટાંગણમાં વિષ્ણુ યજ્ઞ સાથે સાંજના સમયે ૧૦૮ દિપ સાથે મહાઆરતી યોજવામાં આવી હતી તથા પાલીતાણા ખાતે ભક્તો દ્વારા ઠંડા પાણી, છાશ, સરબતનું લોકોને વિતરણ કરી રામ જન્મોત્સવમાં જોડાયા હતા. સિહોર ખાતે વિહિપ તથા બજરંગદળ દ્વારા રામ જન્મ નિમિત્તે બાળકો, ગરીબોને પ્રસાદ વિતરણ કર્યુ હતું. આમ સમગ્ર શહેર-જિલ્લામાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleક્રેસન્ટ સર્કલ નજીક ટ્રક અને બાઈકનો અકસ્માત : ૧ને ઈજા
Next article એમ.કે. ભાવનગર યુનિ. ખાતે પદ્દવીદાન સમારોહ સંપન્ન