શ્રીસ્વામિનારાયણો વિજયતે
ગઢડામાં પ્રસાદીભૂત વિશાળ પુરુષોત્તમ ઘાટ સાફ કરાયું
વચનામૃત મહોત્સવ માટે ઘાટમાંથી ૬૦ લાખ લીટર ગંદુ પાણી કાઢવામાં આવ્યું
ભગવાન સ્વામિનારાયણ અને મહાન પરમહંસોએ ઘાટમા સ્નાન કરેલું છે.
૨૦૦ થી વધુ સંતો – હરિભક્તો દ્વારા ઘાટ સાફ કરાયું
૬૦ લાખ લીટર ગંદુ પાણી કાઢી નવું શુદ્ધ પાણી ભરવામાં આવશે.
લંડન, અમેરિકાથી પધારેલા સંતો પણ મહિમાપૂર્વક સેવાકાર્યમાં જોડાયા.
ઘાટની સફાઈથી સત્સંગ સમુદાય અને ગ્રામવાસીઓને આનંદ
ભગવાન શ્રીસ્વામિનારાયણની ચરણરજથી પ્રસાદીભૂત ગઢડા ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. તા.૬ માર્ચથી શરુ થનાર આ મહોત્સવ પૂર્વે વિશાળ પાયા ઉપર કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગઈકાલે ઘેલા નદીના પુરુષોત્તમ ઘાટની સફાઈ કરવામાં આવી હતી.
ગઢડામાં આવેલ ઘેલા નદીના આ પુરુષોત્તમ ઘાટનાં સ્થળ ઉપર ભગવાન સ્વામિનારાયણ અને તેમના મહાન પરમહંસોએ અનેકવાર સ્નાન કરેલું છે. એવા મહાપ્રસાદીભૂત ઘાટને પ.પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસ. સંસ્થાના ૨૦૦ ઉપરાંત સંતો – હરિભક્તોએ મળીને સાફ કર્યું હતું. આ સફાઈ અભિયાનમાં સારંગપુરમાં અભ્યાસ કરાવનાર અધ્યાપક સંતોની સાથે અભ્યાસ કરનાર સંતો, સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને યુવા તાલીમ કેન્દ્રના યુવાનો જોડાયા હતા. ગઢડા નગરપાલિકાની પણ મદદ આ સેવાકાર્યમાં મળી હતી.
ઘાટના ૬૦ લાખ લીટર ગંદા પાણીને આખી રાતમાં મોટા સબમર્શીબલ પંપોની મદદથી ખાલી કરવામાં આવ્યું હતું. સવારે નદીના ગંદા શેવાળ, ગંધાતા કચરા, ઘાસ અને કાદવને સાફ કરતા સંતો-યુવાનો જોઈ ત્યાંથી પસાર થનાર સૌ કોઈ નતમસ્તક થઇ જતા હતા. મહોત્સવ પૂર્વે આ ઘાટમાં નવું શુદ્ધ પાણી ભરી તેની રોનક બદલવામાં આવશે. પુરુષોત્તમ ઘાટ અને ઘેલા નદીના આ સફાઈ કાર્યથી સત્સંગ સમુદાય અને ગ્રામવાસીઓને ખૂબ આનંદ થયો હતો. સાથે સાથે કેટલાક વિદેશથી પધારેલા અને અત્યંત ઉચ્ચશિક્ષિત સંતો-યુવાનોને આવી સેવા કરતા જોઈ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા પ્રત્યે સૌને અહોભાવ થયો હતો.
















