ગુરૂ – શનિ ગ્રહની યુતિનો અદ્‌ભુત અવકાશી નજારો લોકોએ ટેલીસ્કોપની મદદથી નિહાળ્યો

289

૨૧ ડિસેમ્બરના રોજ વર્ષની લાંબામાં લાંબી રાત્રી અને ટૂંકામાં ટૂંકા દિવસે ૩૯૭ વર્ષ બાદ ભાગ્યેજ જોવા મળેલ ગુરુ અને શનિ ગ્રહની અદ્ભુત અદ્વિતીય યુતિ ટેલિસ્કોપની નજરે નિહાળવા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેનો લોકોએ ટેલીસ્કોપની મદદથી નિહાળી ખગોળીય નજારાનો લાભ લિધો હતો.
૨૧ ડિસેમ્બર ૨૦૨૦માં વિન્ટર સોલ્સટીસ એટલે કે વર્ષનો સૌથી ટુંકો દિવસ અને લાંબી રાત્રી. આ દિવસે ૩૯૭ વર્ષ બાદ ભાગ્યેજ જોવા મળેલ. ગુરુ અને શનિ ગ્રહની અદ્ભુત અદ્વિતીય યુતિ થઇ હતી. આ અંગે વધુ માહિતી આપતા કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના કો-ઓર્ડીનેટર હર્ષદભાઈ જોષીએ જણાવ્યું કે, ગુરુ અને શનિ ગ્રહ વચ્ચેનું વાસ્તવિક અંતર આશરે ૭૩૫ મિલિયન કિ.મી જેટલું છે. પરંતુ પોતાની પરિભ્રમણ કક્ષા અને પરીભ્રમણ વેગને કારણે સૂર્ય મંડળના સૌથી મોટા બે ગ્રહ ગુરુ અને શનિ ૧૬ ડિસેમ્બરથી ૨૧ ડિસેમ્બર દરમ્યાન પોતાની ભ્રમણ કક્ષામાં એકબીજા સાથેનાં કોણીય અંતરમાં સતત ઘટાડો થવાથી ૨૧ ડિસેમ્બરે બંને એકબીજાથી ૦.૧ ડીગ્રીના કોણીય અંતરે જોવા મળેલ. એમ કહી શકાય કે ગુરુ ગ્રહ શનિ ગ્રહને પોતાના ખભા પર ઉચકતો જોવા મળ્યો હતો. પ્રાપ્ત જૂની માહિતી મુજબ ૧૬ જુલાઈ, ૧૬૬૩ના દિવસે આ પ્રકારની ઘટનાની નોંધ કરવામાં આવેલ. ત્યાર પછી ૨૧ ડિસેમ્બર, ૨૦૨૦ને સોમવારના રોજ આ બંને ગ્રહો આટલા નજીક આવ્યા હોય (ખરેખર નજીક નહિ, પરંતુ બંનેની ભ્રમણ કક્ષાના અક્ષમાં થયેલ ટૂંકા સમયનો ફેરફાર) એવી ઘટના ૩૯૭ વર્ષ બાદ જોવા મળેલ. આ ઘટના નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) દિશામાં સુર્યાસ્ત બાદ ૧૬ ડિસેમ્બર થી ૨૧ ડિસેમ્બર દરમ્યાન નરી આંખે પણ નિહાળી શકાઇ હતી. કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર સંચાલિત ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા આ ઘટનાને ટેલિસ્કોપ વડે નિહાળવા માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે રસ ધરાવતા નોંધણી થયેલ પ્રથમ મર્યાદિત ૬૦ વ્યક્તિઓ માટે વ્યવસ્થા કરાઇ હતી. અને લોકોએ ગુરૂ, શનિની દર્લભ યુતિને ટેલીસ્કોપ વડે નિહાળી ખગોળિય આનંદ મેળવ્યો હતો.

Previous articleરૂા.૩ કરોડના ખર્ચે ચિત્રા ફુલસર વોર્ડમાં વિકાસના કામોનું મેરોથોન ખાતમુહૂર્ત
Next articleક્રિસમસની ઉજવણીની તૈયારી શરૂ