કંઈક ખૂટે છે….. – સાધુ સર્વકુશલદાસ(વચનામૃત જીવનમાર્ગદર્શક –૪૪)

542

માનવી સગવડની સવલતમાં પણ આજે આટલા દુઃખી કેમ?

કરોડોના બંગલા, મોટર, મોબાઈલ મળ્યાની પણ ઘરમાં પ્રશ્નો કેમ?

પ્રેમલગ્ન કરીને જિંદગીભર સાથે રહેવાનો કોલ આપ્યો હોય. કરોડો રૂપિયાનો લગ્નમાં ધુમાડો કરી નાંખ્યો હોય છતાંય છૂટાછેડા કેમ?

કંઈક કડી જીવનમાં ખૂટે છે…. એ છે સહિષ્ણુતાની કડી. કોઈકે પૂછ્યું, ‘જિંદગીની કિંમત કેટલી?’

ઉત્તર : બે સેન્ડવીચ જેટલી.

આ ઉત્તર કેવો વિચિત્ર લાગે છે! પણ આ એક હકીકત છે.

એક પત્નીએ પોતાના પતિને કહ્યું – ‘આજે પણ આપણે બહાર જમવા જઈએ…..’ “મારે સેન્ડવીચ ખાવી છે.”

પતિ : આપણને રોજ રોજ આવા સ્વાદના શોખ કેવી રીતે પોષાય?

સ્ત્રીને લાગી આવ્યું! એણે એકાંતમાં ગળે દુપટ્ટો ભીંસી જિંદગીની કિંમત ચૂકવી દીધી.

આજની સીતાઓ ૧૪ વર્ષનો વનવાસ તો ઠીક પણ આટલી વાતોમાં જીવનનું પૂર્ણવિરામ લાવી દે છે.

કઈ વિકૃતિમાંથી વખરેલો આ આત્મશોખ છે? કે આપણા દિલ સાવ કચકડા જેવા નાજુક બની ગયા! જરા જેટલું કષ્ટનું વજન પડે કે સંજોગોનો દબાવ આવે અને બસ! “દિલ તૂટી જાય છે”, “મન ઊતરી જાય છે”, “અંતરમાં લાગી આવે છે.”

અજાયબીનાં વિશ્વમાં રહેનારા આપણને અજાયબીઓની પણ નવાઈ નથી. ચાંદ, સૂરજ કે પહાડો ભગવાનની અજાયબીઓ છે.

ચીનની દીવાલો કે ઈજિપ્તનાં પિરામીડો એ માનવીના પ્રાચીન સર્જનોની અજાયબીઓ છે, પણ આજના જમાનાની અજાયબી તો કંઈક વિરલ અને વિસ્મયકારી છે.

આજે માણસને ખોટું કામ થતું દેખીને, ખોટું નથી લાગતું!

જ્યાં પોતાના સ્વાર્થ ઉપર ઘા પડે કે, મિથ્યા અહંકાર પર લાત પડે ત્યારે જ ખોટું લાગી જાય છે.

કારણ??

“સહનશક્તિનો અભાવ.”

એક વાક્ય વારંવાર ઉપરીઓ દ્વારા, માતા-પિતાઓ દ્વારા, શિક્ષકો કે અધ્યાપકો દ્વારા કાન પર અથડાયા કરે છે. “કોઈને કાંઈ કહેવાતું નથી.” “એમને તરત ખોટું લાગી જાય છે.” આમાં સુધારાનો અવકાશ ક્યાં રહ્યો.

હા, કોઈ મીઠું-મીઠું બોલીને છુરી ચલાવી જાય તો મન મારીને હાથ મસળતા રહી જઈએ, પણ કડવું બોલી કોઈ આપણું હિત કરતું હોય તો આપણને મંજૂર નથી હોતું.

આપણને ખોટું ન લાગી જાય તેનું ધ્યાન બધાને રાખવું પડે છે. ભૂલથી પણ જો આપણને આપણી ભૂલ ચીંધે તો નવી પેઢી તમાચો મારતી હોય તેમ ચોપડી જાય છે. “mind your own business” “તમે તમારું જુઓ.”

સુધારો થવાની – ઘડતર મેળવવાની પરંપરાને આમ જ લૂણો લાગી જાય છે. જાણે દરેકના કપાળ પર એક જ અદૃશ્ય વાક્ય, નાજુક છે જાળવીને વ્યવહાર કરો.

એક માટી જેના પર પ્રજાપતિનો હાથ ફરે ને ઘડતર થઈ માટલું બની જાય. જ્યારે એક પથ્થર પર ખાલી ટાંકણું અડાડીએ તો અગ્નિ ઝરે.

ફરક્કા એક્સપ્રેસ – મિલિટરી જવાનો બેઠા હતા. બીજા મુસાફરો થોડો અવાજ કરતા હતા. આથી તેણે કહ્યું, “અવાજ બંધ કરો.” – ન કર્યો. મિલિટરીવાળા યુવકોએ ૪ યુવકો અને ૧ સ્ત્રીને બહાર ફેંકી દીધી.

સમય બદલાયો છે. સંપૂર્ણ પરિવારો ભાંગી ઊઠ્યા છે. કારણ? કોઈનું ખમવાની કોઈની તૈયારી નથી. સહિષ્ણુતા, સહનશીલતા અને સમયશીલતાના નામે મોટું મીંડું ચીતરાઈ ગયું છે. આજે આપણે થોડીક અગવડ, અસુવિધા, મુશ્કેલીઓ સહી શકાતી નથી. ખાવા-પીવાનું, આરામ કરવાનું જરાક મોડું થઈ જાય તો તે ચલાવી શકતા નથી.

ગરમીમાં પંખો કે A.C. બંધ થઈ જાય તો અકળાઈ ઊઠીએ છીએ. આ આપણી વાસ્તવિકતા છે.

પરંતુ જો જીવનમાં સુખી થવું હોય, શાંતિ જોઈતી હોય તો એ સુધારો કર્યા વગર છૂટકો જ નથી. સહન કરવાની શક્તિ કેળવવી પડશે.

આવી પરિસ્થિતિમાં આપણને આધ્યાત્મિકતા દીવાદાંડીરૂપ બની રહે છે. આવી પરિસ્થિતિમાં આપણે મોટા પુરુષોનું જીવન દીવાદાંડીરૂપ બની રહે છે.

પ્રમુખસ્વામી મહારાજ જેવા વિશ્વવ્યાપી BAPS સંસ્થાના પ્રમુખ હતા. લાખો લોકોનાં ગુરુ હતા. તેમના જ જીવનમાં એકવાર….

અટલાદરામાં રસોડામાં ૨ હરિભક્તો માટે રસોઈ લેવા ગયા. તો રસોઈયાઓએ પ્રમુખસ્વામી મહારાજ પાસેથી રસોઈ આંચકી લીધી અને કહે, ‘નહીં મળે.’ પેલા બે ભક્તોથી આ શુલ્લક નોકર અપમાન કરે તે ન જોવાયું અને તેઓ બરડી ઊઠ્યા, “અલ્યા, તું આમને ઓળખે છે? આ તો સંસ્થાના ધણી છે.” પ્રમુખસ્વામી મહારાજ તો તદ્દન શાંત અને અવિચલિત હતા. પોતાની સત્તાની રુએ રસોઈયાને કાઢી મૂકી શકત. પણ સહન કરી લીધું.

એટલે જ એક ચિંતકે સુંદર વાત કરી છે.

“Tolerance is the best religious.” – સહનશીલતા શ્રેષ્ઠ ધર્મ છે. વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, “દરેક પરિસ્થિતિમાં સહન કરવું.”(ક્રમશઃ)

Previous articleવડવાળાનગર જેસરમાં થયેલ ખુનના ગુન્હામાં આરોપીઓ ને ગણતરીની કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
Next articleરાણપુરમાં ગેરકાયદેસર કરેલુ દબાણ આખરે તોડી પડાયુ:અન્ય દબાણકારોમાં ફફડાટ.