ભાવનગર રેન્જ આઇ.જી. કચેરી – પોલીસ કર્મી આવાસ-પોલીસ મથક સહિત રૂ. ૪૧.૩૬ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા

402

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે તેમણે આ સંદર્ભમાં રાજ્ય પોલીસદળને અભિનંદન આપતાં જણાવ્યું કે, કાયદો વ્યવસ્થાની જાળવણીમાં શાંતિ-સલામતિ ડહોળનારાઓ સામે રાજ્યનું પોલીસદળ ઝિરો ટોલરન્સથી કાર્યરત છે.
મુખ્યમંત્રીએ ભાવનગર રેન્જ આઇ.જી.કચેરીના રૂ. ૩.૯૦ કરોડના ખર્ચે બનનારા અદ્યતન ભવન સહિત ત્રણ પોલીસ લાઇન, ડોગ કેનાલના ખાતમૂર્હત અને સનેસ પોલીસ મથકના લોકાર્પણ સહિત રૂ. ૪૧.૩૬ કરોડના વિકાસ કામોની ભેટ ઇ-લોકાર્પણ-ખાતમૂહર્ત દ્વારા ભાવનગરને આપી હતી.


ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મહિલા-બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે આ વેળાએ ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી સાથે વિડીયો કોન્ફરન્સમાં સહભાગી થયા હતા.મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસ દેશભરમાં શ્રેષ્ઠતામાં અગ્રેસર છે તેની ભૂમિકા આપતાં ઉમેર્યુ કે, ગુજરાતમાં ક્રાઇમ રેઇટ ઘટયો છે અને કન્વીકશન રેઇટ વધ્યો છે.
આપણે કાયદાઓ વધુ કડક બનાવીને અસામાજિક તત્વો, ગુંડાગર્દી કરનારાઓ સામે સખ્તાઇથી પેશ આવવા સાથે હુલ્લડ-મૂકત ગુજરાત બનાવી લોકોની સુખ-સમૃદ્ધિ શાંતિ-સલામતિથી ગાંધી-સરદારનું ગુજરાત પ્રસ્થાપિત કરવું છે એમ તેમણે ઉમેર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પ્રજાની જાન-માલની રક્ષા કરનારા પોલીસ કર્મીઓને કપરી ફરજો પછી ઘરે આવે ત્યારે માનસિક શાંતિ મળે, તેમનું જીવન પ્રફૂલ્લિત-તનાવમુકત રહે તેવી આવાસ સગવડો આપણે સુવિધાસભર પોલીસ આવાસોના નિર્માણથી આપી છે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણને કારણે વિકાસની ગતિ અટકી નથી તેનો વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સવા અગિયાર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન આ કોરોના કાળ દરમ્યાન ડિઝીટલી કર્યા છે.
તેમણે કોરોના સંક્રમણ સામે જનસહયોગ, વહિવટીતંત્ર અને આરોગ્ય, પોલીસ સહિતના વિભાગોની ફરજનિષ્ઠાથી ગુજરાતમાં કોરોનાનો વ્યાપ નિયંત્રણમાં રાખી શકાયો છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં પ૦ લાખ જેટલા ટેસ્ટ કર્યા છે એટલે કે રાજ્યની વસ્તીના ૮ ટકાને આવરી લીધા છે. આપણો પેશન્ટ રિકવરી રેટ ૮૭ ટકા અને મૃત્યુદર ઘટીને ૩ ટકા જેટલો થયો છે. કોરોના સંક્રમણ કાળમાં ડિઝીટલી લોકાર્પણ-ખાતમૂર્હતની નવી કેડી આપણે વિકસાવીને વિકાસ કામોની ગતિ જાળવી રાખી છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસમાં ૪૦ હજાર જેટલી નવી ભરતી થવાના પરિણામે પોલીસ દળના સ્કીલ અને સાઇઝ બેય વધ્યા છે.
તેમણે આ પોલીસકર્મીઓને સગવડતા વાળા અને મોકળાશયુકત રહેઠાણ મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇની પ્રેરણાથી હવે પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મીને પણ બે રૂમ રસોડાના અદ્યતન આવાસ આપવામાં આવે છે તેની સરાહના કરી હતી. ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમારે સૌનું સ્વાગત તથા જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે આભાર વ્યકત કર્યો હતો.
આ અવસરે આ ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, ધારાસભ્ય આર.સી.મકવાણા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, મહાનગરપાલિકા કમિશ્નર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નાયબ પોલીસ અધિક્ષક સફીન હસન સહિતના મહાનુભાવો, અધિકારીઓ ભાવનગરથી જોડાયા હતા.

Previous articleત્રણ ચોરાઉ મોટર સાયકલો સાથે બે ઇસમોને મહુવા સરકારી હોસ્પીટલ પાસેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર
Next articleકારીગરોના કામને ગૌરવ આપતા ચિત્રોથી સુશોભિત થઈ શિશુવિહારની ભીંતો