ઓનલાઇન શિક્ષણ મેઘધનુષી પરપોટો

570
કોરોના સંકટે શિક્ષણને અસાધારણ રીતે પ્રભાવિત કર્યું છે. સમગ્ર ભારતની શાળાઓના દરવાજા લગભગ બે મહિનાથી બંધ છે. સરકાર પણ નિયત કરી શકતી નથી કે આ સંજોગોમાં શિક્ષણ માટે શું કરી શકાય ..! સોશ્યલ ડીસ્ટન્સનુ પાલન અને ટોળાઓની બાધ્યતા બંને બાબતો જાળવી રાખવી શાળાની મર્યાદા છે. એવા સંજોગોમાં ઓનલાઇન શિક્ષણ આપવાની વાત ચોગાનમાં આવી છે.
      ઓનલાઇન શિક્ષણ કોમ્પ્યુટર અને લેપટોપ, મોબાઈલની મદદથી વિદ્યાર્થીને ઘેર બેઠા આપવાના પ્રયોગો અમેરિકા,યુરોપ માં ઘણા સમયથી ચાલુ છે .પરંતુ તે દેશોની સરખામણીમાં ભારત ટેકનોલોજી અને આર્થિક સમૃધ્ધિની બાબતમાં જોજનો પાછળ છે. તે વાંત સ્વભાવિક રીતે સરકારે પણ સ્વીકારવી પડે, ને લોકોએ પણ સ્વીકારવી પડે . ઓનલાઇન શિક્ષણ એ ભારતમાં માત્ર પાણીના તળાવમાં આકારિત થતા પરપોટાને જોવો ગમે પરંતુ એ ક્ષણભરમાં ક્યાં વિલીન થઈ જાય તેની ખબર પણ ન પડે તેવી જ સ્થિતિ તેની ગણી શકાય.
   આ પ્રકારનું શિક્ષણ લેવા માટે વિદ્યાર્થીઓ પાસે સારાં કમ્પ્યુટર ,મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, શિક્ષિત વાલીઓ ,ઇન્ટરનેટની ઝડપ વિદ્યાર્થીઓની ગ્રાહ્યતા,વિદ્યાર્થીઓની ગુણવત્તા અને તજજ્ઞ ફેકલ્ટી ,સમયપાલન બધું જ પૂરતાં પ્રમાણમાં આવશ્યક છે . તે જો હોય તો જ આ મિશન શત પ્રતિશત પાર પડે તેમ છે .અન્યથા આપણે આત્મસશ્ર્લાઘા કે આત્મગૌરવ જરૂર કરી શકીએ કે અમે આ પ્રકારનું શિક્ષણ પ્રવાહિત કર્યું છે . તે દ્વારા અમે વિદ્યાર્થીઓની શિક્ષણસેવા કરી રહ્યા છીએ.
      ભારત ગ્રામ જગત સાથે જોડાયેલો દેશ છે. તેથી મહત્તમ લોકો ગામડાંમાં વસવાટ કરી રહ્યાં છે. જ્યાં પૂરતા પ્રમાણમાં વિજળી, ઇન્ટરનેટ વગેરેની સગવડતાઓ વિકસિત રાજ્યોને બાદ કરતા લગભગ નહીંવત છે. સાથોસાથ છેલ્લા વર્ષોમાં “અસર”નામની સંસ્થાએ પ્રકાશિત કરેલા આંકડાઓ મુજબ પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ પૈકી 38 ટકા વિદ્યાર્થીઓને પૂરતાં પ્રમાણમાં વાંચતા આવડતું નથી ,એટલું જ નહીં 45 ટકા વિદ્યાર્થીઓ ગણનમાં પણ નબળાં છે. તો ઓફલાઈન શિક્ષણ ચાલતું હોય અને પ્રત્યક્ષ ઉત્તર વર્ગખંડમાં મળતો હોય તો પણ જો આપણે આ પ્રકારના પરિણામો મેળવતાં  હોઈએ તો ઓનલાઇન આપણે ક્યાં ઊભાં છીએ, તેની ઘડીભર કલ્પના કરી લો…!!!
       આજે કેટલીક શાળાઓ કે જે ગુજરાતમા 300કરોડનો ધંધો કરી વાલીઓના પૈસે તાગડધિન્ના કરી રહી છે .તે ઓનલાઈન એજ્યુકેશનનો પ્રચાર, પ્રસાર કરીને પોતે શીર્ષસ્થ શાળા છે. તેવી શેખી મારી રહી છે હા, મહાનગરો પૂરતી અને તેમાં પણ અમુક વિસ્તારો પૂરતી આ વાત સાર્થક જરૂર થઇ શકે.
     યુરોપ-અમેરિકામાં ફાઇવ જી કે તેનાથી પણ આગળ ઇન્ટરનેટની સ્પીડ પ્રાપ્ત થઈ છે. તેમની પાસે પોતાના કમ્પ્યૂટર અને તેના કેમેરા વગેરે યોગ્ય પ્રકારના અને ગુણવત્તાલક્ષી સાધનો છે. આજે પણ ભારતના ગુજરાત જેવાં સમૃદ્ધ રાજ્યમાં 37 ટકા વસ્તી મફતનું રાશન લેવાં લાઇનમાં ઊભી હતી. તેમની પાસે ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના બીલ ભરવાનાં નાણાં ક્યાંથી મેળવવા ? રિલાયન્સનો જીઓ દરરોજનું દોઢ જીબી ઈન્ટરનેટ વાપરવા રોજના પાંચ રૂપિયાનો ચાર્જ વસૂલે છે.તે ડેટા પણ ઓનલાઈન માટે પુરતો નથી. જો સરકારી શાળાઓને પણ આ પ્રકારની નેટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકવા સક્ષમ નથી તે વાત ભીત સત્ય છે. તો વિદ્યાર્થીઓને કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય…? એક મર્યાદાએ પણ છે કે ઓનલાઇન આખાં ગામને એક લાકડે હાંકે. અહીં તો દરેકની શીખવાની ક્ષમતાં પણ અલગ અલગ છે.ફેકલ્ટીઓ મોટાં ‘માસ ‘સાથે કમ્યૂનકેટ ન કરી શકે.વધુ ફેકલ્ટી આપી ન શકાય..!
     ગામડાંનો વાલી અને વિદ્યાર્થી  અસરકારક રીતે બેજવાબદાર હોય છે. શાળા ચાલું હોય ત્યારે પણ ગુજરાત જેવા રાજ્યમાં વિદ્યાર્થીઓની હાજરી પાકની લણણી કે વાવણીના પ્રસંગે માત્ર 60 ટકા હોય છે . સીધું માર્ગદર્શન અને શિક્ષણ મળતું હોવા છતાં પણ આ વિદ્યાર્થી વાર્ષિક માપદંડોમાં
ખરો ઉતરતો નથી. સારાં શિક્ષકો અને પૂરતાં પ્રમાણમાં શૈક્ષણિક ઉપકરણો અને સરકારશ્રી ના પ્રયત્નો પણ એટલા જ મહત્વના હોવા છતાં પરિણામો માત્ર પ્રશ્નાર્થ જ બની રહે છે. તો ત્યાં ઓનલાઈન શિક્ષણ કેટલું કારગત ?
     એનાલીસીસ….
સરકાર દ્વારા બાયસેગથી પ્રસારિત થતાં કાર્યક્રમો માત્ર 3 ટકા સુધી પહોંચે છે.
-તખુભાઈ સાંડસુર